ટ્રેન્ડિંગવીડિયો સ્ટોરીસ્પોર્ટ્સ

IND vs SA: પ્રથમ ટેસ્ટનું આવતીકાલે પરિણામ પાક્કું, જાણો બીજા દિવસે શું થયું

કોલકાતા, તા. 15 નવેમ્બર, 2025: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ઈડન ગાર્ડન્સમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસની રમત ભારતને નામે રહી હતી. રવીન્દ્ર જાડેજાના શાનદાર પ્રદર્શનની મદદથી ભારતે આ મેચમાં જોરદાર વાપસી કરી હતી અને હવે તેની જીતની તકો ઉજળી બની છે. ભારતે દક્ષિણ આફ્રિકાના પ્રથમ દાવના સ્કોર પર 30 રનની લીડ મેળવી હતી. બીજા દિવસની રમત પૂરી થઈ ત્યારે દક્ષિણ આફ્રિકાની કુલ લીડ 63 રનની થઈ છે અને તેના માત્ર ત્રણ વિકેટ બાકી છે.

રવીન્દ્ર જાડેજા પ્રથમ દાવમાં વિકેટ નહોતો લઈ શક્યો, પણ શનિવારે તેણે માત્ર 27 રનમાં ચાર બૅટ્સમેનને પૅવિલિયન ભેગા કર્યા હતા. એક તબક્કે તેણે એક જ ઓવરમાં બે વિકેટ લીધી હતી. બે વિકેટ કુલદીપ યાદવે અને એક વિકેટ અક્ષર પટેલે લીધી હતી. ટૂંકમાં, ભારતના સ્પિનર્સના આક્રમણમાં સાઉથ આફ્રિકાની ટીમ માનસિક પ્રેશરમાં આવી ગઈ હતી અને વિકેટ પછી વિકેટ ગુમાવી બેઠી હતી.

રવિવારે મૅચનો ત્રીજો દિવસ છે અને આ દિવસે પહેલા કે બીજા સત્રમાં ભારતીય ટીમ જીતી શકે એમ છે. ભારતે ) પ્રથમ દાવમાં 30 રનની સરસાઈ લીધી જેની બાદબાકી કરતા ટેમ્બા બવુમાની ટીમના બીજા દાવમાં 63 રન થયા છે અને એની માત્ર ત્રણ વિકેટ પડવાની બાકી છે. ભારતને સેકન્ડ ઇનિંગ્સમાં દબાણમાં લાવવા સાઉથ આફ્રિકાએ એને ઓછામાં ઓછા 125 રનનો લક્ષ્યાંક આપવો જોઈશે જે શક્ય નથી લાગતું.

ઈડનમાં શુક્રવારના પ્રથમ દિવસે 11 વિકેટ પડી હતી. સાઉથ આફ્રિકાનો પ્રથમ દાવ 159 રનના સ્કોર પર પૂરો થયા બાદ ભારતે એ દિવસે એક વિકેટે 37 રન કર્યા હતા. શનિવારે બીજા દિવસે વધુ 15 વિકેટ પડી હતી. આ 15માંથી આઠ વિકેટ ભારતની હતી. કૅપ્ટન શુભમન ગિલે ગરદનના દુખાવાને કારણે બૅટિંગ અધવચ્ચે જ છોડી દીધી હતી. ભારતનો દાવ 30 રનની સરસાઈ સાથે 189 રનના સ્કોર પર સમેટાયો હતો અને પછી બીજા દાવમાં સાઉથ આફ્રિકાનો સાતમી ઓવરથી ધબડકો શરૂ થઈ ગયો હતો.

Back to top button