ટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

ICC ODI રેન્કિંગમાં ભારતની બાદશાહત યથાવત: નંબર-1 પર ટીમ ઈન્ડિયાનો કબ્જો

ICC ODI Team Rankings India world number one: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા જાહેર કરવામાં આવેલા વાર્ષિક અપડેટ બાદ પણ ભારતીય ટીમે વન-ડે ક્રિકેટમાં પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. જોકે, આ વખતે ભારતની લીડમાં થોડો ઘટાડો થયો છે. હાલમાં ટીમ ઈન્ડિયા 118 રેટિંગ પોઈન્ટ્સ સાથે પ્રથમ ક્રમે છે, જ્યારે બીજા સ્થાને રહેલું ન્યૂઝીલેન્ડ હવે ભારતથી માત્ર 5 રેટિંગ પોઈન્ટ્સ પાછળ છે, જે દર્શાવે છે કે આગામી સમયમાં નંબર-1 માટેની જંગ વધુ રોમાંચક બનશે.

દક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાનને પછાડ્યું

તાજા રેન્કિંગ મુજબ, વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા 109 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને યથાવત છે. આ વખતે દક્ષિણ આફ્રિકાએ રેન્કિંગમાં શાનદાર છલાંગ લગાવી છે અને પાકિસ્તાનને પાછળ છોડીને ચોથું સ્થાન હાંસલ કર્યું છે. દક્ષિણ આફ્રિકા હવે 102 પોઈન્ટ સાથે ચોથા ક્રમે છે, જ્યારે પાકિસ્તાન 98 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને ખસી ગયું છે. અન્ય ટીમોમાં શ્રીલંકા છઠ્ઠા, અફઘાનિસ્તાન સાતમા અને ઇંગ્લેન્ડ આઠમા ક્રમે છે.

વર્લ્ડ કપ 2027 ના ક્વોલિફિકેશન માટે મહત્વનું

આ રેન્કિંગ માત્ર આંકડા પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ના સીધા ક્વોલિફિકેશન માટે પણ અત્યંત મહત્વની છે. નિયમ મુજબ, 31 માર્ચ 2027 સુધી વન-ડે રેન્કિંગમાં ટોપ-8 માં રહેનારી ટીમોને આગામી વર્લ્ડ કપમાં સીધો પ્રવેશ મળશે. યજમાન દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વેને પહેલેથી જ ડાયરેક્ટ એન્ટ્રી મળી ચૂકી છે. જો દક્ષિણ આફ્રિકા ટોપ-8 માં રહેશે, તો નવમા ક્રમની ટીમને પણ સીધી ટિકિટ મળવાની શક્યતા વધી જશે.

અન્ય ટીમોની સ્થિતિ

રેન્કિંગમાં આયર્લેન્ડે ઝિમ્બાબ્વેને પાછળ છોડીને 11મું સ્થાન મેળવ્યું છે. અમેરિકા (USA) 13મા ક્રમે પહોંચ્યું છે, જ્યારે સંયુક્ત આરબ અમીરાત (UAE) એ કેનેડાને પાછળ છોડીને 19મું સ્થાન મેળવ્યું છે. જોકે ટીમ ઈન્ડિયા નંબર-1 છે, પરંતુ ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા જે રીતે નજીક આવી રહ્યા છે, તે જોતા ભારત માટે હવે પછીની દરેક વન-ડે સિરીઝ નંબર-1 નું તાજ બચાવવા માટે મહત્વની બની રહેશે.

આ પણ વાંચોઃ સોનું ન ખરીદતા… PM મોદીની આ અપીલ બાદ, ચાંદી ખરીદવા લાગ્યા લોકો

આ પણ વાંચોઃ BRICS Summit 2026: ભારત આવશે ઈરાનના વિદેશ પ્રધાન અરાઘચી, દિલ્હીમાં યોજાનાર બ્રિક્સ બેઠકમાં સામેલ

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button