ભારત-જાપાન સંબંધોમાં નવા અધ્યાયની શરૂઆત! AIથી લઈને એનર્જી અને સંરક્ષણ ક્ષેત્રે મહત્ત્વના કરારો

India-Japan Summit 2026: ભારત અને જાપાન વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત બની છે. જાપાનના વડાપ્રધાન સનાએ તાકાઇચીની ભારત મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), એનર્જી, ટેક્નોલોજી, સપ્લાય ચેઇન, સંરક્ષણ અને રોકાણ સહિતના અનેક મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે મહત્ત્વના કરારો થયા છે.
નવી દિલ્હીમાં યોજાયેલા 16મા ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ મુલાકાત બંને દેશોની વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીમાં નવા અધ્યાયની શરૂઆત છે.
PM મોદીએ સનાએ તાકાઇચીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું
રાષ્ટ્રપતિ ભવનમાં સત્તાવાર સ્વાગત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનના વડાપ્રધાન સનાએ તાકાઇચીનું ઉષ્માભેર સ્વાગત કર્યું. તેમણે તાકાઇચીને જાપાનની પ્રથમ મહિલા વડાપ્રધાન ગણાવતા તેમના નેતૃત્વની પ્રશંસા કરી અને સંબોધનમાં તેમને મારી નાની બહેન કહીને સંબોધ્યા.
AI અને ટેક્નોલોજી ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ કરારો
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે ભારત અને જાપાન વચ્ચે ટેક્નોલોજી ભાગીદારી હવે બંને દેશોના સંબંધોનું સૌથી મજબૂત સ્તંભ બનશે. આ દિશામાં બંને દેશોએ AI ક્ષેત્રે સંયુક્ત નિવેદન જાહેર કર્યું છે. ભારતીય AI ઇકોસિસ્ટમ સાથે જોડાયેલી અનેક અગ્રણી સંસ્થાઓએ જાપાનની ભાગીદાર કંપનીઓ સાથે નવા સહયોગ કરારો પર હસ્તાક્ષર કર્યા છે.
આર્થિક અને વ્યૂહાત્મક સહયોગને મળશે નવી ગતિ
શિખર સંમેલનમાં નીચેના મુદ્દાઓ પર વિશેષ ચર્ચા થઈ હોવાનું જાણવા મળ્યું છે:
- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)
- એનર્જી અને ગ્રીન ટેક્નોલોજી
- મજબૂત અને વિશ્વસનીય સપ્લાય ચેઇન
- સેમિકન્ડક્ટર અને અદ્યતન ટેક્નોલોજી
- સંરક્ષણ સહયોગ
- સમુદ્રી સુરક્ષા
- રોકાણ અને વેપાર
- ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં વ્યૂહાત્મક સહયોગ
ભારત-જાપાનની ભાગીદારી પર PM મોદીનું નિવેદન
વડાપ્રધાન મોદીએ કહ્યું કે વૈશ્વિક અનિશ્ચિતતાના સમયમાં પરસ્પર વિશ્વાસ સૌથી મોટી વ્યૂહાત્મક સંપત્તિ છે અને ભારત-જાપાનની ભાગીદારી આ વિશ્વાસ પર આધારિત છે. ઓટોમોબાઇલથી લઈને ઇલેક્ટ્રોનિક્સ સુધીના ક્ષેત્રોમાં જાપાન લાંબા સમયથી ભારતના વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભાગીદાર રહ્યું છે.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi and Prime Minister of Japan, Sanae Takaichi hold bilateral talks at Hyderabad House.
(Source: DD News) pic.twitter.com/C4gY1pqLxG
— ANI (@ANI) July 2, 2026
કેમ મહત્ત્વપૂર્ણ છે આ મુલાકાત?
વૈશ્વિક સ્તરે બદલાતા ભૂરાજકીય અને આર્થિક પરિસ્થિતિમાં ભારત અને જાપાન વચ્ચેનો સહયોગ ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સ્થિરતા, આર્થિક વિકાસ અને સુરક્ષા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. નિષ્ણાતોના મતે આ શિખર સંમેલન બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જઈ શકે છે.












