સવારે 6 વાગ્યે PM મોદીને ફોન કરવા માંગતા હતા ટ્રમ્પ! US રાજદૂતે જણાવ્યો રસપ્રદ કિસ્સો

US-India Relation: ભારત અને અમેરિકા વચ્ચે પ્રસ્તાવિત વેપાર કરાર (Trade Deal) હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. આ દરમિયાન ભારતમાં અમેરિકાના રાજદૂત સર્ઝિયો ગોરે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની મિત્રતાનો એક રસપ્રદ કિસ્સો શેર કર્યો છે, જે હવે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
સવારે 6 વાગ્યે જ PM મોદીને ફોન કરવા માંગતા હતા ટ્રમ્પ
સર્ઝિયો ગોરના જણાવ્યા અનુસાર એક વખત ડોનાલ્ડ ટ્રમ્પે સવારે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફોન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ત્યારે રાજદૂતે તેમને યાદ અપાવ્યું કે ભારતમાં તો સવારે લગભગ 6 વાગ્યા હશે. આ સાંભળીને ટ્રમ્પ હસતાં બોલ્યા, તેઓ જાગતા જ હશે. તેઓ મારી જેમ જ છે, વહેલા ઉઠે છે. જોકે આ ફોન કોલ બીજા દિવસે કરવામાં આવ્યો હતો, પરંતુ આ ઘટના બંને નેતાઓ વચ્ચેના નજીકના અને મિત્રતાભર્યા સંબંધોને દર્શાવે છે.
સારા મિત્રોને સમય નક્કી કરવાની જરૂર પડતી નથી
સર્ઝિયો ગોરે જણાવ્યું કે જ્યારે બે નેતાઓ વચ્ચે વિશ્વાસ અને મિત્રતા હોય ત્યારે દરેક વાત માટે અગાઉથી સમય નક્કી કરવાની જરૂર પડતી નથી. ટ્રમ્પ અને મોદી વચ્ચેનો આ જ સંબંધ બંને દેશોના સહયોગને પણ વધુ મજબૂત બનાવે છે.
ભારત ટ્રમ્પના દિલમાં ખાસ સ્થાન ધરાવે છે
અમેરિકાના રાજદૂતના જણાવ્યા અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પ આજે પણ તેમના ભારત પ્રવાસને યાદ કરે છે. તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન યોજાયેલા ‘Howdy Modi’ અને ‘Namaste Trump’ જેવા ભવ્ય કાર્યક્રમોએ ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને નવી ઊંચાઈ આપી હતી. ગોરે કહ્યું કે ટ્રમ્પ તેમના બીજા કાર્યકાળ દરમિયાન પણ ભારત આવવાની ઇચ્છા ધરાવે છે.
વેપાર કરાર અંતિમ તબક્કામાં
ભારત અને અમેરિકા વચ્ચેનો વેપાર કરાર હવે અંતિમ તબક્કામાં છે. બંને દેશો વેપાર, રોકાણ, સંરક્ષણ, ટેક્નોલોજી અને વ્યૂહાત્મક ભાગીદારી જેવા ક્ષેત્રોમાં સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે.
અમેરિકી રાજદૂતના જણાવ્યા મુજબ આગામી બે વર્ષ ભારત-અમેરિકા સંબંધો માટે અત્યંત મહત્ત્વપૂર્ણ રહેશે અને આ સમયગાળા દરમિયાન લેવાયેલા નિર્ણયો આગામી દાયકાઓ સુધી બંને દેશોની ભાગીદારીને નવી દિશા આપશે.











