ટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

ભારત-શ્રીલંકા ટેસ્ટ સિરીઝનો ગૉલમાં પ્રારંભ, ટોસ જીતી ટીમ ઇન્ડિયાની પ્રથમ બેટિંગ

IND vs SL 1st Test: ભારત અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ શનિવાર, 15 ઓગસ્ટથી ગૉલ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે શરૂ થઈ છે. ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ગૉલની સ્પિનને મદદરૂપ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત ત્રણ સ્પિનરો સાથે મેદાનમાં ઉતર્યું છે.

આ મુકાબલો ભારતીય ટીમ માટે ખાસ છે, કારણ કે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી વચ્ચે ટીમ ઇન્ડિયા પોતાનો 600મી ટેસ્ટ મેચ રમી રહી છે.

ત્રણ સ્પિનરો સાથે મેદાનમાં ભારત

ગૉલની પિચ સામાન્ય રીતે સ્પિન બોલરોને મદદરૂપ રહેતી હોવાથી ભારતીય ટીમ મેનેજમેન્ટે પ્લેઇંગ-11માં ત્રણ સ્પિનરોને સ્થાન આપ્યું છે.

રવીન્દ્ર જાડેજા, માનવ સુથાર અને કુલદીપ યાદવ સ્પિન બોલિંગની જવાબદારી સંભાળશે. ખાસ વાત એ છે કે ત્રણેય ખેલાડીઓ ડાબા હાથથી બોલિંગ કરે છે.

ફાસ્ટ બોલિંગ વિભાગમાં મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાને તક આપવામાં આવી છે.

પાંચ નિષ્ણાત બેટર્સ સાથે ટીમ ઇન્ડિયા

ભારતે આ મુકાબલા માટે પાંચ નિષ્ણાત બેટર્સ સાથે ઉતરવાનો નિર્ણય લીધો છે. યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલ ઓપનિંગની જવાબદારી સંભાળશે, જ્યારે દેવદત્ત પડિક્કલ, કેપ્ટન શુભમન ગિલ અને ધ્રુવ જુરેલ મધ્યક્રમમાં રહેશે.

ઋષભ પંત ટીમના વિકેટકીપરની ભૂમિકા નિભાવશે. જ્યારે સરફરાઝ ખાન, આકિબ નબી, ગુરનૂર બરાર અને સારાંશ જૈનને પ્લેઇંગ-11માં સ્થાન મળ્યું નથી.

શ્રીલંકાના કેશરા નુવાંથાનું ડેબ્યૂ

શ્રીલંકા તરફથી 25 વર્ષીય કેશરા નુવાંથાએ આ મુકાબલા સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું છે. તે શ્રીલંકા માટે ટેસ્ટ ક્રિકેટ રમનાર 172મો ખેલાડી બન્યો છે.

નુવાંથાએ ભારત સામે રમાયેલી તાજેતરની વોર્મ-અપ મેચમાં કેએલ રાહુલ, શુભમન ગિલ અને ઋષભ પંત જેવા મહત્વના બેટર્સને આઉટ કરીને ધ્યાન ખેંચ્યું હતું.

ટોસ બાદ શું બોલ્યો શુભમન ગિલ?

ટોસ જીતીને શુભમન ગિલે કહ્યું કે પિચ બેટિંગ માટે સારી લાગી રહી છે અને હવામાન પણ અનુકૂળ હોવાથી ટીમે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.

તેમણે કહ્યું કે ભારત પાંચ બોલરો સાથે રમશે, જેમાં બે ઝડપી બોલરો અને ત્રણ સ્પિનરોનો સમાવેશ થાય છે.

ગિલે પોતાના માટે આ મેચને ખાસ ગણાવતા કહ્યું કે દેશનું નેતૃત્વ કરવું ગૌરવની વાત છે અને સ્વાતંત્ર્ય દિવસના અવસરે 600મો ટેસ્ટ રમવો આ મુકાબલાને વધુ યાદગાર બનાવે છે.

ભારતની પ્લેઇંગ-11

યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિક્કલ, શુભમન ગિલ (કેપ્ટન), ધ્રુવ જુરેલ, ઋષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, માનવ સુથાર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા.

શ્રીલંકાની પ્લેઇંગ-11

નિશાન મદુષ્કા, લાહિરુ ઉદારા, દિનેશ ચાંદીમલ, કામિન્દુ મેન્ડિસ, ધનંજય ડી સિલ્વા (કેપ્ટન), નિરોશન ડિકવેલા (વિકેટકીપર), સોનલ દિનુષા, કેશરા નુવાંથા, પ્રભાત જયસૂર્યા, લાહિરુ કુમારા, અસિથા ફર્નાન્ડો.

ગૉલની સ્પિન ફ્રેન્ડલી પિચ અને ભારતની ત્રણ સ્પિનરોવાળી બોલિંગ રચનાને કારણે પ્રથમ ટેસ્ટ રસપ્રદ બનવાની શક્યતા છે. ખાસ કરીને ટીમ ઇન્ડિયા માટે 600મો ટેસ્ટ અને સ્વાતંત્ર્ય દિવસ બંને આ મુકાબલાને ઐતિહાસિક બનાવે છે.

આ પણ વાંચો: ઓલિમ્પિક 2036 માટે પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી કરી મોટી જાહેરાત

Back to top button