IMFની સખત ટિપ્પણીથી હલચલઃ ભારતીય જીડીપી આંકડામાં ખામીઓ, 7 ટકા વૃદ્ધિ દર રહેવાનું અનુમાન

નવી દિલ્હી, 28 નવેમ્બર, 2025: ભારતીય અર્થવ્યવસ્થાને લઇને આંતરરાષ્ટ્રીય સ્તરે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી સામે આવી છે. આંતરરાષ્ટ્રી નાણાં ભંડોળ (IMF)એ રાષ્ટ્રીય આંકડાઓમાં ગંભીર ખામીઓ બતાવતા તેને C ગ્રેડમાં રાખ્યુ છે, જે આંકડાઓની ગુણવત્તાની દ્રષ્ટિએ સૌથી નીચલુ સ્તર માનવામાં આવે છે. આ મુલ્યાંકન એવા સમયે આવ્યુ છે જ્યારે સરકાર આજે નાણાંકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળાના જીડીપી આંકડાઓ જારી કરવા જઇ રહી છે. અર્થવ્યવસ્થાનો વૃદ્ધિ દર 7 ટકાના દરે રહેવાની શક્યતા સેવાય છે.
IMFના વાર્ષિક મૂલ્યાંકન મુજબ, ભારતના રાષ્ટ્રીય ખાતાના ડેટામાં GDP અને GVA જેવા મુખ્ય સૂચકાંકો સહિતના અગ્રણે સંકેતો શામેલ છે. તેમાં પદ્ધતિસરની ખામીઓની અસર છે. સંસ્થા નોંધે છે કે ડેટા પૂરતી આવૃત્તિ અને સમય પર ઉપલબ્ધ છે, પરંતુ પદ્ધતિસરની નબળાઈઓ આર્થિક દેખરેખની ગુણવત્તાને અસર કરે છે. તેના આધારે, રાષ્ટ્રીય એકાઉન્ટિંગ સિસ્ટમને C ગ્રેડ આપવામાં આવ્યો છે.
આધાર વર્ષ અને પદ્ધતિ પર પ્રશ્નો
IMFએ 2011-12 ના જૂના આધાર વર્ષ પર પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો, જેના પર વર્તમાન આર્થિક ગણતરીઓ આધારિત છે. અહેવાલમાં જથ્થાબંધ ભાવ સૂચકાંકનો ઉપયોગ અને GDP માપવા માટે ઉત્પાદન- અને ખર્ચ-આધારિત અભિગમો વચ્ચેની સમયાંતરે વિસંગતતાઓને મુખ્ય સમસ્યાઓ તરીકે ટાંકવામાં આવી હતી. સંસ્થાએ ખર્ચ-આધારિત ડેટા અને અનૌપચારિક ક્ષેત્રના કવરેજને વિસ્તૃત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
ભારતનું આવક-આધારિત મોડેલ
ભારત સરકારે લાંબા સમયથી આવક-આધારિત અભિગમનો ઉપયોગ કરીને GDPનો અંદાજ લગાવ્યો છે. આ મોડેલ સરકાર, ઉદ્યોગો અને વ્યક્તિઓની આવકમાંથી GDP મેળવે છે. સરકાર ખર્ચ-આધારિત મોડેલ અંદાજ પણ રજૂ કરે છે, પરંતુ બંને ઘણીવાર અલગ પડે છે. અર્થશાસ્ત્રીઓ માને છે કે આ વિસંગતતા વિવિધ સ્ત્રોતો અને કવરેજમાં તફાવતોને કારણે ઊભી થાય છે.
CPI અને અન્ય ડેટામાં સુધારાની જરૂર
IMF એ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ખાતાઓની ત્રિમાસિક સિસ્ટમમાં મોસમી રીતે સમાયોજિત ડેટાનો અભાવ છે, જેને સુધારવાની જરૂર છે. ગ્રાહક ભાવ સૂચકાંક (CPI)ને B ગ્રેડ આપવામાં આવ્યો હતો. સંસ્થાના અનુસાર, આ સૂચકાંક દેખરેખ માટે ઉપયોગી છે કારણ કે તે મહિનામાં એક વાર બહાર પાડવામાં આવે છે, પરંતુ તેનું આધાર વર્ષ જૂનું છે, જેના કારણે તે વર્તમાન વપરાશ પેટર્નને સચોટ રીતે પ્રતિબિંબિત કરે તેવી શક્યતા ઓછી છે.
એકંદરે, IMF એ ભારતને તમામ ડેટા શ્રેણીઓમાં B ગ્રેડ આપ્યો છે. સંસ્થાએ જણાવ્યું હતું કે ભારતનો ડેટા મોટે ભાગે પૂરતો છે, પરંતુ તેમાં ટેકનિકલ અને પદ્ધતિસરના સુધારાની જરૂર છે. આજે જાહેર કરાયેલા ત્રિમાસિક GDP ડેટા આ ચર્ચાઓ વચ્ચે ભવિષ્યના આર્થિક વલણોની દિશા નક્કી કરશે.
આ પણ વાંચોઃ ડેટા સેન્ટરમાં એરટેલ, રિલાયન્સ, અદાણી, ટાટા દ્વારા 50 અબજ ડોલરનું કરશે રોકાણ, 9 ગીગાવોટ સુધી પહોચશે ક્ષમતા












