બિઝનેસ

વૈશ્વિક AI બજારમાં સુધારાથી ભારત પર થશે નકારાત્મક અસર: IMF ના ડેપ્યુટી ડિરેક્ટરની ચેતવણી

IMF Warns India: આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) ના નાણાકીય અને મૂડી બજાર વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર એથેનાસિયોસ વામવાકિડિસે ભારતીય અર્થતંત્ર અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે ચેતવણી આપી છે કે જો વૈશ્વિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) બજારોમાં કોઈ સુધારો કે કરેક્શન આવે છે, તો તેની પરોક્ષ પરંતુ ગંભીર અસર ભારત પર પડી શકે છે. વામવાકિડિસે જણાવ્યું કે ઉભરતા બજારોમાંથી વિદેશી મૂડીના પ્રવાહમાં ઘટાડો થવા સાથે ભારતના આઈટી ટેકનોલોજી સેવાઓ, સોફ્ટવેર ક્ષેત્ર અને બેક-ઓફિસ કામગીરીના ભવિષ્ય અંગે વૈશ્વિક સ્તરે ચિંતા ઊભી થઈ રહી છે.

ઉભરતા બજારોમાંથી ફંડ પાછું ખેંચાવાનો ભય

એથેનાસિયોસ વામવાકિડિસે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે જોકે ભારત અન્ય વિકસિત દેશોની જેમ સીધી રીતે AI ઇકોસિસ્ટમનો ભાગ બન્યું નથી, પરંતુ વૈશ્વિક સ્તરે જ્યારે રોકાણકારો જોખમી સંપત્તિઓમાંથી પોતાના નાણાં પાછા ખેંચવાનો પ્રયાસ કરે છે, ત્યારે ભારત સહિતના તમામ ઉભરતા બજારોમાં રોકાણ પર વિપરીત અસર પડે છે. જ્યારે વૈશ્વિક માર્કેટમાં જોખમ ઘટાડવા રોકાણકારો વેચવાલી શરૂ કરે છે, ત્યારે ભારતીય મૂડી બજારમાં પણ મોટો ઘટાડો નોંધાઈ શકે છે. IMF એ પોતાના અહેવાલમાં વધતા સોવરિન બોન્ડ યીલ્ડ, AI-સંચાલિત ઇક્વિટી બજારોમાં ગિરવાટ અને સાયબર સુરક્ષા જોખમોને વૈશ્વિક નાણાકીય સ્થિરતા માટે મુખ્ય પડકાર ગણાવ્યા છે.

બોન્ડ યીલ્ડ વધવાથી ઇક્વિટી માર્કેટમાં તૂટવાની શક્યતા

વૈશ્વિક સ્તરે ચર્ચાતા AI બબલ અંગે વાત કરતા તેમણે કહ્યું કે હાલમાં ટેક કંપનીઓની મજબૂત કમાણીને કારણે મૂલ્યાંકન વધુ પડતું નથી અને હાલ કોઈ AI બબલ દેખાતું નથી. જોકે, ભવિષ્યમાં કોર્પોરેટ કમાણીમાં સહેજ પણ નબળાઈ આવશે તો મૂલ્યાંકન પર ભારે દબાણ સર્જાશે અને અચાનક મોટું વેચાણ શરૂ થઈ શકે છે. આ સાથે જ સરકારી બોન્ડ યીલ્ડમાં સતત થઈ રહેલો વધારો તાત્કાલિક ચિંતાનો વિષય છે. જો બોન્ડ યીલ્ડ વધુ વધશે, તો AI સ્ટોક્સ સહિત સમગ્ર શેરબજારમાં કડાકો બોલી શકે છે, જેની અસર બોન્ડ, ક્રેડિટ બજારો અને વાસ્તવિક અર્થતંત્ર પર પણ જોવા મળશે.

ભારતના IT અને બેક-ઓફિસ ક્ષેત્ર સામે AI નો મોટો પડકાર

ભારત માટે બીજું સૌથી મોટું જોખમ તેના પરંપરાગત આઈટી ક્ષેત્ર, સોફ્ટવેર ડેવલપમેન્ટ અને બેક-ઓફિસ આઉટસોર્સિંગ કામગીરી પર AI ની અસરનું છે, જેમાં દેશે વૈશ્વિક સ્તરે મોટું વર્ચસ્વ સ્થાપિત કર્યું છે. આઈટી અને લોજિસ્ટિક્સ સેવાઓના બેક-એન્ડ પર AI ના કારણે નકારાત્મક અસર પડી શકે તેવી રોકાણકારોમાં ચિંતા છે. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું કે આ બાબતે અત્યારથી કોઈ અંતિમ નિષ્કર્ષ કાઢવો યોગ્ય નથી, કારણ કે AI ના વિક્ષેપ અંગે બજારની પ્રતિક્રિયાઓ ક્યારેક અતિશય હોય છે અને હજુ સુધી વાસ્તવિક અર્થતંત્રના ડેટામાં આવી કોઈ મોટી નકારાત્મક અસર સામે આવી નથી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

બેંકિંગ અને ટેક શેરો તૂટ્યા

IMF ના આ નિવેદનો અને વૈશ્વિક સંકેતોની વચ્ચે ભારતીય શેરબજારમાં મોટો ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને બેંકિંગ, AI અને ટેકનોલોજી શેરોમાં રોકાણકારો દ્વારા સતત વેચવાલી ચાલુ રહી હતી. જોકે, આ ઘટાડા માટે માત્ર IMF ની ચેતવણી જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો, કંપનીઓના ત્રિમાસિક નાણાકીય પરિણામો અને હેવીવેઇટ શેરોમાં પ્રોફિટ બુકિંગ જેવા અન્ય પરિબળો પણ જવાબદાર છે.

આ પણ વાંચો: દશેરા પહેલાં શેરબજારમાં મોટો કડાકો! સેન્સેક્સ 1,000 પોઈન્ટથી વધુ તૂટ્યો, રોકાણકારોના લાખો કરોડ સ્વાહા

Back to top button