ગુજરાત સહિત 22થી વધુ રાજ્યોમાં મેઘતાંડવની આગાહી: 15 સપ્ટેમ્બરે ભારે વરસાદનું એલર્ટ
Imd Rain Alert : દેશના અનેક વિસ્તારોમાં ચોમાસું ફરી સક્રિય થતાં હવામાનમાં મોટો પલટો આવ્યો છે. હવામાન વિભાગ (IMD) દ્વારા 15 સપ્ટેમ્બર, 2026ના રોજ દેશના 22થી વધુ રાજ્યોમાં ભારે વરસાદ, ગાજવીજ, વીજળી પડવા અને તેજ પવનની ચેતવણી આપવામાં આવી છે. ખાસ કરીને ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને પશ્ચિમ ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે.
દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતની આસપાસ સક્રિય લો-પ્રેશર સિસ્ટમના કારણે ગુજરાત સહિત પશ્ચિમ ભારતમાં વરસાદી માહોલ વધુ સક્રિય બન્યો છે. બીજી તરફ, બંગાળની ખાડીમાં બનેલી હવામાન સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઉત્તર ભારતથી લઈને પૂર્વોત્તર ભારત સુધી વરસાદનું જોર યથાવત રહેવાની આગાહી છે.
ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની શક્યતા
ગુજરાતમાં લો-પ્રેશર સિસ્ટમની અસરને કારણે આગામી દિવસોમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ માટે ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની તેમજ કેટલાક સ્થળોએ પૂર જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા છે.
વરસાદ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળી પડવાની શક્યતા હોવાથી લોકોને ખુલ્લા વિસ્તારોમાં જવાનું ટાળવા અને જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.
દિલ્હી-NCR સહિત હરિયાણા અને પંજાબમાં વરસાદ
દિલ્હી-NCR, હરિયાણા અને પંજાબમાં પણ વરસાદનું જોર વધવાની શક્યતા છે. 15થી 17 સપ્ટેમ્બર દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
આ દરમિયાન 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનના ઝાપટા આવવાની શક્યતા છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર વિઝિબિલિટી ઘટી શકે છે અને ટ્રાફિક વ્યવસ્થા પર અસર પડી શકે છે. 16 અને 17 સપ્ટેમ્બરે વરસાદ વધુ વ્યાપક રહેવાની આગાહી છે.
ઉત્તર પ્રદેશ અને બિહારમાં વીજળી પડવાની ચેતવણી
ઉત્તર પ્રદેશમાં 14 અને 15 સપ્ટેમ્બરે ગાજવીજ સાથે વરસાદ અને વીજળી પડવાની શક્યતા છે. પશ્ચિમ અને પૂર્વી ઉત્તર પ્રદેશના લોકોને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.
બિહારમાં 16 અને 17 સપ્ટેમ્બરે વ્યાપક વરસાદ સાથે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. 15 સપ્ટેમ્બરે 30થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ગાજવીજ અને વરસાદની શક્યતા છે.
રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ વરસાદી માહોલ
પૂર્વી રાજસ્થાનમાં છેલ્લા 24 કલાક દરમિયાન ભારે વરસાદ નોંધાયા બાદ 14 અને 15 સપ્ટેમ્બરે પણ વરસાદનું જોર યથાવત રહેવાની શક્યતા છે. પૂર્વી રાજસ્થાનમાં 17 સપ્ટેમ્બર સુધી અને પશ્ચિમ રાજસ્થાનમાં 16 સપ્ટેમ્બર સુધી ગાજવીજ અને વીજળી સાથે વરસાદની સંભાવના છે.
મધ્યપ્રદેશના પશ્ચિમ વિસ્તારમાં ભારે વરસાદ બાદ 15 સપ્ટેમ્બરથી વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો થઈ શકે છે. જોકે, છત્તીસગઢ, પૂર્વી મધ્યપ્રદેશ અને વિદર્ભમાં 18 સપ્ટેમ્બર સુધી ગાજવીજ સાથે વરસાદી માહોલ રહેવાની શક્યતા છે.
પહાડી રાજ્યોમાં ભૂસ્ખલનનું જોખમ
જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદમાં 15થી 17 સપ્ટેમ્બર દરમિયાન વ્યાપક વરસાદની શક્યતા છે. આ વિસ્તારોમાં 40થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
ઉત્તરાખંડમાં 15 અને 16 સપ્ટેમ્બરે ભારે ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. ભારે વરસાદને કારણે પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન અને પથ્થરો ધસી પડવાનું જોખમ વધી શકે છે. તેથી પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.
પૂર્વોત્તર ભારત અને દક્ષિણમાં પણ ચોમાસું સક્રિય
અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં 15થી 18 સપ્ટેમ્બર દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ ગાજવીજ અને તોફાની પવનની ચેતવણી આપવામાં આવી છે.
દક્ષિણ ભારતમાં કેરળ, માહે, લક્ષદ્વીપ અને તેલંગાણામાં ચોમાસું સક્રિય રહેશે. તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં 14થી 20 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ આંતરિક કર્ણાટકમાં 15 સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
19 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાયના સંકેત
એક તરફ દેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે, તો બીજી તરફ ચોમાસાની વિદાયના પણ સંકેતો મળવા લાગ્યા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 19 સપ્ટેમ્બર, 2026ની આસપાસ પશ્ચિમ રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાંથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વિદાય માટે સ્થિતિ અનુકૂળ બની શકે છે. ત્યારબાદ ચોમાસું ધીમે ધીમે ઉત્તર-પશ્ચિમ ભારતના અન્ય વિસ્તારોમાંથી પણ પરત ફરવાની શરૂઆત કરી શકે છે.
ગુજરાતના માછીમારોને દરિયામાં ન જવાની સલાહ
ગુજરાતના દરિયાકાંઠા અને ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને 16 સપ્ટેમ્બર સુધી દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.
બંગાળની ખાડી અને આંદામાન સમુદ્રમાં પણ 15થી 19 સપ્ટેમ્બર દરમિયાન ઊંચા મોજાં અને 60 કિમી પ્રતિ કલાક સુધીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં તંત્રને સતર્ક રહેવા અને જરૂરિયાત ઊભી થાય તો બચાવ કામગીરી માટે તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો: “મારી નિશિને ન્યાય આપો…”, શીલજ અકસ્માતમાં પત્નીને ગુમાવનાર હાર્દિકનો વીડિયો વાયરલ, પોલીસ સામે ઉઠ્યા સવાલો












