ટોપ ન્યૂઝનેશનલ

ICC ચીફ જય શાહ 2026 માં સૌથી શક્તિશાળી ભારતીયોની IE 100 યાદીમાં 22મા સ્થાને પહોંચ્યા

New Delhi News: ભારતના સૌથી પ્રભાવશાળી વ્યક્તિત્વોની વાર્ષિક યાદી ‘IE 100’ રવિવારે જાહેર કરવામાં આવી છે. વર્ષ ૨૦૨૬ની આ યાદીમાં રમતગમત જગત માટે ગૌરવ લેવા જેવા સમાચાર સામે આવ્યા છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ના ચેરમેન જય શાહ આ યાદીમાં ૨૨મા ક્રમે પહોંચીને દેશના સૌથી શક્તિશાળી સ્પોર્ટ્સ એડમિનિસ્ટ્રેટર તરીકે ઉભરી આવ્યા છે. ગત વર્ષે ૨૪મા ક્રમે રહેલા જય શાહે આ વર્ષે બે સ્થાનની છલાંગ લગાવીને પોતાની વગમાં વધારો કર્યો છે.

પ્રશાસકો અને ખેલાડીઓનું વર્ચસ્વ

આ પાવર લિસ્ટમાં માત્ર મેદાન પર રમતા ખેલાડીઓ જ નહીં, પરંતુ રમતનું સંચાલન કરતા વહીવટકર્તાઓનો પણ દબદબો જોવા મળ્યો છે. યાદીમાં રમતગમત ક્ષેત્રના મુખ્ય નામો આ મુજબ છે:

  • જય શાહ (ક્રમ ૨૨): ICC ના સૌથી યુવા ચેરમેન અને રમતગમત પ્રશાસકોમાં પ્રથમ.

  • નીતા અંબાણી (ક્રમ ૨૬): ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) ના સભ્ય તરીકે તેમણે પોતાનું ૨૬મું સ્થાન જાળવી રાખ્યું છે.

  • ગૌતમ ગંભીર (ક્રમ ૭૪): ભારતીય ટીમના હેડ કોચ તરીકે ગંભીર આ યાદીમાં ૭૪મા સ્થાને છે.

  • વિરાટ કોહલી (ક્રમ ૭૫): પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન ૭૫મા ક્રમે છે.

  • જસપ્રીત બુમરાહ (ક્રમ ૮૨): ભારતના સ્ટાર ફાસ્ટ બોલર ૮૨મા સ્થાને બિરાજમાન છે.

જય શાહની વૈશ્વિક સિદ્ધિઓ અને સફર

જય શાહની ક્રિકેટ વહીવટમાં સફર અંદાજે ૧૫ વર્ષ પહેલા ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA) થી શરૂ થઈ હતી. ત્યારબાદ ઓક્ટોબર ૨૦૧૯ થી નવેમ્બર ૨૦૨૪ સુધી તેમણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના સેક્રેટરી તરીકે પાયાની કામગીરી કરી હતી. ૧ ડિસેમ્બર, ૨૦૨૪ ના રોજ તેમણે ICC ના ચેરમેન તરીકેનો પદભાર સંભાળ્યો હતો.

તેમના કાર્યકાળની સૌથી મોટી સફળતા એ રહી છે કે તેમના નેતૃત્વમાં ક્રિકેટને ૨૦૨૮ની લોસ એન્જલસ (LA) ઓલિમ્પિક ગેમ્સમાં સત્તાવાર સ્થાન અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ સિદ્ધિને કારણે વૈશ્વિક રમતગમત જગતમાં ભારતનું કદ અનેકગણું વધી ગયું છે.

ક્રિકેટ બોર્ડથી વિશ્વ મંચ સુધી

યાદીમાં નોંધવામાં આવ્યું છે કે જય શાહ માત્ર ભારત જ નહીં, પરંતુ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) માં પણ પ્રભાવી રહ્યા છે. તેમની વહીવટી કુશળતાને કારણે આજે વિશ્વ ક્રિકેટનું આર્થિક અને રાજકીય કેન્દ્રબિંદુ ભારત બની ગયું છે. ખાસ કરીને ગૌતમ ગંભીર જેવા આક્રમક વ્યક્તિત્વને હેડ કોચ તરીકે નિયુક્ત કરવા અને ભારતીય ટીમને શિસ્તબદ્ધ બનાવવામાં પણ તેમની નીતિઓ સ્પષ્ટ દેખાય છે.

આ યાદી સાબિત કરે છે કે વર્ષ ૨૦૨૬માં ભારતીય રમતગમત જગત માત્ર મેદાન પરના પર્ફોર્મન્સથી જ નહીં, પરંતુ વૈશ્વિક વહીવટી સત્તામાં પણ પોતાની મજબૂત હાજરી નોંધાવી રહ્યું છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

આ પણ વાંચો: Surat: ડિંડોલી-કતારગામમાં ભાજપ વિરોધી પોસ્ટરોથી ખળભળાટ, ‘કમળ’ પર લાલ ચોકડી

Back to top button