એજ્યુકેશનટ્રેન્ડિંગ

‘નેશનલ ક્રશ’ ઋષભ સિંહ સંબ્યાલે જ જણાવ્યું કે કેવી રીતે બને છે રાષ્ટ્રપતિના ADC!

Major Rishabh Singh Sambyal : રાષ્ટ્રપતિના ADC (એડ-ડી-કેમ્પ) પદ માટે કોઈ સીધી ભરતી હોતી નથી, જેમાં સામાન્ય યુવાનો સીધા ભાગ લઈ શકે. સોશિયલ મીડિયા પર ‘નેશનલ ક્રશ’ તરીકે જાણીતા બનેલા મેજર ઋષભ સિંહ સંબ્યાલે જ્યારે આ પદ પરથી રાજીનામું આપ્યું છે, ત્યારથી યુવાનોમાં એ જાણવાની ઉત્સુકતા વધી છે કે આ પદ પર કરિયર કેવી રીતે બનાવી શકાય.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

માત્ર 30 વર્ષની ઉંમરે સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા મેળવનારા મેજર ઋષભ સિંહ સંબ્યાલે રાષ્ટ્રપતિના ADC પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ પદનું પૂરું નામ એડ-ડી-કેમ્પ (Aide-de-Camp) છે, જે અત્યંત જવાબદારીપૂર્વકનું પદ ગણાય છે. સોશિયલ મીડિયા પર તેમની અનેક તસવીરો વાયરલ થઈ હતી. તો ચાલો જાણીએ કે આ પદ પર પહોંચવાની પ્રક્રિયા શું છે.

કેવી રીતે થાય છે પસંદગી?

રાજ શમાનીના પોડકાસ્ટ પર મેજર ઋષભ સિંહ સંબ્યાલે જણાવ્યું કે રાષ્ટ્રપતિના ADC માટે સેનાના યોગ્ય કમિશન્ડ અધિકારીઓમાંથી પસંદગી કરવામાં આવે છે. આર્મી, નેવી અને એરફોર્સમાં ઓફિસર બનવા માટે UPSC NDA અને CDS પરીક્ષાઓ મુખ્ય માર્ગ છે. NDA ની પરીક્ષા 12મા ધોરણ પછી અને CDS ની પરીક્ષા ગ્રેજ્યુએશન પછી આપી શકાય છે. સંબ્યાલ પોતે NDA દ્વારા સેનામાં જોડાણા હતા.

કઠિન હોય છે પસંદગી પ્રક્રિયા

ઋષભ સિંહ સંબ્યાલે આગળ જણાવ્યું કે ADC ની પસંદગી પ્રક્રિયા અત્યંત કઠિન અને લાંબી હોય છે. સૌથી પહેલાં શોર્ટલિસ્ટીંગનું કામ કરવામાં આવે છે. ત્રણેય સેનાઓમાંથી માત્ર એવા અધિકારીઓને સામેલ કરવામાં આવે છે જેમણે સેનામાં 5 થી 7 વર્ષનો સમય વિતાવ્યો હોય. આ સિવાય સર્વિસ બ્રેકેટ અને ઉંમરની મર્યાદા ધ્યાન પર રાખીને મેરિટ લિસ્ટ તૈયાર કરાય છે.

સર્વિસ હેડક્વાર્ટર ઈન્ટરવ્યુ

પસંદગી પામેલા અધિકારીઓનો ઈન્ટરવ્યુ તેમના સંબંધિત સર્વિસ હેડક્વાર્ટર દ્વારા લેવામાં આવે છે. આ તબક્કામાં એ જોવામાં આવે છે કે કોઈ અચાનક ઊભી થયેલી પરિસ્થિતિમાં અધિકારી કેવી પ્રતિક્રિયા આપે છે અને તેમની સિચ્યુએશનલ અવેરનેસ કેવી છે. આમાંથી ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા 5 અધિકારીઓને આગામી રાઉન્ડ માટે બોલાવવામાં આવે છે.

રાષ્ટ્રપતિ ભવનમાં 14 દિવસની પ્રક્રિયા

ત્યારબાદ પસંદ કરાયેલા અધિકારીઓને દિલ્હી સ્થિત રાષ્ટ્રપતિ ભવન બોલાવવામાં આવે છે. સંબ્યાલના જણાવ્યા મુજબ, અહીં આશરે 14 દિવસ સુધી ઈન્ટરવ્યુ અને વિવિધ સ્તરે ચકાસણી થાય છે. આ પ્રક્રિયામાં વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ અને રાષ્ટ્રપતિના સચિવ સામેલ હોય છે. આ દરમિયાન ઉમેદવારનું સામાન્ય જ્ઞાન, દબાણમાં કામ કરવાની ક્ષમતા, સ્વભાવ અને નવી બાબતો ઝડપથી શીખવાની ક્ષમતા પરખવામાં આવે છે.

કરંટ અફેર્સ અને જીઓપોલિટિક્સનું જ્ઞાન જરૂરી

રાષ્ટ્રપતિ સાથે સતત રહેતા ADC માટે દેશ-દુનિયાની ઘટનાઓથી અપડેટ રહેવું ખૂબ જરૂરી છે. સંબ્યાલે પોતાના અનુભવ અંગે વાત કરતા જણાવ્યું કે સ્પેશિયલ ફોર્સિસમાં તૈનાતી દરમિયાન દૂરના વિસ્તારોમાં રહેવાને કારણે જીઓપોલિટિક્સ અને કરંટ અફેર્સ તેમના માટે શરૂઆતમાં એક પડકાર હતા. રાષ્ટ્રપતિ ભવનની પસંદગી પ્રક્રિયા દરમિયાન તેમણે મોડી રાત સુધી અભ્યાસ કરીને આ ખામી દૂર કરી હતી.

અંતિમ પસંદગી

તમામ તબક્કાની ચકાસણી અને સિક્યુરિટી વેરિફિકેશન બાદ અંતિમ ઉમેદવારની પસંદગી કરવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયામાં અધિકારીનું સર્વિસ બેકગ્રાઉન્ડ, ચરિત્ર અને સંબંધિત પાસાઓની બારીકાઈથી તપાસ કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ ગામડાઓમાં મોબાઇલનો નવો યુગ! હવે લોકો ફક્ત વાત માટે જ નહીં, વધુ કામ માટે ઈચ્છે છે ફોન

Back to top button