ગુજરાતટ્રેન્ડિંગ

AIથી દીકરીઓનો અંગ્રેજીનો ડર દૂર કર્યો! ભરૂચના હેતલબહેન રાણાને ‘શ્રેષ્ઠ શિક્ષક’નો એવોર્ડ

Best Teacher Award: સરકારી શાળાનો એક સામાન્ય વર્ગખંડ… સામે ગ્રીન સ્ક્રીન અને તેની સામે ઊભેલી દીકરીઓ આત્મવિશ્વાસથી અંગ્રેજીમાં બોલી રહી છે. થોડીવાર પછી એ જ દીકરીઓ સ્ક્રીન પર ક્યારેક કાર્ટૂન પાત્રોની વચ્ચે તો ક્યારેક કોઈ અલગ સ્થળે પહોંચેલી દેખાય છે. આ કોઈ ફિલ્મ સ્ટુડિયો નથી, પરંતુ ભરૂચની મનુબર પ્રાથમિક કન્યા શાળાનો ક્લાસરૂમ છે.

આ અનોખા પ્રયોગ પાછળ છે ભાષા-શિક્ષિકા હેતલબહેન રાણા, જેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ગ્રીન સ્ક્રીન અને ડિજિટલ એપ્લિકેશન્સનો ઉપયોગ કરીને દીકરીઓ માટે અંગ્રેજી શીખવાની રીત જ બદલી નાખી છે. તેમની આ નવીન કામગીરીને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા હેતલબહેન રાણાની ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક-2026’ માટે પસંદગી કરવામાં આવી છે.

અંગ્રેજીનો ડર દૂર કરવા વર્ગખંડ બન્યો ‘સ્ટુડિયો’

ઘણા બાળકો માટે અંગ્રેજીમાં બોલવું એટલે સંકોચ, ભૂલ થવાનો ડર અને આત્મવિશ્વાસનો અભાવ. હેતલબહેને આ જ સમસ્યાનો ટેકનોલોજી દ્વારા ઉકેલ શોધ્યો. વર્ષ 2022-23 દરમિયાન તેમણે વર્ગખંડના એક ભાગમાં ગ્રીન સ્ક્રીન લગાવી દીધી હતી. દીકરીઓને તેની સામે ઊભી રહી અંગ્રેજીમાં સંવાદ બોલવા, વ્યક્તિ કે સ્થળ વિશે વાક્યો બનાવવા અને અભિનય કરવા પ્રોત્સાહિત કરવામાં આવી. ત્યારબાદ Plotagon અને Arloopa જેવી એપ્લિકેશન્સ તેમજ એઆઈ ટેક્નોલોજીની મદદથી ગ્રીન બેકગ્રાઉન્ડ દૂર કરીને તેની જગ્યાએ કાર્ટૂન પાત્રો અને અલગ-અલગ દૃશ્યો ઉમેરવામાં આવ્યાં. પરિણામ એ આવ્યું કે અંગ્રેજીમાં જવાબ આપવો દીકરીઓ માટે પરીક્ષા નહીં, પરંતુ રમત અને અભિનયનો ભાગ બની ગયું.

AIની મદદથી મિનિટોમાં તૈયાર થાય છે શૈક્ષણિક ગેમ

હેતલબહેનનો ટેક્નોલોજીનો ઉપયોગ માત્ર વીડિયો બનાવવા પૂરતો નથી. તેમણે Wordwall અને AIની મદદથી વિષય આધારિત ડિજિટલ શૈક્ષણિક રમતો પણ તૈયાર કરી છે. જે શૈક્ષણિક ગેમ તૈયાર કરવામાં અગાઉ કલાકો લાગી જતા હતા, તે હવે AIની મદદથી ખૂબ ઓછા સમયમાં તૈયાર કરી શકાય છે. આ પ્રયોગની ઝોન કક્ષાએ પસંદગી થઈ છે અને રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં શિક્ષકો તથા વિદ્યાર્થીઓ તેનો ઉપયોગ કરી રહ્યા છે.

 AI શિક્ષકનો વિકલ્પ નથી

AI અંગે હેતલબહેનનો અભિગમ પણ સ્પષ્ટ છે. તેમનું માનવું છે કે બદલાતા સમય સાથે શિક્ષકોએ પણ સતત અપડેટ રહેવું જરૂરી છે. ટેક્નોલોજી કલાકોનું કામ મિનિટોમાં કરી શકે તો તેનો સકારાત્મક ઉપયોગ શિક્ષણમાં થવો જોઈએ, પરંતુ તેઓ સાથે એ પણ સ્પષ્ટ કહે છે કે AI શિક્ષકનો વિકલ્પ નથી. AI એક સાધન છે, જે શિક્ષણને વધુ સરળ, રસપ્રદ અને બાળકો માટે અનુકૂળ બનાવી શકે છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ગ્રીન સ્ક્રીન ગાયબ થાય છે, આત્મવિશ્વાસ રહી જાય છે

હેતલબહેનને મળેલું ‘શ્રેષ્ઠ શિક્ષક’ સન્માન માત્ર એક શિક્ષિકાને મળેલો એવોર્ડ નથી. તે સરકારી શાળાના વર્ગખંડમાં બદલાતી શિક્ષણ પદ્ધતિની પણ ઓળખ છે. જે દીકરી ક્યારેક અંગ્રેજીમાં બે વાક્ય બોલતાં પણ સંકોચ અનુભવતી હતી, તે આજે કેમેરાની સામે ઊભી રહીને આત્મવિશ્વાસથી અંગ્રેજીમાં પોતાની વાત રજૂ કરે છે. વીડિયો બની જાય પછી ગ્રીન સ્ક્રીન ભલે અદૃશ્ય થઈ જાય, પરંતુ તેના કારણે દીકરીઓમાં ઊભો થયેલો આત્મવિશ્વાસ તેમની સાથે રહી જાય છે અને કદાચ હેતલબહેનના સમગ્ર પ્રયોગની સૌથી મોટી સફળતા પણ આ જ છે.

આ પણ વાંચોઃ વંદે ભારતની કમાલની સિસ્ટમ, બ્રેક લગાવતા વીજળી ઉત્પન્ન થશે, જાણો કેમ કરશે કામ
Back to top button