અમદાવાદના બોપલ-શેલામાં ચેઇન સ્નેચિંગથી ચકચાર! PSIની પત્નીના ગળામાંથી ₹1.75 લાખની સોનાની ચેઇન ઝૂંટવી બાઇકસવારો ફરાર

અમદાવાદના બોપલ-શેલા વિસ્તારમાં ચેઇન સ્નેચિંગની ઘટનાઓને પગલે સ્થાનિક લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. બોપલના VVIP રોડથી શેલા તરફ જતા રસ્તા પર વધુ એક ચેઇન સ્નેચિંગની ઘટના સામે આવી છે. અહીં બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સો પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI)ની પત્નીના ગળામાંથી અંદાજે રૂ. 1.75 લાખની કિંમતની સોનાની ચેઇન ઝૂંટવીને ફરાર થઈ ગયા હતા. આ મામલે ભોગ બનનાર મહિલાએ બે અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે.
દીકરાને ટ્યુશનમાંથી લેવા ગયાં હતાં મહિલા
પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, શેલા વિસ્તારમાં આવેલા શાલિગ્રામ પ્રાઇડમાં રહેતી 38 વર્ષીય મહિલા 22 ઑક્ટોબરના રોજ સાંજે પોતાના 11 વર્ષીય દીકરાને ટ્યુશનમાંથી લેવા ગયાં હતાં. દીકરાને એક્ટિવા પર બેસાડીને તેઓ ઘરે પરત ફરી રહ્યાં હતાં.
સાંજે આશરે 7:15 વાગ્યે તેઓ કાપડિયા સ્કૂલ અને નિત્યશાંતિભવન વચ્ચેના રસ્તા પરથી પસાર થઈ રહ્યાં હતાં. આ દરમિયાન પાછળથી બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સો તેમની એક્ટિવાની એકદમ નજીક આવી પહોંચ્યા હતા.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
પળવારમાં સોનાની ચેઇન ઝૂંટવીને ફરાર
બાઇક પર પાછળ બેઠેલા શખ્સે અચાનક મહિલાના ગળામાં પહેરેલી અંદાજે સવા બે તોલાથી અઢી તોલા વજનની સોનાની ચેઇન ઝૂંટવી લીધી હતી. ચેઇન ઝૂંટવ્યા બાદ બંને શખ્સો પૂરપાટ ઝડપે બાઇક હંકારીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
મહિલાએ બૂમાબૂમ કરતાં નજીકમાં આવેલા નિત્યશાંતિભવનના સિક્યુરિટી ગાર્ડ દોડી આવ્યા હતા. તેમણે આરોપીઓનો પીછો કરવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ બંને શખ્સો હાથ લાગ્યા નહોતા.
આરોપીઓના પહેરવેશની વિગતો સામે આવી
ફરિયાદમાં જણાવ્યા મુજબ, બાઇક ચલાવનાર શખ્સે કેસરી રંગનો ચેક્સવાળો શર્ટ પહેર્યો હતો, જ્યારે પાછળ બેઠેલા શખ્સે બ્લુ રંગનો શર્ટ પહેર્યો હતો. આ વિગતોના આધારે પોલીસ આરોપીઓની ઓળખ મેળવવા પ્રયાસ કરી રહી છે.
ઘટનાને પગલે પોલીસે ફરિયાદ નોંધીને આસપાસના વિસ્તારોમાં ઉપલબ્ધ CCTV કેમેરાનાં ફૂટેજ તપાસવાની અને બાતમીદારોની મદદથી આરોપીઓ સુધી પહોંચવાની કાર્યવાહી હાથ ધરી છે.
બોપલ-શેલા વિસ્તારમાં વધતી ચેઇન સ્નેચિંગની ઘટનાઓથી ચિંતા
સ્થાનિક સ્તરે મળતી માહિતી મુજબ, બોપલ વિસ્તારમાં છેલ્લા એક મહિનામાં ચેઇન સ્નેચિંગના બે-ત્રણ બનાવો નોંધાયા હોવાનું જણાવવામાં આવે છે. બોપલ VVIP રોડથી શેલા સુધીના સંબંધિત માર્ગ પર CCTV કેમેરાની ઉપલબ્ધતા અંગે પણ સવાલો ઊભા થયા છે.
જોકે, આ ઘટનામાં આરોપીઓની ઓળખ અને તેમની ધરપકડ અંગે પોલીસ તપાસ ચાલુ છે. આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ અને અન્ય પુરાવાઓની મદદથી ફરાર શખ્સોને ઝડપી પાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
પોલીસ તપાસ તેજ, નાગરિકોને સાવચેતી રાખવા અપીલ
રસ્તા પર એકલાં વાહન ચલાવતી વખતે પાછળથી આવતાં અજાણ્યા બાઇકસવારો પ્રત્યે સતર્ક રહેવું જરૂરી છે. ખાસ કરીને સાંજના સમયે અવરજવર ઓછી હોય તેવા રસ્તાઓ પર સાવચેતી રાખવી અને કોઈ શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી હિતાવહ છે.
આ પણ વાંચો: ગુજરાતમાં હવામાનનો પલટો! આગામી 2 દિવસ વરસાદની આગાહી, દિવસમાં ગરમી તો રાત્રે ઠંડીનો અહેસાસ











