ગુજરાત

વડોદરામાં યુસુફ પઠાણના જમીન વિવાદ પર રાજકારણ ગરમાયું: અમિત ચાવડાએ સરકાર પર બેવડા ધોરણોનો આક્ષેપ કર્યો

Yusuf Pathan Land Allocation Controversy: વડોદરા શહેરમાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને પૂર્વ સાંસદ યુસુફ પઠાણ સાથે જોડાયેલા લાંબા સમયથી ચાલી રહેલા જમીન વિવાદ મામલે રાજકારણ એકાએક ગરમાયું છે. તાંદલજા વિસ્તારમાં આવેલા તેમના નિવાસસ્થાન પાસેના TP-22 ના ફાઇનલ પ્લોટ નં. 90 ની આશરે ₹20.53 કરોડની બજાર કિંમત ધરાવતી 978 ચોરસ મીટર જમીન ફાળવી દેવાનો રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, યુસુફ પઠાણના રાજકીય સમીકરણો બદલાયા બાદ અને એનડીએ (NDA) ના સમર્થનમાં આવ્યા પછી આ વિવાદ ઉકેલાવાની તૈયારીઓ થઈ ચૂકી છે. આ સમગ્ર મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્ય સરકાર અને વડોદરા મહાનગરપાલિકાની કામગીરી સામે આકરા પ્રહારો કરતા કાયદાના બેવડા ધોરણો અપનાવવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.

“સરકાર સાથે ગોઠવણ થઈ જાય તો બધા કાયદા બદલાઈ જાય છે”

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ યોજીને સરકારને ઘેરી હતી. તેમણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ભાજપની સરકાર સત્તામાં આવ્યા બાદથી દરેક બાબતમાં બેવડા ધોરણો અપનાવી રહી છે. ગુજરાતમાં જો કોઈ સામાન્ય પરિવાર કે બીપીએલ (BPL) પરિવારનો વ્યક્તિ 100 ચોરસ ફૂટનો પ્લોટ મેળવવા માંગે તો તેને વર્ષો સુધી સરકારી ઓફિસોના ધક્કા ખાવા પડે છે અને ચંપલ ઘસી નાખવા છતાં પ્લોટ મળતો નથી. કોઈ સામાજિક કાર્યકર્તા રાહત દરે જગ્યા માંગવા જાય તો તેને કાયદાના પાઠ ભણાવવામાં આવે છે, પરંતુ જો સરકાર સાથે કોઈની ગોઠવણ કે રાજકીય સોદો થઈ જાય તો રાતોરાત બધા જ કાયદા બદલાઈ જાય છે.

‘જેની સામે લેન્ડ ગ્રેબિંગની નોટિસ અપાઈ હતી, તેને હવે ગિફ્ટમાં જમીન મળશે’

અમિત ચાવડાએ પૂરા પુરાવા સાથે ઇતિહાસ ટાંકતા જણાવ્યું હતું કે યુસુફ પઠાણે વડોદરામાં પોતાના ઘરની બાજુની સરકારી જમીન રહેણાક હેતુ માટે ફાળવવા અંગે વર્ષ 2012 માં કોર્પોરેશનમાં અરજી કરી હતી. તે સમયે પ્રતિ ચોરસ મીટર ભાવ 57,270 રૂપિયા નક્કી કરાયો હતો અને સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી બાદ જૂન 2012 માં દરખાસ્ત મોકલાઈ હતી. તે વખતે યુસુફ પઠાણ કોઈપણ રાજકીય પક્ષ સાથે જોડાયેલા નહોતા. ત્યારબાદ જૂન 2014 માં શહેરી વિકાસ વિભાગ દ્વારા આ દરખાસ્ત નામંજૂર કરીને પરત મોકલી દેવાઈ હતી. લાંબા સમય સુધી આ મામલો ઠંડે બેસાડી રાખ્યા બાદ 2024 માં અચાનક તેમને નોટિસ ફટકારવામાં આવી કે જો કબ્જો ખાલી નહીં કરો તો તમારી સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવામાં આવશે. પરંતુ જેવી તેઓ ટીએમસી (TMC) છોડીને એનડીએના સમર્થનમાં આવ્યા કે તરત જ સરકારનું વલણ બદલાઈ ગયું.

વુડા અને મનપા દ્વારા જમીન ફાળવણીનું આયોજન

નક્કી કરાયેલી નવી યોજના મુજબ, વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (VUDA) અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ જમીનના ટુકડાને બે ભાગમાં વહેંચીને ફાળવણી કરવામાં આવી રહી છે. જેમાંથી 478 ચોરસ મીટર જમીન તેના પ્રવર્તમાન વેલ્યુએશનના 55 ટકા રકમ વસૂલીને યુસુફ પઠાણને ફાળવવામાં આવશે, જ્યારે બાકીની 500 ચોરસ મીટર જગ્યા વડોદરા મનપા દ્વારા ભેટ સ્વરૂપે (ગિફ્ટમાં) આપવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યના શહેરી વિકાસ મંત્રાલય દ્વારા 13 ઓગસ્ટ, 2026 ના રોજ આ અંગેનો સત્તાવાર ઠરાવ પણ પસાર કરી દેવામાં આવ્યો છે, જેને લઈને સ્થાનિક સ્તરે ભારે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

જમીન વિવાદના 14 વર્ષનો આખો ઘટનાક્રમ: ક્યારે શું થયું?

આ વિવાદની લાંબી સફર પર નજર કરીએ તો 3 માર્ચ, 2012 ના રોજ યુસુફ પઠાણે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને પોતાના બંગલાની બાજુના 978 ચોરસ મીટરના પ્લોટની માંગણી કરી હતી. ત્યારબાદ 30 માર્ચ અને 8 જૂન, 2012 ની સામાન્ય સભામાં આ પ્લોટ જાહેર હરાજી વિના 99 વર્ષના ભાડાપટે આપવાની દરખાસ્ત આગળ ધપાવવામાં આવી હતી. પરંતુ 9 જૂન, 2014 ના રોજ રાજ્ય સરકારે કાયદાકીય પ્રક્રિયાના અભાવે આ દરખાસ્તને નામંજૂર કરી દીધી હતી. લાંબા અંતરાલ બાદ 6 જૂન, 2024 ના રોજ પાલિકાએ દરખાસ્ત નામંજૂર હોવાનું જણાવી દબાણ હટાવવાની નોટિસ આપી હતી, જેની સામે પઠાણે હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. 21 ઓગસ્ટ, 2025 ના રોજ સિંગલ બેન્ચે અરજી ફગાવી દીધા બાદ તેમણે ડિવિઝન બેન્ચમાં અપીલ કરી હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

હાઇકોર્ટે સવાલો ઉઠાવ્યા બાદ અપીલ પાછી ખેંચી

આ કેસમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે 8 જૂન, 2026 ના રોજ ગુજરાત હાઇકોર્ટે કાયદેસરની ફાળવણી વિના સરકારી જમીન પર કબજો કેવી રીતે થયો તે અંગે પાલિકાના અધિકારીઓની ભૂમિકા સામે કડાકા ભડાકા કર્યા હતા. ત્યારબાદ 18 જૂન, 2026 ના રોજ પાલિકાએ આ પ્લોટ સહિત 7 પ્લોટની હરાજી માટેની દરખાસ્ત મૂકી હતી, જેમાં અંદાજિત અપસેટ વેલ્યૂ પ્રતિ ચોરસ મીટર 2.10 લાખ રૂપિયા ગણીને કુલ કિંમત ₹ 20.53 કરોડ આંકવામાં આવી હતી. આ કાનૂની જંજાળ વચ્ચે 31 ઓગસ્ટ, 2026 ના રોજ યુસુફ પઠાણે હાઈકોર્ટમાંથી પોતાની અપીલ પાછી ખેંચી લીધી હતી અને અંતે 20 ઓક્ટોબર, 2026 ના રોજ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ જમીન ફાળવણીની ફાઈલ આગળ વધારી દેવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા આગામી સામાન્ય સભામાં આ નિર્ણય સામે ઉગ્ર વિરોધ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાત ભાજપમાં જૂથવાદની ચર્ચા ; મુખ્યમંત્રીએ અસંતુષ્ટોને મનાવવા નેતાઓને કરી અપીલ

Back to top button