અમદાવાદગુજરાતટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

અમદાવાદના વર્લ્ડક્લાસ સ્ટેશનનું કામ ચાર વર્ષમાં માત્ર 20 ટકા, સરકારી રિપોર્ટથી તંત્રની પોલ ખુલી

Redevelopment Delay   :  અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનને વિશ્વસ્તરીય સુવિધાઓથી સજ્જ કરવાના મોટા દાવા વચ્ચે પ્રોજેક્ટની ધીમી કામગીરી સામે આવી છે. સ્ટેશનના આધુનિકીકરણ માટે કરોડો રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે, પરંતુ જમીન પર કામની ગતિ અપેક્ષા કરતાં ઘણી ધીમી છે. કેન્દ્ર સરકારના તાજેતરના સરકારી અહેવાલ મુજબ, અમદાવાદ રેલવે સ્ટેશનના પુનઃવિકાસનું અત્યાર સુધીમાં માત્ર 20 ટકા કામ જ પૂર્ણ થયું છે. ચોંકાવનારી વાત એ છે કે આ પ્રોજેક્ટ પાછળ અત્યાર સુધીમાં રૂ. 1,026.58 કરોડ ખર્ચાઈ ચૂક્યા છે.

ચાર વર્ષમાં માત્ર 20 ટકા કામ પૂર્ણ

કેન્દ્ર સરકારના રૂ. 150 કરોડથી વધુના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની પ્રગતિ પર નજર રાખતી કચેરી દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતીમાં આ વિગતો સામે આવી છે. રેલવે લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (RLDA) દ્વારા હાથ ધરવામાં આવેલા અમદાવાદ રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટને 24 જાન્યુઆરી, 2023ના રોજ મંજૂરી આપવામાં આવી હતી.

આ પ્રોજેક્ટ માટે શરૂઆતમાં રૂ. 2,379 કરોડનો ખર્ચ નક્કી કરવામાં આવ્યો હતો. તેને પૂર્ણ કરવાની સમયમર્યાદા 30 જૂન, 2027 રાખવામાં આવી છે. જોકે, અત્યાર સુધીમાં રૂ. 1,026.58 કરોડનો ખર્ચ થઈ ગયો હોવા છતાં ભૌતિક પ્રગતિ માત્ર 20 ટકા નોંધાઈ છે. એટલે કે, કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ પ્રોજેક્ટનું 80 ટકા કામ હજુ બાકી છે.

એક તરફ અમદાવાદને વિશ્વસ્તરીય રેલવે સ્ટેશન આપવાની વાત થઈ રહી છે, તો બીજી તરફ કામની ધીમી ગતિને કારણે નિર્ધારિત સમયમર્યાદામાં પ્રોજેક્ટ પૂર્ણ થશે કે કેમ તે અંગે સવાલો ઊભા થયા છે.

વર્ષોથી ચાલી રહેલા રેલવે પ્રોજેક્ટ્સ હજુ અધૂરા

ગુજરાતમાં ભારતીય રેલવેના કુલ 27 પ્રોજેક્ટ્સ હાલમાં કામગીરી હેઠળ છે. તેમાંથી કેટલાક પ્રોજેક્ટ્સને મંજૂરી મળ્યાને વર્ષો વીતી ગયા હોવા છતાં હજુ સુધી પૂર્ણ થઈ શક્યા નથી.

અમદાવાદ-હિંમતનગર-ઉદયપુર રેલવે પ્રોજેક્ટને વર્ષ 2008માં મંજૂરી આપવામાં આવી હતી. જોકે, તેની કામગીરી હજુ 91 ટકા સુધી જ પહોંચી છે. બીજી તરફ, વર્ષ 2007માં મંજૂર થયેલા છોટાઉદેપુર-ધાર રેલવે પ્રોજેક્ટનું કામ 58 ટકા જ પૂર્ણ થયું છે. જ્યારે દાહોદ-ઈન્દોર રેલવે પ્રોજેક્ટની પ્રગતિ પણ માત્ર 57 ટકા નોંધાઈ છે. આ આંકડા દર્શાવે છે કે ગુજરાતમાં અનેક રેલવે પ્રોજેક્ટ્સ વર્ષો જૂના હોવા છતાં કામગીરી પૂર્ણ થવામાં લાંબો સમય લાગી રહ્યો છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

મુંબઈ-અમદાવાદ રેલવે રૂટ પર સુરક્ષા સિસ્ટમનું કામ પણ અધૂરું

મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ વચ્ચેના રેલવે રૂટ પર ટ્રેનોની સુરક્ષા વધારવા માટે ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ (Train Protection System) લગાવવાની કામગીરી પણ ધીમી પડી છે.આ પ્રોજેક્ટનો મૂળ ખર્ચ રૂ. 311 કરોડ હતો, જે વધીને હવે રૂ. 379.61 કરોડ થયો છે. અત્યાર સુધીમાં રૂ. 234.90 કરોડ ખર્ચાઈ ચૂક્યા હોવા છતાં પ્રોજેક્ટનું માત્ર 20 ટકા કામ પૂર્ણ થયું છે. આ પ્રોજેક્ટ ડિસેમ્બર 2025 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક હતો, પરંતુ કામગીરીમાં વિલંબને કારણે તેની નવી સમયમર્યાદા ડિસેમ્બર 2026 નક્કી કરવામાં આવી છે. એટલે કે, પ્રોજેક્ટ પૂર્ણ થવામાં એક વર્ષનો વિલંબ થયો છે.

ગુજરાતના અન્ય રેલવે પ્રોજેક્ટ્સની સ્થિતિ

સરકારી અહેવાલમાં ગુજરાતના અનેક રેલવે પ્રોજેક્ટ્સની સમયમર્યાદા લંબાવવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે.

રેલવે પ્રોજેક્ટ ખર્ચ પ્રગતિ
અમદાવાદ-હિંમતનગર-ઉદયપુર રૂ. 2,837.80 કરોડ 91%
મુંબઈ-અમદાવાદ ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ રૂ. 379.61 કરોડ 20%
નળિયા-જખૌ પોર્ટ બ્રોડગેજ લાઈન રૂ. 410.29 કરોડ 5%
સાબરમતી ટ્રેનસેટ મેઈન્ટેનન્સ સુવિધા રૂ. 249.67 કરોડ 91%
બરેજડી-નાંદેજ-ગેરતપુર-સાણંદ ચોથી લાઈન રૂ. 2,402.71 કરોડ 25%

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી લઈને રાજ્યના અન્ય રેલવે પ્રોજેક્ટ્સની કામગીરીના આ આંકડા વિકાસના દાવા સામે અનેક સવાલો ઊભા કરે છે. હવે જોવાનું એ રહેશે કે બાકી રહેલા કામને ઝડપથી પૂર્ણ કરવા રેલવે તંત્ર શું પગલાં લે છે અને પ્રોજેક્ટ્સ ખરેખર નવી સમયમર્યાદામાં પૂર્ણ થાય છે કે નહીં.

Back to top button