અમદાવાદના નરોડામાં નશામાં ધૂત કારચાલકનો આતંક! અનેક વાહનોનો કચ્ચરઘાણ, એક યુવક ગંભીર

અમદાવાદ શહેરમાં દારૂ પીને વાહન ચલાવતા બેફામ ચાલકોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા નરોડામાં સોમવારે (16 નવેમ્બર) મોડી રાત્રે નશામાં ધૂત 27 વર્ષીય કારચાલકે રસ્તા પર રીતસરનો આતંક મચાવ્યો હતો. પૂરપાટ ઝડપે કાર હંકારીને ચાલકે એક પછી એક વાહનોને અડફેટે લીધાં હતાં. નરોડા GEB નજીક પેટ્રોલ પંપ પાસેથી શરૂ થયેલો અકસ્માતનો સિલસિલો હંસપુરા સ્થિત વિઠ્ઠલ પ્લાઝા સુધી પહોંચ્યો હતો. આ ઘટનામાં એક બાઈકચાલક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે, જ્યારે અનેક વાહનોને નુકસાન પહોંચ્યું છે. અંદાજે પાંચ લાખ રૂપિયાનું નુકસાન થયાની માહિતી છે. ઘટનાથી રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ કારચાલકને ઝડપી પાડીને પોલીસને સોંપ્યો હતો.
પેટ્રોલ પંપ પાસે બાઈકચાલકને મારી ટક્કર
મળતી માહિતી મુજબ, સોમવારે રાત્રે આશરે 9 વાગ્યાના અરસામાં 27 વર્ષીય યુવક પોતાની કાર લઈને નરોડા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો. આ સમયે તે દારૂના નશામાં હોવાનું સામે આવ્યું છે. નશાની હાલતમાં કાર હંકારી રહેલા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો.
નરોડા GEB પાસે આવેલા પેટ્રોલ પંપ નજીકથી પસાર થતી વખતે તેણે એક મોટરસાઇકલચાલકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઈકચાલક યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જોકે, આટલી મોટી ઘટના સર્જાયા બાદ પણ કારચાલકે વાહન રોકવાને બદલે પૂરપાટ ઝડપે કાર આગળ દોડાવી હતી.
હંસપુરાના વિઠ્ઠલ પ્લાઝાના પાર્કિંગમાં ઘૂસી કાર
બાઈકચાલકને ટક્કર માર્યા બાદ કારચાલક વધુ બેફામ બન્યો હતો. તેણે કાર હંસપુરા ખાતે આવેલા ખાનગી કોમર્શિયલ પ્લાઝાના પાર્કિંગમાં ઘુસાડી દીધી હતી. અહીં પાર્કિંગમાં ઊભેલાં વાહનોને કારચાલકે અડફેટે લીધાં હતાં.
કારની ટક્કરથી પાર્કિંગમાં ઊભેલી કાર અને બાઈક સહિતનાં અનેક વાહનોને ભારે નુકસાન થયું હતું. સદનસીબે તે સમયે પાર્કિંગમાં લોકોની અવરજવર ઓછી હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. જોકે, આ અકસ્માતમાં અંદાજે પાંચ લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.
સ્થાનિક લોકોએ કારચાલકને દબોચ્યો, મોઢામાંથી આવતી હતી દારૂની ગંધ
એક પછી એક વાહનોને ટક્કર મારવાની ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. કારચાલકની બેફામ હરકત જોઈને સ્થાનિક લોકો અને ફરિયાદીએ કારને ઘેરી લીધી હતી.
લોકોએ કારનો દરવાજો ખોલીને ચાલકને બહાર કાઢ્યો ત્યારે તે નશાની હાલતમાં હોવાનું જણાયું હતું. તેના મોઢામાંથી દારૂની તીવ્ર ગંધ આવી રહી હતી અને તે બરાબર ઊભો પણ રહી શકતો નહોતો. આથી રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને ઘટનાની જાણ કરી હતી.
G ડિવિઝન ટ્રાફિક પોલીસની કાર્યવાહી, કાર જપ્ત
ઘટનાની જાણ થતાં જ અમદાવાદ શહેરની G ડિવિઝન ટ્રાફિક પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે સ્થાનિક લોકોના કબજામાંથી કારચાલકને પોતાની હિરાસતમાં લીધો હતો અને અકસ્માત સર્જનાર કાર પણ જપ્ત કરી હતી.
હાલ પોલીસે ફરિયાદના આધારે આરોપી કારચાલક વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા યુવકની સારવાર સહિત વાહનોને થયેલા નુકસાન અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.
નશામાં ડ્રાઇવિંગથી ફરી નિર્દોષ લોકોના જીવ જોખમમાં!
નરોડાની આ ઘટના ફરી એકવાર દારૂ પીને વાહન ચલાવતા લોકોની બેદરકારી અને તેના ગંભીર પરિણામો સામે લાવી છે. એક વ્યક્તિની નશાની હાલતમાં કરેલી બેફામ ડ્રાઇવિંગને કારણે અનેક વાહનોને નુકસાન થયું અને એક નિર્દોષ યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો.
સવાલ એ છે કે દારૂના નશામાં વાહન ચલાવીને રસ્તા પર અન્ય લોકોના જીવ જોખમમાં મૂકનારા લોકો સામે કડક કાર્યવાહી ક્યારે થશે? નરોડાની આ ઘટનાએ ફરી એકવાર અમદાવાદના રસ્તાઓ પર ટ્રાફિક સુરક્ષા અને નશામાં ડ્રાઇવિંગ સામે કડક પગલાં લેવાની જરૂરિયાત ઊભી કરી છે.











