ગુજરાતટ્રેન્ડિંગ

પોલીસ ઈન્સ્પેક્ટર બની વીડિયો કોલ પર ધરપકડની ધમકી આપતો સાયબર ઠગ ઝડપાયો, રૂ. 2.04 કરોડના વ્યવહારોનો પર્દાફાશ

Vadodara Cyber Fraud Case: પોલીસ ઈન્સ્પેક્ટર બની વીડિયો કોલ કરીને લોકોને ધરપકડની ધમકી આપવી, મની લોન્ડરિંગ અને ડ્રગ્સ કેસમાં ફસાવવાની બીક બતાવવી અને ત્યારબાદ લાખો રૂપિયા પડાવવા જેવી સાયબર છેતરપિંડીનો વડોદરા ક્રાઈમ બ્રાંચે પર્દાફાશ કર્યો છે. પોલીસે 33 વર્ષીય બ્રિજેશ રામચંદ્ર પટેલની ધરપકડ કરી છે. આરોપી સાથે સંકળાયેલા વડોદરા અને કચ્છના ચાર સાયબર ફ્રોડ કેસમાં કુલ રૂ. 2.04 કરોડથી વધુના નાણાકીય વ્યવહારો થયાનું તપાસમાં સામે આવ્યું છે.

વાસદ ટોલપ્લાઝા નજીકથી આરોપીની ધરપકડ

વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલી નીલકંઠ રેસિડેન્સીમાં રહેતો બ્રિજેશ પટેલ અકોટા અને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2025માં નોંધાયેલા સાયબર છેતરપિંડીના ગુનાઓમાં વોન્ટેડ હતો. વડોદરા ક્રાઈમ બ્રાંચે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે આરોપીનું લોકેશન મેળવી વાસદ ટોલપ્લાઝા નજીકથી તેની ધરપકડ કરી હતી.

અન્ય લોકોના બેન્ક ખાતાનો ઉપયોગ કરી રૂપિયા ફેરવતો

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અન્ય વ્યક્તિઓના નામે ખોલાવેલા બેન્ક ખાતા અને કંપનીના ખાતાનો ઉપયોગ કરીને સાયબર છેતરપિંડીની રકમના વ્યવહારો કરતો હતો. અકોટા પોલીસ સ્ટેશનના કેસમાં આરોપીએ ઓલ્ડ પાદરા રોડ પર આવેલી કર્ણાટક બેન્કમાં અન્ય વ્યક્તિના નામે ખાતું ખોલાવી બેન્કિંગ કિટ મેળવી હતી. આ ખાતામાં રૂ. 11.30 લાખના શંકાસ્પદ વ્યવહારો થયા હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. આ પ્રકારના વ્યવહારોમાં મદદ કરવા બદલ આરોપીને કમિશન મળતું હોવાનું પોલીસે જણાવ્યું છે.

કંપનીના ખાતામાં રૂ. 1.20 કરોડના વ્યવહારો

પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અન્ય એક કેસમાં બ્રિજેશ પટેલ અને તેના પિતાએ આરપીસીએલ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના નામે એક્સિસ બેન્કમાં ખોલાવેલા ખાતાનો ઉપયોગ કર્યો હતો. તપાસ મુજબ 27 એપ્રિલથી 11 જૂન 2024 દરમિયાન આ બેન્ક ખાતામાં રૂ. 1.20 કરોડના અનધિકૃત નાણાકીય વ્યવહારો થયા હતા. આ રકમ સાયબર છેતરપિંડીના નેટવર્ક મારફતે ટ્રાન્સફર કરવામાં આવી હોવાની દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.

મુંબઈ પોલીસ અને ઈન્ડિયા પોસ્ટના અધિકારી બની ધમકાવતા

કચ્છના ગાંધીધામ એ-ડિવિઝન સહિતના બે સાયબર છેતરપિંડીના કેસમાં આરોપી અને તેના સાગરીતોની સંડોવણી સામે આવી છે. આરોપીઓ ઈન્ડિયા પોસ્ટના અધિકારીઓ અને મુંબઈ પોલીસના કર્મચારીઓ હોવાની ખોટી ઓળખ આપીને લોકોને ફોન કરતા હતા. ફરિયાદીઓને તેમના નામે મોકલાયેલા પાર્સલ જપ્ત થયા હોવાનું જણાવી મની લોન્ડરિંગ અને ડ્રગ્સના ગુનામાં ફસાવવાની ધમકી આપવામાં આવતી હતી. ત્યારબાદ વીડિયો કોલ પર પોલીસ અધિકારી તરીકે ઓળખ આપીને ધરપકડનો ડર બતાવી નાણાં ટ્રાન્સફર કરવા દબાણ કરવામાં આવતું હતું.

એક ફરિયાદી પાસેથી રૂ. 36.63 લાખ ટ્રાન્સફર કરાવ્યા

પોલીસ તપાસ અનુસાર આ સાયબર ઠગાઈમાં એક ફરિયાદીને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી માનસિક દબાણમાં મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ ફરિયાદીના એસબીઆઈ સહિતના બેન્ક ખાતામાંથી કુલ રૂ. 36.63 લાખ ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. આરોપીઓ લોકોને કાયદાકીય કાર્યવાહીની બીક બતાવી તેમની પાસેથી નાણાં પડાવતા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

વધુ આરોપીઓની સંડોવણી અંગે તપાસ

વડોદરા ક્રાઈમ બ્રાંચે બ્રિજેશ પટેલને ઝડપી પાડ્યા બાદ વધુ તપાસ માટે અકોટા પોલીસને સોંપ્યો છે. આરોપી સાથે સંકળાયેલા અન્ય વ્યક્તિઓ, બેન્ક ખાતાઓ અને સાયબર છેતરપિંડીના નાણાકીય નેટવર્ક અંગે પોલીસ તપાસ આગળ વધારી રહી છે. આ સમગ્ર ઘટનાએ ફરી એક વખત સાયબર ગુનેગારો દ્વારા પોલીસ અને સરકારી અધિકારીઓની ખોટી ઓળખ આપી લોકોને છેતરવાના કિસ્સાઓ સામે ચેતવણી ઊભી કરી છે. નાગરિકોએ અજાણ્યા વીડિયો કોલ પર ધરપકડની ધમકી કે ડિજિટલ અરેસ્ટના નામે પૈસા ટ્રાન્સફર ન કરવા જોઈએ. આવી ઘટના બને તો તાત્કાલિક સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરવો જોઈએ.

આ પણ વાંચોઃ સુરતના કરોડપતિ પરિવારનો અનોખો ત્યાગ! ₹15 કરોડના ટર્નઓવરનો ધંધો છોડીને માતા-પિતા સહિત બે દીકરીઓ લેશે જૈન દીક્ષા
Back to top button