
Gujarat News : અમરેલી જિલ્લામાં ગ્રીન એનર્જી ક્ષેત્રે એક મોટી પહેલ થવા જઈ રહી છે. અમરેલીમાં રાજ્યનો પ્રથમ બાયો-CNG પ્લાન્ટ બનશે. ગ્રીન એનર્જીની આ પહેલથી વતનના ખેડૂતોને નવી આકાર અને સ્થાનિક યુવાનોને રોજગારીની તકો મળવાની આશા જાગી છે. ખેતી માત્ર પરંપરા જ નહીં, પરંતુ નવી આવકનું માધ્યમ બની શકે છે. જેનું ઉત્તમ ઉદાહરણ આ પ્રોજેક્ટ બની રહ્યો છે.
શેડુભાર ગામે 75 કરોડના ખર્ચે પ્લાન્ટનું થઈ રહ્યું છે નિર્માણ
અમરેલીના શેડુભાર ગામે કરોડોના ખર્ચે ગુજરાતનો પ્રથમ અને દેશનો બીજો બાયો-CNG પ્લાન્ટ આકાર લઈ રહ્યો છે. શેડુભાર ગામે 75 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે બાયો-CNG પ્લાન્ટનું નિર્માણ થઈ રહ્યું છે. ગુજરાતમાં પ્રથમવાર અને ભારતનો આ બીજો પ્લાન્ટ હશે જેમાં નેપિયર ઘાસ સહિતના કૃષિ અવશેષોમાંથી બાયો-CNG બનાવવામાં આવશે. આ પ્લાન્ટને આગામી આઠ મહિનામાં કાર્યરત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
પ્લાન્ટમાં અત્યાધુનિક ડ્રાય ડાયજેસ્ટર ટેકનોલોજીનો ઉપયોગ કરાશે
મૂળ શેડુભાર ગામના અને હાલ અમદાવાદમાં કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલા જતીન મનસુખભાઈ ગજેરા દ્વારા આ પ્રોજેક્ટ શરૂ કરાયો છે.આ પ્લાન્ટમાં ઘઉં-ચણાનું પરાળ, કપાસ-એરંડાના સાઠી, તુવેર અને નેપિયર ઘાસ જેવા કૃષિ અવશેષોમાંથી ગેસનું ઉત્પાદન થશે. આસપાસના વિસ્તારમાં 1000 વીઘા જમીનમાં નેપિયર ઘાસનું વાવેતર શરૂ કરાયું છે, જે એકવાર વાવ્યા બાદ 8 થી 9 વર્ષ સુધી સતત ઉત્પાદન આપે છે. નોંધનિય છે કે, આ પ્લાન્ટમાં ફિનલેન્ડથી લાવવામાં આવેલી અત્યાધુનિક ડ્રાય ડાયજેસ્ટર ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. પ્લાન્ટમાંથી નીકળતા ઘન અવશેષમાંથી ઓર્ગેનિક ખાતર તૈયાર કરીને ખેડૂતોને રાહત દરે આપવાની પણ યોજના છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
અંદાજે 200થી 250 જેટલા સ્થાનિક યુવાનોને રોજગારી મળશે
આ અંગે માહિતી આપતા પ્લાન્ટ મેનેજર વિઠ્ઠલ ગજેરાએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટથી શેડુભાર અને આસપાસનાં ગામોના અંદાજે 200થી 250 જેટલા સ્થાનિક યુવાનોને રોજગારી મળી રહેશે. અહીં તૈયાર થનારા બાયો-CNG ગેસનું સીધું વિતરણ સરકારને કરાશે. નેપિયર ઘાસની ખેતીમાં ખેડાણ, નીંદણ અને દવાનો છંટકાવ કરવાની જરૂરિયાત ઓછી રહેતી હોવાથી તે ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.
આ પ્રોજેક્ટના પગલે સ્થાનિક ખેડૂતો પણ ઉત્સાહિત
આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને પગલે સ્થાનિક ખેડૂતો પણ ઉત્સાહિત છે. શેડુભારના ખેડૂત મહેન્દ્રભાઈ વૈષ્ણવે પોતાની 20 વીઘા જમીનમાં જ્યારે ચેતનભાઈ ગજેરાએ 10 વીઘા જમીનમાં નેપિયર ઘાસનું વાવેતર કર્યું છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, વાવેતર માટે વીઘે 1500થી 2000 રૂપિયાનો સામાન્ય ખર્ચ થાય છે અને પ્લાન્ટ દ્વારા ખેતરેથી જ ઘાસની કાપણી કરીને લઈ જવાની વ્યવસ્થા થવાથી ખેડૂતોને પાક વેચાણનો એક નવો અને આસાન વિકલ્પ મળ્યો છે.
આ પણ વાંચો : અમદાવાદના નરોડામાં નશામાં ધૂત કારચાલકનો આતંક! અનેક વાહનોનો કચ્ચરઘાણ, એક યુવક ગંભીર












