ગુજરાત : 15 દિવસમાં મ્યુકર માઇકોસીસના બે કેસ, એક દર્દીની આંખ કાઢવી પડી

- સિવિલનું મેડિસીન, ઇએનટી તથા ઓપ્થેલમો ડિપાર્ટમેન્ટ એલર્ટ
- બે દર્દીઓ આવતા આરોગ્ય તંત્ર ચિંતામાં મુકાયું
- દર્દીઓની સઘન સારવાર આપવામાં આવી રહી છે
ગાંધીનગર સિવિલમાં છેલ્લા 15 જ દિવસમાં આ મ્યુકર માઇકોસીસ એટલે કે બ્લેક ફંગસના બે દર્દીઓ આવતા આરોગ્ય તંત્ર ચિંતામાં મુકાયું છે. આ બન્ને દર્દીઓને સિવિલના આઇસીયુમાં રાખવામાં આવ્યા છે અને તેમને સઘન સારવાર આપવામાં આવી રહી છે એટલુ જ નહીં, ફૂગ જીવલેણ તરીકે આગળ વધતા એક દર્દીની આંખ કાઢી નાંખવી પડી છે.
સિવિલનું મેડિસીન, ઇએનટી તથા ઓપ્થેલમો ડિપાર્ટમેન્ટ એલર્ટ
કોરોનાકાળ દરમ્યાન ડાયાબીટીસ, સ્ટીરોઇડ, રેમડેસીવીરના ઇન્જેક્શન તથા ઓક્સિજન લેવાને કારણે દર્દીઓને ફૂગની બિમારી લાગતી હતી. ફૂગ મગજમાં જવાને કારણે દર્દીના મોત થવાના કિસ્સા પણ કોરોના બાદ સામે આવ્યા હતા જેને લઇને પણ ફફડાટ ફેલાયો હતો ત્યારે છેલ્લા ફક્ત 15 જ દિવસમાં ગાંધીનગર સિવિલમાં આ મ્યુકર માઇકોસીસના બે કેસ પ્રકાશમાં આવ્યા છે જેના પગલે સિવિલનું મેડિસીન, ઇએનટી તથા ઓપ્થેલમો ડિપાર્ટમેન્ટ એલર્ટ થઇ ગયું છે.
વાણસ ગામના 55 વર્ષિય આધેડને સાઇનેસથી આ ફૂગ આગળ વધી
વાણસ ગામના 55 વર્ષિય આધેડને સાઇનેસથી આ ફૂગ આગળ વધી હતી અને આંતરિક રીતે આ ફૂગ આગળ વધતા આંખ સુધી પહોંચતા ત્યાં બે જ દિવસમાં સોજો આવી ગયો હતો. જેની ઉંડાણપુર્વક નિદાન કરતા તેમને બ્લેક ફંગસ હોવાને પગલે સિવિલના આઇસીસીયુમાં દાખલ કરીને સઘન અને ખુબ જ ખર્ચાળ સારવાર આપવામાં આવી રહી છે.
ફૂગને મગજ સુધી જતી અટકાવી હતી
આવી જ રીતે કડીમાં રહેતા 60 વર્ષિય પુરુષને પણ નાક અને આખની ભાગે સોજા ચઢી ગયા હતા અને અસહ્ય દુઃખાવો થતો હતો એટલુ જ નહીં, આ ફૂગ ચિંતાજનક રીતે આગળ વધી રહી હતી જેથી ઓપ્થેલ્મો વિભાગના ડો. જીગીશ દેસાઇ અને એમની ટીમે આ દર્દીને તાત્કાલિક સારવાર શરૂ કરી હતી અને આ દર્દીની ડાબી આંખ પણ કાઢી નાંખી હતી જેથી ફૂગને મગજ સુધી જતી અટકાવી હતી.
આ પણ વાંચો: અમદાવાદમાં 45 દિવસમાં 100 આપઘાત, જાણો શું છે કારણ












