ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત: શિક્ષકોને VVIP ભોજન વ્યવસ્થાની જવાબદારી સોંપાતા વિવાદ, ‘સ્વેચ્છા’એ મંદિરમાં સેવા આપશે

  • શિક્ષકોને મંદિરમાં VVIPના ભોજનની જવાબદારી સોંપતો હુકમ રદ
  • હવે શિક્ષકો ‘સ્વેચ્છા’એ ઘેલા સોમનાથ મંદિરમાં સેવા આપશે
  • શિક્ષકો સ્વેચ્છાએ દર વર્ષે સેવા આપવા જતા હોય છે: રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના ઉપપ્રમુખ

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાંથી એક અનોખો અને વિવાદિત નિર્ણય સામે આવ્યો છે, જેને શિક્ષણ જગતમાં ભારે ચર્ચા જગાવી છે. ઘેલા સોમનાથના સુપ્રસિદ્ધ શ્રાવણી મેળા દરમિયાન VVIP ભક્તો માટેની ભોજન વ્યવસ્થા અને કેટરિંગ સેવાની સમગ્ર જવાબદારી 30 જેટલા શિક્ષકોને સોંપવામાં આવી છે. આ નિર્ણયથી આખો શ્રાવણ મહિનો શિક્ષકો VVIP ની સેવામાં વ્યસ્ત રહેશે, જેને કારણે તેમના મૂળભૂત શૈક્ષણિક કાર્ય પર અસર પડવાની આશંકા સેવાઈ રહી છે.

શિક્ષકોને શ્રાવણી મેળામાં VVIP ની ભોજન વ્યવસ્થા સંભાળવાની જવાબદારી આપવામાં આવી

મંદિર ટ્રસ્ટ અને નાયબ કલેકટરના આદેશ મુજબ, જસદણના શિક્ષકોને શ્રાવણી મેળામાં VVIP ની ભોજન વ્યવસ્થા સંભાળવાની જવાબદારી આપવામાં આવી છે. આ કામગીરીનું સુપરવિઝન જસદણના TPEO (તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી) ને સોંપાયું છે. દરરોજ બે-બે શિક્ષકોને આ જવાબદારી નિભાવવા માટે ફરજ સ્થળે નિયમિત હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે. શિક્ષકોને VVIP ભોજનના સંચાલનની કામગીરી સોંપતો સત્તાવાર હુકમ કર્યા બાદ બાદ શિક્ષણવિદો અને વાલીઓ સહિત અનેક વર્ગોમાં ભારે નારાજગી અને વિરોધનો સૂર ઉઠ્યો છે. જસદણ પ્રાંત અધિકારીએ હુકમ રદ કરતાં જણાવ્યું હતું કે ઘેલા સોમનાથ મંદિરમાં ભોજન વ્યવસ્થામાં શિક્ષકોને જવાબદારી સોંપાતાં વિવાદ થયો હતો. શિક્ષકો સ્વેચ્છાએ સેવા આપવા જશે.

શિક્ષકો સ્વેચ્છાએ દર વર્ષે સેવા આપવા જતા હોય છે

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના ઉપપ્રમુખ શાંતુભાઈ મોડાએ જણાવ્યું હતું કે ઘેલા સોમનાથ મંદિરમાં શિક્ષકોને જવાબદારી સોંપવામાં આવી હતી. પ્રાંત અધિકારી દ્વારા હુકમ રદ કરાયો છે. શિક્ષકો સ્વેચ્છાએ દર વર્ષે સેવા આપવા જતા હોય છે. અમારે હુકમની કોઈ જરૂર હોતી નથી. શિક્ષકો મંદિરમાં સેવા કરવા જશે. કોઈ અધિકારી દ્વારા દબાણ કે પ્રેશર આપવામાં આવતું નથી. અધિકારીઓ દ્વારા ફરજિયાત હુકમ કરવામાં આવતા નથી. શાળા સમય બાદ શિક્ષકો સેવા આપવા જતા હોય છે.

Back to top button