મગફળીનો બમ્પર પાક છતાં સિંગતેલે તોડ્યો રેકોર્ડ: ડબ્બાનો ભાવ 3,020 રુપિયા સુધી પહોંચ્યો
Groundnut Oil Prices: ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન અને વાવેતર બંને મજબૂત હોવા છતાં સિંગતેલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સાતમ-આઠમના તહેવારો પૂર્ણ થતાં જ રાજકોટ તેલબજારમાં ફરી તેજીનો દોર શરૂ થયો છે. આજે સિંગતેલના ડબ્બાના ભાવમાં વધુ રૂ.30નો વધારો થતાં ભાવ રૂ.2,970થી રૂ.3,020 સુધી પહોંચી ગયા છે.
ચાર દિવસમાં જ રૂ.70નો વધારો
જન્માષ્ટમી પહેલાં સિંગતેલના ડબ્બાના ભાવ રૂ.2,800થી રૂ.2,850 આસપાસ હતા. ત્યારબાદ માત્ર ચાર દિવસમાં જ આશરે રૂ.70નો વધારો નોંધાયો છે. ગત વર્ષે મગફળીનું ઉત્પાદન આશરે 52 લાખ ટન હોવા છતાં સિંગતેલનો ડબ્બો રૂ.2,400થી રૂ.2,500ની આસપાસ મળતો હતો. તેની સરખામણીએ આ વર્ષે ભાવ રૂ.500થી રૂ.600 જેટલા ઊંચા જોવા મળી રહ્યા છે.
મગફળીનું વાવેતર સામાન્ય કરતાં વધુ
ગુજરાતમાં મગફળીનું સામાન્ય વાવેતર આશરે 16.15 લાખ હેક્ટર રહે છે. તેની સામે આ વર્ષે વાવેતર વધીને આશરે 20.68 લાખ હેક્ટર સુધી પહોંચ્યું છે. એટલે કે રાજ્યમાં સામાન્ય કરતાં નોંધપાત્ર વધુ વિસ્તારમાં મગફળીનું વાવેતર થયું છે. દેશભરમાં પણ મગફળીનું વાવેતર આશરે 50.45 લાખ હેક્ટર નોંધાયું છે, જ્યારે ગત વર્ષે આ આંકડો 50.66 લાખ હેક્ટર હતો.
જૂનો સ્ટોક ઉપલબ્ધ, નવો માલ પણ બજારમાં
બજાર સાથે જોડાયેલા વર્તુળોના જણાવ્યા મુજબ ગત વર્ષની મગફળીનો જથ્થો હજુ બજારમાં ઉપલબ્ધ છે અને નવરાત્રી બાદ નવા પાકની આવક પણ વધવાની અપેક્ષા છે. આમ છતાં સિંગતેલના ભાવમાં વધારાને લઈને ગ્રાહકો અને વેપારી વર્ગમાં સવાલો ઊભા થઈ રહ્યા છે.
કેટલાક વર્તુળો શોર્ટ સપ્લાયને ભાવવધારાનું કારણ ગણાવી રહ્યા છે, જ્યારે અન્ય લોકો સપ્લાય મેનેજમેન્ટ અને બજારમાં ભાવ નિયંત્રણની અસરકારક વ્યવસ્થા અંગે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
સામાન્ય પરિવારના બજેટ પર સીધી અસર
સિંગતેલ ગુજરાતના મોટા ભાગના ઘરોમાં રોજિંદા ઉપયોગમાં લેવાતું ખાદ્ય તેલ છે. તેથી તેમાં થતો સતત ભાવવધારો સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોના રસોડાના બજેટ પર સીધી અસર કરે છે.
ખાદ્ય ચીજવસ્તુઓના વધતા ભાવ વચ્ચે હવે ગ્રાહકોની નજર સરકાર અને બજાર નિયામક તંત્ર પર છે કે સિંગતેલના ભાવમાં આવી રહેલી તેજી અંગે કોઈ અસરકારક પગલાં લેવામાં આવે છે કે નહીં.
બમ્પર ઉત્પાદન છતાં ભાવ કેમ વધી રહ્યા છે?
મુખ્ય પ્રશ્ન એ છે કે રાજ્યમાં મગફળીનું ઉત્પાદન ઊંચું છે, વાવેતર પણ સામાન્ય કરતાં વધુ છે અને જૂનો જથ્થો પણ બજારમાં ઉપલબ્ધ છે, ત્યારે સિંગતેલના ભાવ રેકોર્ડ સપાટીએ કેમ પહોંચી રહ્યા છે? બજારમાં પૂરવઠો, સ્ટોક, માગ અને ભાવ નિર્ધારણની સ્થિતિ અંગે વધુ પારદર્શકતા લાવવાની માંગ હવે ફરી ઉઠી રહી છે.
આ પણ વાંચો: ‘I am sorry for my actions’: MSU ક્લાસરૂમમાં KISSનો વીડિયો વાયરલ થતાં વિદ્યાર્થિનીએ માફી માગી











