ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદ કોંગ્રેસમાં આંતરિક અસંતોષનો વિસ્ફોટ: શહેર પ્રમુખ સોનલબેન પટેલ સામે વોર્ડ પ્રમુખો અને કાર્યકરોનો ખુલ્લો મોરચો

Ahmedabad Congress Controversy: અમદાવાદ શહેર કોંગ્રેસ સંગઠનમાં લાંબા સમયથી ચાલી રહેલો આંતરિક અસંતોષ અને જૂથવાદ ફરી એકવાર ઉઘાડો પડ્યો છે. શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલની કાર્યશૈલી સામે પાયાના કાર્યકરો અને વોર્ડ પ્રમુખોએ બળવો પોકાર્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળ આવતા 15 થી 16 જેટલા વોર્ડ પ્રમુખોને કોઈપણ યોગ્ય કારણ કે નોટિસ વગર હટાવવાની હિલચાલ શરૂ થતાં સંગઠનમાં વિરોધનો વંટોળ ઊભો થયો છે. આ ઉપરાંત સ્કૂલ બોર્ડનું સભ્યપદ મેળવવા તેમજ લોકઆંદોલનોમાં નિષ્ફળ રહેવાના આક્ષેપો સાથે શહેર પ્રમુખને બદલવાની માંગ બુલંદ બની છે.

સોનલબેન પટેલે વિરોધ વચ્ચે આપ્યો સ્પષ્ટ ખુલાસો

સમગ્ર વિવાદ અંગે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “જે વોર્ડ પ્રમુખો નિષ્ક્રિય હોય કે ચૂંટણી પછી દેખાતા ન હોય તેમને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અમારા સિનિયર નેતાઓ સ્થળ પર જઈને નવા પ્રમુખો નક્કી કરી રહ્યા છે.” તેમણે ઉમેર્યું કે વોર્ડ પ્રમુખ તરીકે સમય આપવો જરૂરી છે અને પ્રભારીઓ આ અંગે ચર્ચા કરવા જ જઈ રહ્યા છે. કોઈને અસંતોષ હોય તો તેમણે પ્રદેશ પ્રમુખ સમક્ષ રજૂઆત કરવી જોઈએ.

સભ્યપદ વિવાદ પર શહેર પ્રમુખનો બચાવ

સ્કૂલ બોર્ડમાં કાર્યકરનો હક છીનવી પોતે સભ્ય બનવાના આક્ષેપ અંગે સોનલબેન પટેલે સ્પષ્ટતા કરી હતી કે, “સ્કૂલ બોર્ડ માટે ત્રણ નામો નક્કી કરવામાં આવ્યા હતા. તેમાંથી એક નામ પર પૂર્વ ધારાસભ્ય અને બીજા નામ પર વર્તમાન ધારાસભ્યનો સખત વિરોધ હતો. છેલ્લે સુધી વિરોધ ચાલતાં આખરે મારું નામ મૂકવામાં આવ્યું હતું.” તેમણે વધુમાં ઉમેર્યું કે સ્કૂલ બોર્ડના સભ્ય બનવું એ કોઈ રાજ્યસભાના મેમ્બર બનવા જેવી જબરદસ્ત જગ્યા નથી, ત્યાં માત્ર સ્કૂલોનું કામ જ જોવાનું હોય છે.

નોટિસ વિના 5 પ્રમુખોને હટાવ્યા

સ્થાનિક ચૂંટણી પરિણામો બાદ પક્ષના નબળા પ્રદર્શનનો દોષ આપીને નવરંગપુરા, જોધપુર, મક્તમપુરા, વટવા અને રામોલ-હાથીજણ વોર્ડના પ્રમુખોને કોઈ ખુલાસા વિના હટાવી દેવાયા હતા. આશ્ચર્યની વાત એ છે કે જૂના પ્રમુખોને હટાવ્યા બાદ આજદિન સુધી ત્યાં નવા પ્રમુખોની નિમણૂક થઈ શકી નથી. હવે ફરીથી અન્ય 15 થી 16 સક્રિય વોર્ડ પ્રમુખોને હટાવવાની તજવીજ શરૂ થતાં કાર્યકરો સવાલ ઉઠાવી રહ્યા છે કે, જો નિષ્ફળતાનો દોષ નીચેના સ્તરે જ આપવાનો હોય તો શહેર કક્ષાના શીર્ષ નેતૃત્વની જવાબદારી કેમ નક્કી કરવામાં આવતી નથી?

નેતૃત્વથી પાયાના કાર્યકરોમાં ભારે નિરાશા

વિધાનસભા અને સ્થાનિક ચૂંટણીઓ દરમિયાન ટિકિટ ફાળવણી બાદ પણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેવાની શરમજનક ઘટનાઓ બની હતી. કાર્યકરોનો સીધો આક્ષેપ છે કે સોનલબેન પટેલ આ નૈતિક જવાબદારી સ્વીકારવાને બદલે પાયાના હોદ્દેદારો પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે. તેમની નિમણૂક બાદ પક્ષ તરફથી એકપણ મોટો કે અસરકારક કાર્યક્રમ આપવામાં આવ્યો નથી. તમામ પ્રવૃત્તિઓ માત્ર પૂર્વ અમદાવાદના ગણ્યા-ગાંઠ્યા વિસ્તારો પૂરતી સીમિત રહેતાં નવો યુવા વર્ગ પક્ષ સાથે જોડાતો નથી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

પૂર્વ પ્રમુખનો આક્રોશ

કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન અને પૂર્વ વોર્ડ પ્રમુખ ધીરુભાઈએ આક્રોશ ઠાલવતાં કહ્યું હતું કે, “અગાઉ કરતાં સારું પરિણામ લાવનારા પ્રમુખોને પણ સુનાવણી વગર સાઇડલાઇન કરી દેવાયા છે. બહારથી ઉમેદવારો લાવીને લાદવામાં આવ્યા, જેમાંથી કેટલાક ભાજપ સાથે વ્યાપારી હિત ધરાવતા હોવા છતાં શહેર પ્રમુખે સરેન્ડર થઈને તેમને ટિકિટો આપી દીધી.” તેમણે આક્ષેપ કર્યો કે પોતાની નિષ્ફળતા છુપાવવા માટે શહેર પ્રમુખ સક્રિય કાર્યકરોનું મનોબળ તોડી રહ્યા છે અને વિરોધ કરનારા સામે બદલાલક્ષી કાર્યવાહી કરવામાં આવે છે.

સંગઠનમાં ધરખમ ફેરફારની માંગ

અન્ય હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ (સ્કૂલ બોર્ડ) માં પક્ષ તરફથી પાયાના કાર્યકરને તક આપવાની જરૂર હતી, પરંતુ શહેર પ્રમુખે પોતાનું જ નામ આગળ ધરી સભ્યપદ મેળવી લીધું હતું. પક્ષના પાયાના કાર્યકરોમાં સૂર ઉઠ્યો છે કે જો આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં અમદાવાદ કોંગ્રેસને જીવંત રાખવી હોય તો શહેર પ્રમુખ સહિત સમગ્ર સંગઠન માળખામાં તાત્કાલિક ધોરણે ધરખમ ફેરફારો કરવા અત્યંત અનિવાર્ય છે.

આ પણ વાંચો: AMC જૂના 7 ફ્રેન્ચ વેલ ફરી શરૂ કરવાની તૈયારીમાં, રોજ 17 કરોડ લિટર પાણીનો થઈ શકે ઉમેરો

Back to top button