ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ઉત્તર ગુજરાતમાં સિઝનનો સૌથી વધુ વરસાદ, જાણો રાજ્યના અન્ય ઝોનની શું છે સ્થિતિ

ગાંધીનગર, તા. 31 ઓગસ્ટ, 2025: ગુજરાતમાં ચોમાસાએ જમાવટ કરી છે. રાજ્યમાં અત્યાર સુધીનો સરેરાશ 89.92 ટકા વરસાદ વરસ્યો છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના આંકડા મુજબ કચ્છમાં 85.14 ટકા, ઉત્તર ગુજરાતમાં 94.46 ટકા, પૂર્વ મધ્યમાં 88.63 ટકા, સૌરાષ્ટ્રમાં 84.29 ટકા તથા દક્ષિણ ગુજરાતમાં 93.70 ટકા વરસાદ વરસ્યો હતો.

સરદાર સરોવર ડેમ હાલ 90.64 ટકા ભરાયેલો છે. જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં 80.04 ટકા જળસંગ્રહ છે. રાજ્યમાં 78 ડેમ 100 ટકા ભરાયેલા છે અને 106 ડેમ હાઈ એલર્ટ પર છે. રાજ્યમાં સાર્વત્રિક સારો વરસાદ થયો હોવા છતાં 16 ડેમમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ છે.

રાજ્યમાં વરસાદના કારણે ખેડામાં 7, આણંદમાં 3, અરવલ્લીમાં 9, સાબરકાંઠામાં 2, વડોદરામાં 7, છોટા ઉદેપુરમાં 16, નર્મદામાં 1, મહિસાગરમાં 1, પંચમહાલમાં 4, દાહોદમાં 2, સુરતમાં 20,નવસારીમાં 17, વલસાડમાં 7, ડાંગમાં 1, રાજકોટમાં 1, જામનગરમાં 2, દેવભૂમિ દ્વારકામાં 1, ભાવનગરમાં 6, જુનાગઢમા 10, અમરેલીમાં 4, પોરબંદરમાં 25 સહિત કુલ 146 રોડ રસ્તા બંધ છે.

હવામાન વિભાગ દ્વારા 5 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરવામાં આવી છે. રાજ્યની આસપાસ ત્રણ વરસાદી સિસ્ટમો સક્રિય થઈ હોવાથી, આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 31 ઓગસ્ટ, રવિવારે ગુજરાતના 19 જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડનો સમાવેશ થાય છે. હવામાન વિભાગે જણાવ્યું કે, દક્ષિણ-પૂર્વ મધ્યપ્રદેશ અને ઉત્તર કોંકણમાં સાયક્લોનિક સર્ક્યુલેશન તેમજ બિકાનેરથી પસાર થતી મોનસૂન ટ્રફ આ વરસાદનું કારણ છે.

દરિયામાં ભારે પવન અને ઊંચા મોજા ઉછળવાની શક્યતાને પગલે હવામાન વિભાગ દ્વારા માછીમારોને આગામી સૂચના ન મળે ત્યાં સુધી દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી હતી. વરસાદની આગાહીને પગલે રાજ્યના વહીવટીતંત્રને પણ સાવચેત રહેવા અને નીચાણવાળા વિસ્તારોમાં સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર રહેવા જણાવાયું હતું.

આ પણ વાંચોઃ ચીનમાં SCO સમિટઃ મોદી, જિનપિંગ અને પુતિનની મુલાકાત પર વિશ્વની નજર

Back to top button