ગુજરાતમાં મેઘપ્રલય: અનેક સ્ટેટ હાઇવે બંધ, નવસારી-સુરતથી SOU સુધી વાહનવ્યવહાર ઠપ

Gujarat Rain: ગુજરાતમાં અવિરત ધોધમાર વરસાદે જનજીવનને ગંભીર અસર પહોંચાડી છે. દક્ષિણ, મધ્ય અને પશ્ચિમ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા સ્ટેટ હાઇવે પર પાણી ફરી વળ્યા છે. નવસારી-સુરત સ્ટેટ હાઇવે, વડોદરા-સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) માર્ગ અને લીંબડી-સુરેન્દ્રનગર સ્ટેટ હાઇવે સહિતના મહત્ત્વપૂર્ણ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી છે. અનેક ગામો સંપર્કવિહોણા બન્યા છે, જ્યારે હજારો વાહનો રસ્તામાં ફસાઈ ગયા છે.
નવસારી-સુરત સ્ટેટ હાઇવે પાણીમાં ગરકાવ
નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે શહેરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. વેરાવળ જકાતનાકાથી APMC સુધીનો મુખ્ય માર્ગ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. નવસારી-સુરત સ્ટેટ હાઇવે પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર બંધ કરી દેવાયો છે.
આ માર્ગ પરથી રોજ સુરત આવન-જાવન કરતા હજારો નોકરીયાતો અને વેપારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લાંબી વાહનોની કતારો સર્જાઈ છે, જ્યારે એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ જેવી ઇમરજન્સી સેવાઓ પણ અસરગ્રસ્ત બની છે.
વડોદરા-SOU રોડ પણ બંધ
મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ અને દેવ ડેમમાંથી પાણી છોડાતા વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતો મુખ્ય માર્ગ બંધ કરવો પડ્યો છે. થુવાવી ત્રણ રસ્તા પાસે પાણી ફરી વળતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે અટકી ગયો છે.
આ માર્ગ પરથી દરરોજ અંદાજે 50 હજારથી વધુ વાહનો પસાર થાય છે. માર્ગ બંધ થતાં પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્રે લોકોને આ માર્ગનો ઉપયોગ ન કરવા અપીલ કરી છે.
સુરેન્દ્રનગરમાં મેઘરાજાનો કહેર
સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ભારે વરસાદે વિકટ સ્થિતિ ઊભી કરી છે. લીંબડી-સુરેન્દ્રનગર સ્ટેટ હાઇવે પર સમલા અને રઈ સાંકળી પાસે રોડ પર પાણી ફરી વળતાં હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે.
લખતર તાલુકાનું લરખડીયા ગામ ચારેય બાજુથી પાણીથી ઘેરાઈ જતાં બેટમાં ફેરવાઈ ગયું છે. ઉમઈ નદીમાં આવેલા પૂરને કારણે ગામનો તાલુકા મથક સાથેનો સંપર્ક તૂટી ગયો છે.
લીલાપુર ગામમાં પણ એક તરફ ઉમઈ નદી અને બીજી તરફ રેલવે અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થતાં ગામ સંપર્કવિહોણું બન્યું છે. તેના કારણે કારેલા, ઈંગરોળી અને સવલાણા સહિત ચારથી વધુ ગામોનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે.
બે કલાકમાં ધ્રાંગધ્રામાં 4.41 ઇંચ વરસાદ
શનિવારે સવારે 6થી 12 વાગ્યા દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં સૌથી વધુ 6.18 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે માત્ર બે કલાકમાં ધ્રાંગધ્રામાં 4.41 ઇંચ વરસાદ વરસ્યો હતો.
ભારે વરસાદને કારણે નાયકા ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર એલર્ટ પર છે.
ગટર વ્યવસ્થા અને સફાઈ સામે સ્થાનિકોમાં રોષ
સુરેન્દ્રનગર શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહેવાસીઓનો આક્ષેપ છે કે GUDCની ગટર લાઇનનો અભાવ, કાસની યોગ્ય સફાઈ ન થવી, ગેરકાયદે દબાણો અને ચોકઅપ ડ્રેનેજને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
8થી 10 જેટલી સોસાયટીઓમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં લોકો ઘરોમાં જ પુરાઈ ગયા છે. ગંદા પાણી ઘરોમાં ઘૂસતાં અનેક પરિવારોને સુરક્ષિત સ્થળે ખસવું પડ્યું છે.
તંત્રની અપીલ
હવામાન વિભાગે હજુ પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. વહીવટી તંત્રે નદી-નાળા, નીચાણવાળા વિસ્તારો અને બંધ કરાયેલા માર્ગો તરફ ન જવાની તેમજ જરૂરી હોય ત્યારે જ મુસાફરી કરવાની અપીલ કરી છે.












