ગુજરાતમાં વરસાદ જતા જતા આ વિસ્તારમાં ગાભા કાઢશે, જાણો છેલ્લા 24 કલાકના આંકડા

અમદાવાદ, તા. 14 સપ્ટેમ્બર, 2025: ગુજરાતમાંથી ચોમાસું વિદાય લે તે પહેલા અનેક વિસ્તારોને ધમરોળશે. આ દરમિયાન સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 34 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધારે હતું.
ખેરગામમાં 2.91 ઇંચ, ડાંગમાં 2.13 ઇંચ, કપરાડામાં 1.73 ઇંચ, વાપીમાં 1.06 ઇંચ, ભાણવડમાં 1.02 ઇંચ, પારડીમાં 0.98 ઇંચ, ધરમપુરમાં 0.83 ઇંચ, વઘઈમાં 0.83 ઇંચ, ચીખલીમાં 0.67 ઇંચ, ઉમરગાવમાં 0.67 ઇંચ, વલસાડમાં 0.55 ઇંચ, ગારિયાધારમાં 0.39 ઇંચ, કામરેજમાં 0.35 ઇંચ, લાઠીમાં 0.28 ઇંચ, સુબીરમાં 0.24 ઇંચ, બગસરામાં 0.20 ઇંચ વરસાદ પડ્યો હતો. આ સિવાયના 19 તાલુકામાં ઝરમર વરસાદ વરસ્યો હતો.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે, બે સિસ્ટમની અસરના પગલે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સાથે થંડર
સ્ટોર્મની આગાહી કરવામાં આવી છે. તેની સાથે જ બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ બની છે. આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.
હવામાન વિભાગે આગામી ચાર દિવસ દરમિયાન હળવા થંડર સ્ટોર્મની આગાહી કરી હતી. જેમાં પવનની ગતિ ૩૦થી ૪૦
કિલોમીટર પ્રતિ કલાક રહેવાની સંભાવના છે. ભારે વરસાદના એંધાણના પગલે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના
વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી હતી. રાજ્યમાં આજે દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગર હવેલીમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવનાને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.












