ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

24 કલાક બાદ ગુજરાતમાં વરસાદનું જોર વધશે, 12થી 15 સપ્ટેમ્બર ભારે વરસાદની આગાહી

Gujarat Rain Forecast: ગુજરાતમાં ફરી એકવાર ચોમાસું સક્રિય થવાના સંકેત મળી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાક બાદ રાજ્યમાં વરસાદનું જોર વધશે. 12થી 15 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે તો કેટલાક સ્થળોએ અતિભારે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.

આજે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ

અમદાવાદમાં આજે (11 સપ્ટેમ્બર, શુક્રવાર) દિવસ દરમિયાન મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. હાલ વરસાદની ગતિવિધિ મર્યાદિત રહેવાની શક્યતા છે, પરંતુ શનિવારથી વાતાવરણમાં ફેરફાર જોવા મળશે. હવામાન વિભાગના સ્થાનિક પૂર્વાનુમાન અનુસાર 12 સપ્ટેમ્બરે અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ અને 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. 13 સપ્ટેમ્બરે શહેરમાં ભારે વરસાદની પણ આગાહી છે.

12 સપ્ટેમ્બરથી વરસાદનું જોર વધશે

બંગાળની ખાડી અને તેની આસપાસ સર્જાયેલું લો-પ્રેશર એરિયા તથા તેની સાથે સંકળાયેલું અપર એર સાઈક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતના હવામાનને અસર કરશે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને આસપાસના વિસ્તારો પર અપર એર સર્ક્યુલેશન સક્રિય હોવાથી રાજ્યમાં વરસાદી ગતિવિધિ વધવાની શક્યતા છે. 12 સપ્ટેમ્બરે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના આ વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

IMD

13 સપ્ટેમ્બરે અનેક જિલ્લામાં ભારે વરસાદ

13 સપ્ટેમ્બરે વરસાદનું જોર વધુ વધવાની શક્યતા છે. ડાંગ, નવસારી અને વલસાડ સહિતના દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત અને તાપીમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદ સહિતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

14 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા

14 સપ્ટેમ્બરે ડાંગ, નવસારી અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત અને તાપીમાં ભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદમાં પણ વરસાદનું જોર જોવા મળી શકે છે. 15 સપ્ટેમ્બરે વરસાદનું મુખ્ય જોર સૌરાષ્ટ્ર તરફ ખસે તેવી શક્યતા છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારો માટે યલો એલર્ટની સ્થિતિ રહી શકે છે.

ગાજવીજ સાથે 30થી 40 કિમીની ઝડપે પવન

વરસાદ દરમિયાન કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને વીજળી સાથે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ છે. લોકોને વીજળી પડતી હોય ત્યારે ખુલ્લી જગ્યાઓ, ઝાડ નીચે કે વીજપોલ નજીક ઊભા ન રહેવાની સલાહ આપવામાં આવે છે. હવામાનની સિસ્ટમની ગતિ પ્રમાણે જિલ્લાવાર આગાહીમાં ફેરફાર થઈ શકે છે, તેથી લોકોને હવામાન વિભાગની તાજી ચેતવણીઓ પર નજર રાખવાની સલાહ છે.

આ પણ વાંચોઃ ઓનલાઈન ખરીદીમાં મોટા ફેરફાર, ડિસ્કાઉન્ટ સાથે 30 દિવસની સૌથી ઓછી કિંમત બતાવવી પડશે
Back to top button