ટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસયુટિલીટી

ઓનલાઈન ખરીદીમાં મોટા ફેરફાર, ડિસ્કાઉન્ટ સાથે 30 દિવસની સૌથી ઓછી કિંમત બતાવવી પડશે

E-Commerce New Rules: ઓનલાઈન ખરીદી કરતા ગ્રાહકોને ડિસ્કાઉન્ટના નામે ગેરમાર્ગે દોરવાનું હવે ઈ-કોમર્સ કંપનીઓ માટે મુશ્કેલ બનશે. કેન્દ્ર સરકારે ગ્રાહક સુરક્ષા સંબંધિત ઈ-કોમર્સ નિયમોમાં મહત્વના ફેરફારો કર્યા છે. સુધારેલા નિયમો આગામી જાન્યુઆરીથી લાગુ થવાની શક્યતા છે. નવા નિયમોમાં ભાવ, ડિસ્કાઉન્ટ, જાહેરાત, રિફંડ, વોરંટી અને ગ્રાહકોની વ્યક્તિગત માહિતી અંગે વધુ પારદર્શિતા લાવવાની જોગવાઈ કરવામાં આવી છે.

ડિસ્કાઉન્ટ સાથે જૂની કિંમત પણ બતાવવી પડશે

નવા નિયમોની સૌથી મહત્ત્વની જોગવાઈ ડિસ્કાઉન્ટ સંબંધિત છે. કોઈ ઈ-કોમર્સ કંપની કોઈ પ્રોડક્ટની કિંમતમાં ઘટાડો જાહેર કરશે ત્યારે તેને હાલની ડિસ્કાઉન્ટેડ કિંમતની સાથે અગાઉની કિંમત પણ બતાવવી પડશે. અહીં ‘અગાઉની કિંમત’ તરીકે ડિસ્કાઉન્ટની જાહેરાત કરતાં પહેલાંના 30 દિવસ દરમિયાન જે સૌથી ઓછી કિંમતે તે પ્રોડક્ટ વેચાઈ હોય તે કિંમત દર્શાવવાની રહેશે.

આ નિયમ ખાસ કરીને તહેવારો દરમિયાન થતી મોટા ઓનલાઈન સેલમાં મહત્ત્વનો સાબિત થઈ શકે છે. ઘણી વખત મોટા ટકા ડિસ્કાઉન્ટ દર્શાવવામાં આવે છે, પરંતુ ગ્રાહક માટે ખરેખર કેટલી કિંમત ઘટી છે તે સમજવું મુશ્કેલ બને છે. નવી વ્યવસ્થાથી ગ્રાહક ભાવની તુલના વધુ સરળતાથી કરી શકશે.

સર્ચ રિઝલ્ટમાં પણ મનમાની નહીં ચાલે

ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા ગ્રાહક સુરક્ષા (ઈ-કોમર્સ) નિયમોમાં કરવામાં આવેલા સુધારામાં સર્ચ રિઝલ્ટની પારદર્શિતા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. કંપનીઓ એવી રીતે સર્ચ રિઝલ્ટ મેનિપ્યુલેટ નહીં કરી શકે કે ગ્રાહક કોઈ ખાસ પ્રોડક્ટ તરફ ગેરમાર્ગે દોરાય. ચૂકવણી કરીને પ્રમોટ કરવામાં આવતા પ્રોડક્ટ અથવા સર્ચ રિઝલ્ટ પર તે પ્રાયોજિત અથવા જાહેરાત આધારિત પરિણામ છે તેવી માહિતી સ્પષ્ટ રીતે દર્શાવવી પડશે. તેના કારણે ગ્રાહક સામાન્ય સર્ચ રિઝલ્ટ અને પૈસા ચૂકવીને પ્રમોટ કરવામાં આવેલા પરિણામ વચ્ચેનો તફાવત જાણી શકશે.

રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઈન સાથે જોડાવું પડશે

નવા નિયમો મુજબ ઈ-કોમર્સ કંપનીઓએ રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઈન સાથે જોડાવું પડશે. આ વ્યવસ્થાનો હેતુ ઓનલાઈન ખરીદી સંબંધિત ફરિયાદોના ઝડપી ઉકેલ માટે ગ્રાહકોને વધુ અસરકારક પ્લેટફોર્મ આપવાનો છે. આપેલી માહિતી મુજબ વર્ષ 2025 દરમિયાન રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઈન પર આવેલી કુલ 17.7 લાખ ફરિયાદોમાંથી લગભગ 29 ટકા ફરિયાદો ઈ-કોમર્સ ક્ષેત્ર સાથે સંકળાયેલી હતી.

ફરિયાદની નકલ પણ ગ્રાહકને મળશે

ઈ-કોમર્સ કંપની પાસે ગ્રાહક ફરિયાદ નોંધાવે તો કંપનીએ ફરિયાદ અધિકારી પાસે નોંધાયેલી ફરિયાદની નકલ ફરિયાદકર્તાને આપવી પડશે. આ જોગવાઈથી ફરિયાદ ક્યાં સુધી પહોંચી છે અને ગ્રાહકે કઈ બાબત અંગે ફરિયાદ કરી હતી તેનો સ્પષ્ટ રેકોર્ડ ઉપલબ્ધ રહેશે.

રીટર્ન, રિફંડ અને વોરંટીની માહિતી સ્પષ્ટ આપવી પડશે

કંપનીઓએ પ્રોડક્ટ ખરીદતા પહેલાં ગ્રાહકને જરૂરી તમામ માહિતી સ્પષ્ટ રીતે બતાવવી પડશે. તેમાં પ્રોડક્ટની બેસ્ટ બીફોર અથવા યુઝ બીફોર તારીખ, રિટર્ન પોલિસી, રિફંડની શરતો, વોરંટી, ડિલિવરીનો સમય અને પેમેન્ટ સંબંધિત નિયમોનો સમાવેશ થશે. આથી ખરીદી કર્યા પછી રિફંડ, રિટર્ન અથવા વોરંટી અંગે થતા વિવાદોમાં ઘટાડો થવાની અપેક્ષા છે.

આયાતી માલમાં Country of Originની માહિતી ફરજિયાત

વિદેશમાંથી આયાત કરવામાં આવેલા ઉત્પાદનો માટે ઈ-કોમર્સ પ્લેટફોર્મે આયાતકારની વિગતો પણ આપવી પડશે. સાથે જ પ્રોડક્ટ કયા દેશમાં બનાવવામાં આવી છે એટલે કે Country of Originની માહિતી પણ ગ્રાહકને સ્પષ્ટ રીતે ઉપલબ્ધ કરાવવાની રહેશે. આ જોગવાઈનો હેતુ ગ્રાહકને ખરીદીનો નિર્ણય લેતાં પહેલાં પ્રોડક્ટ વિશે જરૂરી માહિતી ઉપલબ્ધ કરાવવાનો છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ગ્રાહકના પર્સનલ ડેટા માટે પણ કડક નિયમ

સુધારેલા નિયમોમાં ગ્રાહકોની વ્યક્તિગત માહિતીની સુરક્ષાને પણ મહત્વ આપવામાં આવ્યું છે. ગ્રાહકની સ્પષ્ટ સંમતિ વિના તેની વ્યક્તિગત માહિતીનો નક્કી કરાયેલા હેતુ સિવાય અન્ય ઉપયોગ કરી શકાશે નહીં. આ જોગવાઈથી ગ્રાહકના ડેટાનો અનધિકૃત માર્કેટિંગ અથવા અન્ય હેતુ માટે ઉપયોગ થતો અટકાવવામાં મદદ મળી શકે છે. ઈ-કોમર્સ કંપની ગ્રાહકે ખરીદેલા મુખ્ય પ્રોડક્ટ અથવા સેવા સાથે કોઈ અસંબંધિત પ્રોડક્ટ અથવા સેવા જોડીને ફરજિયાત વધારાની ફી નહીં વસૂલી શકે. એટલે કે ગ્રાહકે પસંદ ન કરેલી સેવા માટે બંડલ ફી અથવા વધારાનો ચાર્જ આપમેળે ઉમેરવાની પ્રથા પર પણ અંકુશ આવશે.

ગ્રાહકોને શું ફાયદો થશે?

નવા નિયમોથી ઓનલાઈન ખરીદીમાં ભાવ અને ડિસ્કાઉન્ટ વધુ પારદર્શક બનશે. ગ્રાહક જાણી શકશે કે જે પ્રોડક્ટ પર મોટું ડિસ્કાઉન્ટ બતાવવામાં આવ્યું છે તે ખરેખર અગાઉ કેટલી કિંમતે વેચાઈ રહી હતી. સાથે જ પ્રાયોજિત જાહેરાતોની ઓળખ, રિટર્ન-રિફંડની સ્પષ્ટ માહિતી, આયાતી માલની વિગતો અને વ્યક્તિગત ડેટાના ઉપયોગ અંગેના નિયમોથી ગ્રાહક અધિકારો વધુ મજબૂત બનવાની અપેક્ષા છે. આ સુધારાઓ અમલમાં આવ્યા બાદ ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર બનાવટી અથવા ભ્રામક મોટા ડિસ્કાઉન્ટના દાવા કરવા પણ વધુ મુશ્કેલ બનશે.

આ પણ વાંચોઃ ભારતમાં પેપ્સિકોની મોટી દાવ : 2030 સુધીમાં દેશમાં કરશે 5700 કરોડનું જંગી રોકાણ
Back to top button