20 દિવસમાં 18 હજારથી વધુ વાહનો સામે કેસ, 4 હજારથી વધુ ડિટેઇનઃ ₹58.56 લાખનો દંડ વસૂલાયો

Gujarat Police: ગુજરાતમાં નંબર પ્લેટ વગરના, ચેડાં કરેલા અથવા ફેન્સી નંબર પ્લેટવાળા વાહનો સામે પોલીસ દ્વારા રાજ્યવ્યાપી વિશેષ ટ્રાફિક ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. 1 સપ્ટેમ્બરથી શરૂ થયેલી આ ઝુંબેશ હેઠળ 20 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યભરમાં કુલ 18,014 કેસ નોંધવામાં આવ્યા છે. રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલી આ ઝુંબેશ 14 ઓક્ટોબર 2026 સુધી ચાલુ રહેશે. માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા અને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવાના હેતુથી પોલીસ દ્વારા શહેરો અને જિલ્લાઓમાં સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
4,187 વાહનો ડિટેઇન
પોલીસના જણાવ્યા મુજબ, નંબર પ્લેટ સાથે ચેડાં કરવાના તેમજ નિયમોનું ઉલ્લંઘન કરવાના કેસોમાં 4,187 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે. ટ્રાફિક નિયમોના ભંગ બદલ અત્યાર સુધીમાં કુલ ₹58.56 લાખ જેટલો દંડ પણ વસૂલવામાં આવ્યો છે.
વડોદરામાં સૌથી વધુ 1,959 કેસ
વિશેષ ટ્રાફિક ડ્રાઇવ દરમિયાન વડોદરા શહેરમાં 1,959 કેસ કરવામાં આવ્યા છે. સુરત શહેરમાં 1,786 કેસ જ્યારે બનાસકાંઠા જિલ્લામાં 1,363 કેસ નોંધાયા છે. રાજ્યના પોલીસ વડાની સૂચના બાદ તમામ શહેરો અને જિલ્લાઓમાં ટ્રાફિક પોલીસ દ્વારા નંબર પ્લેટની તપાસ વધુ સઘન બનાવવામાં આવી છે.
ફેન્સી નંબર પ્લેટ રાખશો તો થઈ શકે કાર્યવાહી
સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના એસપી વી. સાહિત્યાએ વાહનચાલકોને પોતાના વાહનો પર નિયમાનુસાર સ્પષ્ટ અને સરળતાથી વાંચી શકાય તેવી નંબર પ્લેટ લગાવવાની અપીલ કરી છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે ફેન્સી ફોન્ટવાળી, વાહન નંબર છુપાવતી, નંબર સાથે ચેડાં કરેલી અથવા સ્ટાઇલિશ નંબર પ્લેટનો ઉપયોગ નિયમવિરુદ્ધ છે અને આવા વાહનચાલકો સામે કાયદેસરની દંડનીય કાર્યવાહી થઈ શકે છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
14 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે ઝુંબેશ
ગુજરાત પોલીસની આ વિશેષ ઝુંબેશ 14 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. પોલીસ તંત્ર દ્વારા નિયમભંગ કરનારાઓ સામે કાર્યવાહી વધુ સઘન બનાવવામાં આવશે. પોલીસે વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને વાહન પર નિયમ મુજબની સ્પષ્ટ નંબર પ્લેટ જ લગાવવા અપીલ કરી છે.












