બાળમજૂરી સામે મોટી કાર્યવાહી: 14 દિવસમાં 84 બાળમજૂરોને મુક્ત કરાવ્યાં, 26 લોકો સામે કેસો નોંધ્યાં

Operation Childhood Freedom in Gujarat: ગુજરાત પોલીસ દ્વારા બાળમજૂરી સામે રાજ્યવ્યાપી અભિયાન “ઓપરેશન ચાઇલ્ડહુડ ફ્રીડમ” અંતર્ગત પ્રથમ 14 દિવસમાં 84 બાળમજૂરોને મુક્ત કરાવવામાં આવ્યા છે. આ દરમિયાન 16 ગુનાઓ નોંધાયા છે અને 26 આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાજ્યના ડીજીપી જી.એસ. મલિક (DGP G.S. Malik)ના જણાવ્યા મુજબ આ અભિયાન માત્ર રેડ સુધી સીમિત નથી, પરંતુ મુક્ત કરાયેલા બાળકોના પુનર્વસન પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી 67 બાળકોનું પુનર્વસન કરવામાં આવ્યું છે અને તેમને ફરીથી શિક્ષણ સાથે જોડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલા આ અભિયાનનો મુખ્ય હેતુ “દરેક બાળક શાળામાં હોવો જોઈએ, કોઈપણ બાળક કામ પર ન હોવો જોઈએ” એવો છે. અભિયાન હેઠળ પોલીસ ઔદ્યોગિક વિસ્તારો, વેપાર એકમો, ફેક્ટરીઓ અને બાળમજૂરી થતી જગ્યાઓ પર સતત દરોડા પાડી રહી છે.
સુરત શહેરના કામરેજ વિસ્તારમાં તાજેતરમાં કરાયેલા દરોડામાં જય અંબે ટેક્સટાઇલ્સ નામના કારખાનામાંથી બે બાળકોને મુક્ત કરાવવામાં આવ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે બાળકોને રોજ માત્ર 200 રૂપિયા વેતન આપવામાં આવતું હતું અને સવારે 8 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી કામ કરાવવામાં આવતું હતું. માત્ર એક કલાકનો જમવાનો વિરામ આપવામાં આવતો હતો. વિરોધ કરવા પર બળજબરી કરવામાં આવતી હતી.
નવી ઔદ્યોગિક નીતિથી ગુજરાત બનશે ટેક્નોલોજી અને મેન્યુફેક્ચરિંગ હબ
પોલીસે આ બાળકોને રેસ્ક્યૂ કરીને તેમના પુનર્વસન માટે વ્યવસ્થા કરી છે અને તેમને ફરીથી શાળામાં દાખલ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. સંબંધિત કારખાના માલિક સામે ગુનો નોંધાયો છે. ક્રાઈમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (મહિલા સેલ)ના અધિક પોલીસ મહાનિર્દેશક અજય ચૌધરીએ જણાવ્યું કે બાળમજૂરીના કેસો મુખ્યત્ત્વે ટેક્સટાઇલ યુનિટ, હોટલ, રાઇસ મિલ અને નાના ઉદ્યોગોમાંથી મળી રહ્યા છે. ઘણા બાળકો બિહાર અને રાજસ્થાન જેવા રાજ્યોમાંથી લાવવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે, જેના કારણે ચાઇલ્ડ ટ્રાફિકિંગની દિશામાં પણ તપાસ ચાલી રહી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
અધિકારીઓના જણાવ્યા મુજબ આ અભિયાન હેઠળ માત્ર બાળમજૂરો રાખનારા જ નહીં પરંતુ સપ્લાય ચેઇન અને કોન્ટ્રાક્ટરો સુધીના નેટવર્કને પણ તોડી પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પ્રાથમિક વિશ્લેષણ મુજબ બાળમજૂરી પાછળ ગરીબી અને સ્થળાંતર મુખ્ય કારણો છે. બાળમજૂરી રોકવા માટે શ્રમ વિભાગ, બાળ કલ્યાણ સમિતિ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકલન કરીને કામગીરી કરવામાં આવી રહી છે. રાજ્ય પોલીસનો લક્ષ્ય 50,000થી વધુ સ્થળોની તપાસ કરવાનો અને 5,000થી વધુ બાળમજૂરોને મુક્ત કરાવવાનો છે. સાથે જ વેપારીઓ અને ફેક્ટરી માલિકોને બાળમજૂરી કાયદા તથા શિક્ષણના મહત્વ અંગે જાગૃત કરવા માટે પણ વિશેષ અભિયાન ચાલી રહ્યું છે.












