ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રખેતીગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાત

અમરેલીમાં સિંહણનો આતંક! યુવકનો શિકાર કર્યો; શરીરના અવશેષ મળ્યા

Lioness terror in Amreli!: અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક માનવભક્ષી સિંહણના હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સ્થાનિક હોટલ-રેસ્ટોરન્ટમાં કામ કરતો ઉત્તરાખંડનો પરપ્રાંતીય યુવક પ્રકાશ ચંદ્ર મોડી રાત્રે પોતાના વતન જવા નીકળ્યો હતો, ત્યારે સિંહણે તેના પર જીવલેણ હુમલો કર્યો હતો.

આ ભયાનક હુમલામાં યુવકનું મોત નીપજ્યું હતું. ઘટનાસ્થળેથી યુવકનું અડધું ખાધેલું માથું, પાંસળીના ટુકડા અને શરીરના અન્ય અવશેષો મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.

“અહીં સિંહો ખુલ્લેઆમ ફરે છે”

સ્થાનિક લોકોએ વનવિભાગ સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે વિસ્તારમાં આવેલી કંપનીઓમાં અનેક લોકો રાત્રિ શિફ્ટમાં કામ કરે છે, પરંતુ સિંહોની સતત અવરજવરથી લોકો ડરના માહોલમાં જીવી રહ્યા છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

એક સ્થાનિક રહીશે જણાવ્યું કે અહીં સિંહો કુતરાની જેમ ખુલ્લેઆમ ફરે છે. હાલમાં પણ કંપનીના ગેટ પાસે અનેક સિંહો બેઠેલા જોવા મળે છે. ટુ-વ્હીલર અથવા પગપાળા જતા લોકો માટે સુરક્ષા જ નથી.

સરપંચે કરી કડક માંગ

કોવાયા ગામના સરપંચ ઝીણાભાઈ લાખણોત્રાએ જણાવ્યું કે મૃતક યુવક અહીં રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો. સાંજે કેટલાક વન્ય પ્રાણીઓએ તેના પર હુમલો કરી તેને ખેંચીને દૂર લઈ ગયા હતા.

સરપંચે સરકાર અને વન મંત્રી સમક્ષ માંગ કરી કે આવી ઘટનાઓ અટકાવવા માટે સ્થાનિક ટ્રેકર્સની ભરતી કરવામાં આવે અને પીડિત પરિવારને તાત્કાલિક વળતર આપવામાં આવે. જો યોગ્ય પગલાં નહીં લેવાય તો ગામલોકો ઉગ્ર આંદોલન કરશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.

નરભક્ષી સિંહણને પકડવા મેગા ઓપરેશન

ઘટનાની જાણ થતાં જ રાજુલા રેન્જ વનવિભાગની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. પાલીતાણા શેત્રુંજી ડિવિઝનના અધિકારીઓ, RFO તેમજ વન્યજીવ ડોક્ટરોની ટીમોને તાત્કાલિક તહેનાત કરવામાં આવી છે.

વનવિભાગ દ્વારા નરભક્ષી સિંહણને પકડવા માટે મેગા ઓપરેશન હાથ ધરાયું છે. આસપાસના બાવળના ઝાડીઓમાં અન્ય સિંહો પણ છુપાયેલા હોવાની આશંકાને પગલે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવાયો છે.

હાલ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે અને લોકો વનવિભાગ પાસેથી કડક કાર્યવાહી તથા સુરક્ષાની માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો : શેરબજારમાં આજે પણ તેજીનો માહોલ, સેન્સેક્સ 76 હજાર પાર; નિફ્ટીમાં પણ મજબૂત વધારો

Back to top button