જમીન સોદામાં મોટી રાહત, ગુજરાત સરકારે 135-Dમાં સુધારો કરી પ્રક્રિયા બનાવી ઝડપી

Land Reforms: ગુજરાતના ખેડૂતો, મિલકત ખરીદનારાઓ અને સામાન્ય જનતા માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે જમીન મહેસૂલ અધિનિયમ-1879ની કલમ 135-Dમાં મહત્વપૂર્ણ સુધારો કરીને જમીન અને મિલકતના વેચાણ-ખરીદીની પ્રક્રિયાને ઘણી સરળ, ઝડપી અને પારદર્શક બનાવી છે.
રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી જમીન વેચાણના ઘણા કિસ્સામાં 30 દિવસની ફરજિયાત નોટિસના કારણે લોકોને લાંબી રાહ જોવી પડતી હતી. આ વિલંબનો ગેરલાભ લઈને કેટલાક અનિચ્છનીય તત્વો ખોટા વાંધા-વચકા ઉઠાવીને બ્લેકમેલિંગ કરતા હતા અને પૈસા પડાવતા હતા. આ સમસ્યાને ધ્યાનમાં લઈને સરકારે ખેડૂતો અને મધ્યમ વર્ગના હિતમાં આ સાહસિક પગલું ભર્યું છે.
નવા સુધારાની મુખ્ય વિશેષતાઓ
-વિવાદ વગરના સ્વચ્છ કિસ્સાઓમાં તે જ દિવસે પાકી એન્ટ્રી
જો છેલ્લા એક વર્ષમાં જમીનના રેકોર્ડમાં કોઈ ફેરફાર ન હોય, કોઈ લિટીગેશન કે દાવો પેન્ડિંગ ન હોય, શાંત કબજો હોય અને 7/12 પર દેખાતા તમામ હકદારોએ વેચાણ દસ્તાવેજ પર સહી કરી હોય, તો 135-Dની નોટિસ વગર જ તે જ દિવસે વેચાણની નોંધ પ્રમાણિત કરીને પાકી એન્ટ્રી કરવામાં આવશે. હવે લાંબી રાહ જોવાની જરૂર નહીં રહે.
– તપાસની જરૂરિયાતવાળા કિસ્સાઓમાં માત્ર 7 દિવસ
જો છેલ્લા એક વર્ષમાં ફેરફાર થયો હોય, પાવર ઓફ એટર્ની (PoA) દ્વારા વેચાણ હોય, તમામ હકદારોની સહી ન હોય અથવા કોઈ કેસ પેન્ડિંગ હોય તો નોટિસનો સમયગાળો 30 દિવસથી ઘટાડીને માત્ર 7 દિવસ કરવામાં આવ્યો છે. આ 7 દિવસમાં સાચા હકદારો પોતાના પુરાવા રજૂ કરી શકશે, જેથી કોઈને અન્યાય ન થાય.
– અદાલતી હુકમોની સીધી અમલવારી
સક્ષમ અદાલત કે ટ્રિબ્યુનલના હુકમોની નોંધ વખતે પણ હવે 135-Dની નોટિસની જરૂર રહેશે નહીં.
આ સુધારાથી થનારા લાભ
- ખેડૂતો, ફ્લેટ-દુકાન ખરીદનારા અને સામાન્ય જનતાને બિનજરૂરી વિલંબ અને કાયદાકીય ગૂંચવણમાંથી મુક્તિ.
- સીધી લીટીના વારસદારો વચ્ચેની તબદીલીમાં હેરાનગતિ બંધ.
- રેવન્યુ કોર્ટમાં અટવાયેલા કેસોનો ઝડપી નિકાલ.
- ભવિષ્યમાં તકરારી કેસોમાં ઘટાડો અને બ્લેકમેલિંગ જેવી પ્રવૃત્તિઓ પર અંકુશ.
- મિલકતના વ્યવહારો વધુ નિર્ભય અને પારદર્શક બનશે.
આ નિર્ણય માત્ર ખેતીની જમીન માટે જ નહીં, પરંતુ રહેણાંક મકાનો, ફ્લેટ અને દુકાનોના વ્યવહારો માટે પણ આશીર્વાદ સમાન છે. મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર મહેસૂલી તંત્રને વધુ આધુનિક, સમયબદ્ધ અને જનહિતકારી બનાવવાની દિશામાં સતત કામ કરી રહી છે.
આ સુધારો ખરેખર ક્રાંતિકારી છે કારણ કે તે લોકોની સમય અને પૈસાની બચત કરશે અને જમીન વ્યવહારમાં પારદર્શિતા વધારશે. જે લોકો જમીન-મિલકતના વ્યવહારમાં છે તેઓ હવે વધુ આત્મવિશ્વાસથી આગળ વધી શકશે.
આ પણ વાંચો: વિજ્ઞાન vs અંધશ્રદ્ધા: પોલીસ અને વિજ્ઞાન જાથાએ સાથે મળીને ભુવાજીના દાણા જોયા, નિકોલમાં ઢોંગી ભુવાનો પર્દાફાશ












