વિજ્ઞાન vs અંધશ્રદ્ધા: પોલીસ અને વિજ્ઞાન જાથાએ સાથે મળીને ભુવાજીના દાણા જોયા, નિકોલમાં ઢોંગી ભુવાનો પર્દાફાશ

Vigyan Jatha: અંધશ્રદ્ધાના નામે લોકોની લાચારીનો લાભ લઈ કરોડો રૂપિયા વસૂલતા એક ભુવાને અમદાવાદના નિકોલ વિસ્તારમાં ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે પોલીસની મદદથી પર્દાફાશ કર્યો. આ તેમની 1281મી સફળ કાર્યવાહી છે. આ ઘટના ફરી એકવાર ચેતવણી આપે છે કે જ્યાં વિજ્ઞાનનો પ્રકાશ ફેલાય છે, ત્યાં અંધશ્રદ્ધાનું અંધારું આપમેળે દૂર થઈ જાય છે. તેથી વિજ્ઞાનને પ્રાથમિકતા આપીને અંધશ્રદ્ધાથી દૂર રહેવું જ આધુનિક અને જાગૃત સમાજનો સાચો માર્ગ છે.
નિકોલની અશ્વમેઘ સોસાયટીમાં ઘરમાં જ માતાજીનો મઢ બનાવીને રાજુભાઈ પ્રજાપતિ ઉર્ફે રાજુભાઈ છગનભાઈ જોટાણીયા (વતની – સૌરાષ્ટ્ર વિસાવદર પાસેના શાપર સુડાવડ) છેલ્લા 30 વર્ષથી ધતિંગનો ધંધો ચલાવતો હતો. દર મંગળવારે બપોર પછી તે પીડિતોને બોલાવીને વિધિ-વિધાન કરતો. સંતાન પ્રાપ્તિ માટે નિ:સંતાન દંપતીને 24 દિવસની બાધા રખાવતો, મઢમાં ઘોડિયાનું પ્રતીક મૂકીને “સંતાન થશે”નો દાવો કરતો. જુવારના દાણા પીવડાવીને રોગ મટાડવાની કરામત બતાવતો. અપરણિત યુવકોને લગ્નયોગ માટે બાધા રખાવતો અને માંદગી, અપમૃત્યુ જેવા કિસ્સામાં તાંત્રિક વિધિ કરીને લોકોને વિશ્વાસમાં લઈ લેતો.
માંડવો રાખીને લાખોની લૂંટ
વિધિ-માનતાના નામે તે એક વ્યક્તિ પાસેથી બે હજારથી લઈને એક લાખ રૂપિયા સુધી વસૂલતો. મઢની થાળીમાં રૂપિયા મૂકાવતો, પાટમાં દાણા મૂકાવતો અને એકલી મહિલાઓને અંદરના રૂમમાં બોલાવીને વિધિ કરતો. મહિલાઓનું પ્રમાણ વધુ હોવાથી તેનો ધંધો વધુ ફૂલા રહ્યો હતો. તે પીડિતોને કહેતો કે, “શ્રદ્ધા રાખશો તો જ પરિણામ મળશે”

પરંતુ આ પ્રવૃત્તિ વિજ્ઞાન જાથાની નજરથી છુપાઈ શકી નહીં. છેલ્લા છ મહિનાથી જાથાના કાર્યાલયમાં મળતી ફરિયાદોની તપાસ કરવા માટે જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડ્યાએ ભક્તિબેન રાજગોર, ભાનુબેન શેઠીયા અને રવિ પરબતાણીને મોકલ્યા. તેઓએ ડમી પીડિતો બનીને સ્થળ પર જઈ સર્ચ ઓપરેશન હાથ ધર્યું. આ દરમિયાન તેઓએ જુવારના દાણા પીવડાવવાની પ્રક્રિયા, 24 દિવસની બાધા અને અન્ય વિધિઓ અંગેના પુરાવા એકત્ર કર્યા. વીડિયો અને ફોટોગ્રાફી દ્વારા આ તમામ પુરાવાઓને વધુ મજબૂત બનાવવામાં આવ્યા.
જાથાએ નિકોલ પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.એસ. વાઘેલા તથા પોલીસ કમિશ્નર કચેરીને લેખિતમાં જાણ કરીને જરૂરી પોલીસ બંદોબસ્તની માંગણી કરી. ત્યારબાદ રાજકોટથી જાથાના વડા જયંત પંડ્યાના નેતૃત્વ હેઠળ રોમિત રાજદેવ, અંકલેશ ગોહિલ, ગુલાબસિંહ ચૌહાણ, રમેશ પરમાર અને નિલેશભાઈ સહિતની ટીમ અમદાવાદ પહોંચી. નિકોલ પોલીસના સહકારથી ટીમે ભુવાના મઢ પર દરોડો પાડી તેને ઝડપી પાડ્યો. પૂછપરછ દરમિયાન ભુવાએ દાણા પાડવા અને જોવાના નામે લોકોને ભ્રમિત કરતો હોવાની કબૂલાત આપી.
પોલીસની પ્રશંસનીય કામગીરી
નિકોલ પોલીસ સ્ટેશન, ઝોન-5ના ડેપ્યુટી પોલીસ કમિશ્નર તેમજ આસિસ્ટન્ટ પોલીસ કમિશ્નર કૃણાલ દેસાઈ અને સમગ્ર પોલીસ સ્ટાફે જાથાને પૂર્ણ સહકાર આપ્યો. જાથા દ્વારા ભુવા સામે કાર્યવાહી માટે લેખિત રજૂઆત કરવામાં આવી હતી. સાથે જ, લગભગ 30 વર્ષથી ચાલતી આ પ્રવૃત્તિનો અંત લાવવા માટે ભુવાને કબૂલાતનામું આપ્યું અને જાહેર માફીપત્ર લખાવાયું. આ કાર્યવાહી દરમિયાન ભુવાને સુધરવાની તક આપવામાં આવી છે.

આ સંદેશ દરેકે સમજવો જોઈએ
આ પર્દાફાશ વિજ્ઞાનની જીતનો સ્પષ્ટ સંદેશ આપે છે. રોગોથી મુક્તિ માટે તબીબી સારવાર, આધુનિક વિજ્ઞાન અને તર્કસંગત વિચારસરણી જ અસરકારક છે, જુવારના દાણા, દોરા-ધાગા કે આવી માન્યતાઓ નહીં. અંધશ્રદ્ધા લોકોની આશા અને ભયનો લાભ લઈને માત્ર આર્થિક અને માનસિક નુકસાન કરે છે. તેના સામે વિજ્ઞાન આધારિત સમજ જ સાચો રસ્તો બતાવે છે. વિજ્ઞાન જાથા જેવી સંસ્થાઓ સમાજમાં જાગૃતિ ફેલાવીને અંધકાર દૂર કરે છે અને લોકોને સચ્ચાઈ સુધી પહોંચાડે છે. આજના યુગમાં આગળ વધવા માટે વિજ્ઞાનને સ્વીકારીને અંધશ્રદ્ધાથી દૂર રહેવું જ સાચી પ્રગતિનો માર્ગ છે.
જાથાની અપીલ
વિજ્ઞાન જાથા દરેક ફરિયાદની સાચી તપાસ કરીને જ પર્દાફાશ કરે છે અને કાયદાની પ્રક્રિયા અનુસાર કાર્યવાહી કરે છે. આ ઘટના એક સંદેશ છે કે, વિજ્ઞાન અપનાવો, અંધશ્રદ્ધા ત્યાગો. તમારી લાચારી બીજાની કમાણી ન બને. સાચું સુખ અને આરોગ્ય વિજ્ઞાનમાં જ છે. જાગો, સમજો અને વિજ્ઞાનનો પ્રકાશ ફેલાવો.
ધતિંગબાજોથી છેતરાયેલા લોકોને વિનંતી છે કે તેઓ આધાર અને પુરાવા સાથે માહિતી આપે. સંપર્ક: 9825216689
આ પણ વાંચો: Gujarat : વેરાવળ અને જૂનાગઢના રેલવે મુસાફરો ખાસ વાંચે, હવે આ ટ્રેનો રેગ્યુલર શરુ












