ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત: આંતરરાષ્ટ્રીય સાયબર-ગુલામી રેકેટનો પર્દાફાશ, આરોપીએ કર્યા ચોંકાવનારા ખુલાસા

  • 126 થી વધુ સબ-એજન્ટો તેના હેઠળ કામ કરતા હતા
  • આઇટી નોકરીઓની ઓફર આપીને લલચાવતા
  • ગેરકાયદે સરહદ પાર કરવાની વ્યવસ્થા કરતા

ગુજરાતના સાયબર સેન્ટર ઑફ એક્સેલન્સએ નીલેશ ઉર્ફે નીલ નરપતસિંહ પુરોહિતની ધરપકડ કરી છે. તેની ઓળખ મ્યાંમાર, કંબોડિયા અને અન્ય દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશોમાં ચાઇનીઝ સાયબર માફિયા નેટવર્ક્સ દ્વારા ચલાવવામાં આવતા સાયબર-ગુલામી સંકુલમાં સેંકડો ભારતીયો અને વિદેશી નાગરિકોની તસ્કરી કરવા બદલ ભારતના મુખ્ય એજન્ટોમાંના એક તરીકે થઈ છે.

126 થી વધુ સબ-એજન્ટો તેના હેઠળ કામ કરતા હતા

તપાસકર્તાઓને જાણવા મળ્યું છે કે પુરોહિત એક અત્યંત સંગઠિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નેટવર્ક ચલાવતો હતો, જેમાં 126 થી વધુ સબ-એજન્ટો તેના હેઠળ કામ કરતા હતા. તેના પર ભારત, શ્રીલંકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, ફિલિપાઇન્સ, નાઇજીરીયા, ઇજિપ્ત, કેમરૂન, બેનિન અને ટ્યુનિશિયામાંથી 500થી વધુ લોકોની સીધી અથવા દુબઇ થઈને મ્યાંમાર, કંબોડિયા, વિયેતનામ અને થાઈલેન્ડમાં કાર્યરત સ્કેમ સેન્ટરોમાં તસ્કરી કરવાનો આરોપ છે. આ નેટવર્ક પીડિતોને વિદેશમાં ઉચ્ચ પગારવાળી ડેટા-એન્ટ્રી અથવા આઇટી નોકરીઓની ઓફર આપીને લલચાવતું હતું.

ગેરકાયદે સરહદ પાર કરવાની વ્યવસ્થા કરતા

તેઓ ફ્લાઇટ્સ, ટ્રાન્ઝિટ હોટેલ્સ અને ગેરકાયદે સરહદ પાર કરવાની વ્યવસ્થા કરતા હતા, અને પછી તેમને ગુનાહિત સંગઠનોને સોંપી દેતા હતા. જેઓ તેમને ફિશિંગ, ક્રિપ્ટો સ્કેમ્સ, પોન્ઝી સ્કીમ્સ અને રોમાન્સ ફ્રોડ સહિતના સાયબર ક્રાઇમ ઓપરેશન્સ કરવા માટે મજબૂર કરતા હતા. CID અધિકારીઓના જણાવ્યા અનુસાર પુરોહિત 30થી વધુ પાકિસ્તાની એજન્ટો સાથે સતત સંપર્કમાં હતો અને સાયબર-ફ્રોડ હબ્સને મેનપાવર સપ્લાય કરતી 100થી વધુ ચાઇનીઝ અને વિદેશી કંપનીઓની HR ટીમો સાથે તેના સીધા સંપર્કો હતા.

એજન્ટ તરીકે ‘નીલ પુરોહિત’ ના વારંવાર ઉલ્લેખ

છેલ્લા ત્રણ વર્ષોમાં ભારત સરકાર થાઇલેન્ડ અને મ્યાંમારના સંકલિત પ્રયાસોને કારણે સાયબર-ગુલામી કેમ્પમાં ફસાયેલા લગભગ 4,000 ભારતીયોને બચાવીને સ્વદેશ પરત લાવવામાં આવ્યા છે. CBI, ઇન્ટેલિજન્સ બ્યુરો અને રાજ્ય પોલીસ દ્વારા નોંધાયેલા સંયુક્ત નિવેદનોમાં તેમની મુસાફરીની વ્યવસ્થા કરનાર એજન્ટ તરીકે ‘નીલ પુરોહિત’ ના વારંવાર ઉલ્લેખ મળ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે પીડિતોના પાસપોર્ટ અને ફોન છીનવી લેવામાં આવતા અને ત્યારબાદ મહિનાઓ સુધી બંધક બનાવી રાખવામાં આવતા હતા. મોઇ નદી પાર કરીને મ્યાંમારના KK પાર્ક, મ્યાવાડી ટાઉનશીપમાં ગેરકાયદેસર રીતે તસ્કરી કરવામાં આવતી હતી અને સાયબર ક્રાઇમ કરવા માટે ફરજ પાડવામાં આવતી હતી. એટલું જ નહી જો કોઇ ઇનકાર કરે તો તેને માર મારવામાં આવતો, ત્રાસ આપવામાં આવતો અને લાંબા સમય સુધી ગેરકાયદેસર અટકાયતમાં રાખવામાં આવતા હતા.

આ પણ વાંચો: સુરતની સગીરાનું અમદાવાદની હોસ્ટેલમાંથી કથિત અપહરણ થતા ચકચાર

Back to top button