ગુજરાતટ્રેન્ડિંગ

સુરતની સગીરાનું અમદાવાદની હોસ્ટેલમાંથી કથિત અપહરણ થતા ચકચાર

  • દીકરીના ફોન પરથી એક કોલ આવ્યો હતો
  • વરાછાના નિવાસસ્થાને શોધવાના પ્રયાસો અસફળ રહ્યા
  • અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

સુરતની 17 વર્ષીય સગીરાનું એક યુવક દ્વારા કથિત રીતે અપહરણ કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે, જેને પગલે યુવતીના પિતાએ અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. FIR અનુસાર યુવતી, જેનું નામ રમા (નામ બદલેલું છે) (ઉંમર 17 વર્ષ અને 11 મહિના) છે, તે 14 નવેમ્બરથી ગુમ છે.

દીકરીના ફોન પરથી એક કોલ આવ્યો હતો

સુરતના વરાછાના રહેવાસી અને હીરા ઘસવાનું કામ કરતા જયંતિભાઈ ગોહિલે તેમની ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમની મોટી દીકરી જે B.Com પ્રથમ વર્ષની વિદ્યાર્થીની છે. તે 14 નવેમ્બરના રોજ અમદાવાદની તેની મહિલા હોસ્ટેલમાંથી બે દિવસની રજાની અરજી આપીને નીકળી હતી. જયંતિભાઈએ જણાવ્યું કે, તે બપોરે લગભગ 3 વાગ્યે ઘરે હતા, ત્યારે તેમના દીકરીના ફોન પરથી એક કોલ આવ્યો હતો. જો કે, સામે રિદ્ધિ નહોતી, પરંતુ એક યુવકે પોતાનો પરિચય ગોપાલ તરીકે આપ્યો અને કહ્યું કે ‘હું ગોપાલ છું અને રમા મારી સાથે છે. અમે ભાગી રહ્યા છીએ. તમે અમને શોધતા નહીં.’ જ્યારે રમા સાથે વાત કરાવવા કહ્યું, ત્યારે કોલ કરનારે તરત જ ફોન કાપી નાખ્યો હતો.

અમદાવાદ અને સુરત બંને જગ્યાએ શોધી પરંતુ તે મળી નહોતી

ગભરાયેલા જયંતિભાઈએ તરત જ પોતાની પત્ની, નાના ભાઈ મનીષભાઈ અને ભત્રીજા આકાશને જાણ કરી, અને ત્યારબાદ રમાની ખબર કાઢવા માટે અમદાવાદમાં રહેતા તેમના સાસરિયાંનો સંપર્ક કર્યો. ત્યારબાદ તેઓ અમદાવાદ આવ્યા અને તેમના સંબંધીઓ પાસેથી જાણવા મળ્યું કે રમાએ એક દિવસ પહેલા જ હોસ્ટેલમાં રજા માટે અરજી આપી હતી. પરિવારે રમાને અમદાવાદ અને સુરત બંને જગ્યાએ શોધી પરંતુ તે મળી નહોતી.

વરાછાના નિવાસસ્થાને શોધવાના પ્રયાસો અસફળ રહ્યા

FIR મુજબ જયંતિભાઈએ જણાવ્યું કે, યુવક જેની ઓળખ ગોપાલ થોડિયા ( ઉ.વ 19, રહેવાસી વરાછા સુરત) તરીકે થઈ છે. તે એક વર્ષથી તેમની દીકરીના સંપર્કમાં હતો, જ્યારે તેઓ ઇન્સ્ટાગ્રામ પર મળ્યા હતા. ફરિયાદીએ કહ્યું કે પરિવાર તેમના સંબંધોથી વાકેફ હતો. અને અગાઉ રમાને આ બાબતે સમજાવટ પણ કરી હતી. તેમણે વધુમાં આક્ષેપ કર્યો છે કે, ગોપાલે રમાને કાયદેસર રીતે લગ્નના ઈરાદાથી ‘લલચાવી’ છે. જે ગુનો બને છે, કારણ કે યુવતી હજુ સગીર છે. પોલીસે જણાવ્યું કે ગોપાલને તેના વરાછાના નિવાસસ્થાને શોધવાના પ્રયાસો અસફળ રહ્યા છે.

Back to top button