GIFT સિટીમાં હવે બેચલર્સને પણ મળશે રૂમ! નવી બિઝનેસ એકોમોડેશન પોલિસીની તૈયારી

GIFT City Business Accommodation Policy: ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (GIFT City)માં નોકરી, બિઝનેસ કે અભ્યાસ માટે આવતા બેચલર્સ અને સિંગલ પ્રોફેશનલ્સને રહેઠાણ મેળવવામાં પડતી મુશ્કેલી દૂર કરવા નવી બિઝનેસ એકોમોડેશન પોલિસી લાવવાની તૈયારી ચાલી રહી છે. નવી વ્યવસ્થા હેઠળ પ્રોફેશનલ્સ, કર્મચારીઓ, કન્સલ્ટન્ટ્સ, તાલીમાર્થીઓ, વિદ્યાર્થીઓ અને સરકારી કામ માટે આવતા અધિકારીઓને નિયંત્રિત અને પ્રોફેશનલી મેનેજ્ડ રહેઠાણ ઉપલબ્ધ કરાવવાની યોજના છે.
ગિફ્ટ સિટીમાં ઓછામાં ઓછા 25 હજાર લોકો કામ કરે છે અને તેમાં મોટી સંખ્યામાં સિંગલ પ્રોફેશનલ્સ તથા અન્ય રાજ્યમાંથી આવેલા કર્મચારીઓનો સમાવેશ થાય છે. કેટલાક કર્મચારીઓને યોગ્ય રહેઠાણ ન મળવાને કારણે બીજી જગ્યાએ ટ્રાન્સફરની માગ કરવી પડી હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે.
બેચલર્સને ફ્લેટ આપવાનો ઈનકાર ન કરી શકે સોસાયટી?
GIFT Cityના સત્તાવાળાઓ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીઓના રજિસ્ટ્રાર સમક્ષ રજૂઆત કરવા અંગે વિચારણા કરી રહ્યા છે. હેતુ એ છે કે GIFT Cityની અંદર આવેલી હાઉસિંગ સોસાયટીઓ પોતાના બાયલોઝમાં બેચલર્સ અથવા સિંગલ ઓક્યુપન્ટને રહેઠાણ ન આપવાનો નિયમ ન બનાવી શકે. અધિકારીઓનું માનવું છે કે GIFT Cityમાં દેશના વિવિધ રાજ્યો ઉપરાંત વિદેશમાંથી પણ લોકો નોકરી અને બિઝનેસ માટે આવે છે. ઘણા લોકો પરિવારને પોતાના વતનમાં રાખીને અહીં એકલા રહે છે. આવી સ્થિતિમાં રહેઠાણ ન મળવું રોજગાર કે શિક્ષણ માટે અવરોધ ન બનવું જોઈએ.
હોટેલ અને કાયમી ઘર વચ્ચેનો વિકલ્પ
પ્રસ્તાવિત બિઝનેસ એકોમોડેશન પોલિસીનો મુખ્ય હેતુ હોટેલમાં થોડા દિવસના રોકાણ અને લાંબા ગાળાના કાયમી ઘર વચ્ચેનો વિકલ્પ ઊભો કરવાનો છે. પસંદ કરાયેલા રહેણાક યુનિટ્સને અધિકૃત ઓપરેટર દ્વારા સર્વિસ્ડ એકોમોડેશન તરીકે સંચાલિત કરી શકાશે. સાથે આવતા નજીકના પરિવારજનોને પણ આ વ્યવસ્થાનો લાભ મળી શકે છે.
કોણ રહી શકશે?
નવી નીતિ હેઠળ GIFT Cityમાં કામ કરતા કર્મચારીઓ, પ્રોફેશનલ્સ, કન્સલ્ટન્ટ્સ, કંપની સાથે જોડાયેલા લોકો, સરકારી અધિકારીઓ અને અન્ય લોકો માટે રહેઠાણ ઉપલબ્ધ કરાવવાનું આયોજન છે. અભ્યાસ અને તાલીમ માટે આવતા લોકો માટે પણ વ્યવસ્થા કરવાની દિશામાં વિચારણા ચાલી રહી છે.
માત્ર પસંદ કરેલી ઇમારતોમાં જ મળશે મંજૂરી
દરેક રહેણાક ઇમારતને આ પોલિસીનો લાભ નહીં મળે. GIFTCL દ્વારા નોટિફાઇડ કરવામાં આવેલી પસંદગીની ઇમારતો અથવા પરિસરોમાં આવેલા રહેણાક યુનિટ્સ જ બિઝનેસ એકોમોડેશન માટે પાત્ર રહેશે. ફ્લેટ માલિક પોતાની રીતે વ્યક્તિગત યુનિટને બિઝનેસ એકોમોડેશન તરીકે ચલાવી શકશે નહીં. માલિકો પોતાના યુનિટ અધિકૃત બિઝનેસ એકોમોડેશન ઓપરેટર અથવા એગ્રીગેટરને આપી શકશે, જે સમગ્ર વ્યવસ્થાનું વ્યાવસાયિક રીતે સંચાલન કરશે.
PG, હોસ્ટેલ અને હોમસ્ટે આ પોલિસીમાં નહીં
પ્રસ્તાવિત પોલિસી સામાન્ય હોટેલ, હોસ્ટેલ, પેઇંગ ગેસ્ટ (PG) અથવા અલગ નિયમો હેઠળ ચાલતા હોમસ્ટેને લાગુ નહીં પડે. આ કેટેગરી માટે પહેલાથી જ અલગ નિયમો લાગુ છે. નવી પોલિસીનો મુખ્ય હેતુ બિઝનેસ, નોકરી કે સત્તાવાર કામગીરી સાથે જોડાયેલા ટૂંકા અથવા મધ્યમ ગાળાના રોકાણને નિયમિત કરવાનો છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ડિજિટલ રજિસ્ટ્રેશનની પણ યોજના
પ્રસ્તાવિત વ્યવસ્થામાં અધિકૃત ઓપરેટરો દ્વારા રહેવાસીઓનું રજિસ્ટ્રેશન અને ઓળખના દસ્તાવેજો અપલોડ કરવા માટે ડિજિટલ સિસ્ટમ ઊભી કરવાની પણ યોજના છે. આથી કોણ ક્યાં રહે છે તેની સત્તાવાળાઓ પાસે માહિતી રહેશે અને સુરક્ષા સંબંધિત જરૂરિયાત વખતે પોલીસ સાથે ઝડપી સંકલન થઈ શકશે. GIFT Cityના મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રુપ CEO સંજય કૌલના જણાવ્યા મુજબ, આંતરરાષ્ટ્રીય બિઝનેસ સેન્ટર તરીકે GIFT Cityના વિકાસ માટે ફ્લેક્સિબલ અને પ્રોફેશનલી મેનેજ્ડ એકોમોડેશન મહત્ત્વનું છે. આ પ્રકારની વ્યવસ્થા કંપનીઓને બહારથી આવતા ટેલેન્ટને GIFT Cityમાં લાવવામાં પણ મદદરૂપ થઈ શકે છે.












