ગુજરાત: ડોક્ટરે રૂ. 22.50 લાખનો બોગસ મેડીક્લેઈમ પકાવી લીધો, અંતે થઇ પોલીસ ફરિયાદ

- ડો. કાથરાણીએ બોગસ રિપોર્ટના આધારે રૂ. 22.49 લાખનો મેડીકલેઈમ પકાવ્યો
- છેતરપિંડી કરવા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો
- રૂ. 22.49 લાખનો મેડીકલેઈમ મેળવી લીધાની ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાઈ
રાજકોટમાં માધાપર ચોકડી પાસે રહેતા ફિઝીયોથેરાપીસ્ટ ડો.અંકિત હિતેષભાઈ કાથરાણીએ સારવારનાં બોગસ રિપોર્ટનાં આધારે રૂ. 22.49 લાખનો મેડીકલેઈમ મેળવી લીધાની ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાઈ છે. અગાઉ પણ ડો.કાથરાણી સહિતનાં આરોપીઓ સામે રૂ. 40 લાખનો મેડીકલેઈમ સારવારનાં ખોટા રિપોર્ટનાં આધારે મેળવી લેવાની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ડો. કાથરાણી હાલ જેલની હવા ખાઈ રહ્યો છે.
ડો. કાથરાણીએ બોગસ રિપોર્ટના આધારે રૂ. 22.49 લાખનો મેડીકલેઈમ પકાવ્યો
માધાપર ચોડી પાસે વ્હોરા સોસાયટી પાસે રહેતાં અને ચાની હોટલ ધરાવતાં મયુર છુંછારની સારવારનાં બોગસ રિપોર્ટનાં આધારે ડો. કાથરાણીએ સમર્પણ હોસ્પિટલનાં એડમિન ભાવીક માંકડ, હોસ્પિટલમાં ઈવેન્ટનું કામ કરતાં હિતેષ રવીયા અને સિવીલની સહયોગ ઈમેજીંગનાં હિમાંશુ રાઠોડ સાથે મળી રૂા 40 લાખનાં મેડી કલેઈમ મેળવી લીધાનું કૌભાંડ બહાર આવ્યું હતું. જે અંગે ગુનો નોંધાતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. આ કેસની તપાસ દરમિયાન જ ડો. કાથરાણીએ બોગસ રિપોર્ટના આધારે રૂ. 22.49 લાખનો મેડીકલેઈમ પકાવી લીધાની માહિતી મળી હતી. જે અંગે સંબંધીત વીમા કંપનીને પોલીસે જાણ કરી હતી. જેના આધારે ગુનો નોંધાયો છે.
છેતરપિંડી કરવા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો
અમદાવાદમાં ઈન્સ્યુરન્સ કંપનીમાં આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડેન્ટ તરીકે ફરજ બજાવતાં મૂળ તેલંગાણાનાં ડો. શ્રી નિવાસ નરશૈયા (ઉ.વ. 44)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, એપ્રિલ 2025માં તેની કંપનીને જાણ થઈ હતી કે ડો.કાથરાણી સહિતનાં આરોપીઓએ આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ કંપનીમાંથી ખોટો મેડી કલેઈમ પાસ કરાવવાની કોશિષ કરી છે. જેથી તેની કંપનીએ ડો.કાથરાણીએ તેની કંપનીમાંથી જે મેડીકલેઈમ પાસ કરાવ્યો હતો તેની તપાસ કરાવી હતી. જે દરમિયાન જાણવા મળ્યું કે, ડો. કાથરાણીએ તેની કંપનીમાં 2022ની સાલમાં પોતાની ગંભીર બીમારી અંગેનો રિપોર્ટ સબમીટ કર્યો હતો. જેની સાથે પીડીયુ હોસ્પિટલ ખાતેની સહયોગ ઈમેજીંગ સેન્ટરનો એમઆરઆઈ રિપોર્ટ સાથે રૈયા ચોકડી પાસે સ્થિત રાધે હોસ્પિટલનાં ડો. વિપુલ બોડાનાં મેડિકલ કાગળો રજૂ કર્યા હતાં. પરિણામે તેની કંપનીએ ડો. કાથરાણીનો મેડી કલેઈમ પાસ કરી રૂ. 22.49 લાખ મંજૂર કરી આપી દીધા હતા. પાછળથી થર્ડ પાર્ટી પાસેથી તપાસ કરાવતાં સહયોગ ઈમેજીંગ સેન્ટરનાં હેડ નિલીમાં ગર્ગે ડો. કાથરાણીનો તેને ત્યાં કોઈ એમઆરઆઈ રિપોર્ટ નહીં થયાનો અભિપ્રાય આપ્યો હતો. જેના આધારે તેનાં વિરૂધ્ધ ખોટા રિપોર્ટને સાચા તરીકે રજૂ કરી, છેતરપિંડી કરવા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો.
આ પણ વાંચો: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત 12 મેડિકલ સ્ટુડન્ટ્સની સંપૂર્ણ ફી માફ કરવાની જાહેરાત












