ગુજરાત કેબિનેટ બેઠક: વિકાસકાર્યોમાં વિલંબ રોકવા નવી SOP બનાવવા મુખ્યમંત્રીનો આદેશ
Gujarat Cabinet Decisions: ગાંધીનગરમાં આજે રાજ્ય મંત્રીમંડળની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વહીવટી પ્રક્રિયાને વધુ ઝડપી, પારદર્શક અને જનહિતલક્ષી બનાવવા માટે કેટલાય મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધતા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ વિવિધ સરકારી પ્રોજેક્ટ્સમાં થતો સમયનો વ્યય અટકાવવા અને ચોમાસા પૂર્વેની તૈયારીઓને આખરી ઓપ આપવા વહીવટી તંત્રને કડક સૂચનાઓ આપી છે.
પ્રોજેક્ટ્સમાં વિલંબ ટાળવા નવી SOP તૈયાર થશે
રાજ્યમાં ચાલી રહેલા વિવિધ વિકાસકાર્યોની સમીક્ષા કરતાં મુખ્યમંત્રીએ નોંધ્યું હતું કે, પ્રોજેક્ટ મંજૂર થયા બાદ જમીન સંપાદન અને વન વિભાગ જેવી વિવિધ કચેરીઓમાંથી NOC (મંજૂરી) મેળવવામાં ઘણો સમય વીતી જાય છે. આ સરકારી વિલંબને કાયમ માટે ટાળવા અને ફાઈલોનો ઝડપી નિકાલ કરવા માટે મુખ્યમંત્રીએ રાજ્યના મુખ્ય સચિવશ્રીને એક ખાસ નવી SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) તૈયાર કરવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત, તેમણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બાંધકામના કામોમાં ગુણવત્તા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ ન કરવા અને એન્જિનિયરિંગ ક્ષેત્રે લાઇન-લેવલ કે ફ્લોરિંગ જેવી નાની બાબતો પર પણ ઝીણવટભર્યું ધ્યાન આપવા તાકીદ કરી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ચોમાસા પૂર્વે તળાવો ભરવા અને પ્રી-મોન્સૂન કામગીરી વેગીલી કરવા સૂચના
આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીએ રાજ્યભરમાં પ્રી-મોન્સૂન કામગીરી અત્યંત ઝડપથી પૂર્ણ કરવા વહીવટી તંત્રને સુસજ્જ થવા જણાવ્યું છે, જેથી સામાન્ય નાગરિકોને મુશ્કેલી ન પડે. વધુમાં, શહેરી વિસ્તારોમાં નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ હસ્તકના જે તળાવો હાલમાં ખાલી પડ્યા છે, તેને ચોમાસા પહેલાં જ ભરવા માટે તાત્કાલિક પાણીના સ્ત્રોત શોધીને વ્યવસ્થા ઊભી કરવા શહેરી વિકાસ વિભાગને આદેશ આપવામાં આવ્યો છે.
સ્વચ્છતા માટે પંચાયતોમાં અલગ ‘હેડ’ અને વૃક્ષારોપણ માટે વિશેષ ફંડ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનને છેવાડાના ગામડાઓ સુધી મજબૂત કરવા માટે પણ બેઠકમાં ચર્ચા થઈ હતી. મુખ્યમંત્રીએ ગ્રામ, તાલુકા અને જિલ્લા પંચાયત સ્તરે સ્વચ્છતાની પ્રવૃત્તિઓ માટે બજેટમાં એક અલગ ‘હેડ’ (ખાતું) ઊભું કરવા સૂચન કર્યું છે. આ સાથે જ, પર્યાવરણની જાળવણી માટે રાજ્યના નગરપાલિકા વિસ્તારોમાં વ્યાપક સ્તરે વૃક્ષારોપણ થાય તે હેતુથી શહેરી વિકાસ વિભાગને અલગથી જરૂરી ફંડની ફાળવણી કરવા માટે કડક આદેશ આપ્યા છે.
આ પણ વાંચો: LRD ઉમેદવારોની પ્રતીક્ષાનો અંત: લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા 14 જૂને












