બનાસકાંઠાની કરોડપતિ મહિલાની કહાની, 12મું પાસ પણ દરરોજ દોઢ લાખની આવક
બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના બસુ ગામની તસ્લીમબેન આસિફખાન ઝવેરીએ પશુપાલનના પરંપરાગત વ્યવસાયને મોટા પાયાના બિઝનેસમાં ફેરવી અનોખી સિદ્ધિ મેળવી છે. ધોરણ-12 સુધી અભ્યાસ કરેલા તસ્લીમબેન વર્ષે આશરે ₹2.94 કરોડનું દૂધ બનાસ ડેરીમાં ભરાવીને સૌથી વધુ દૂધ ભરાવનાર મહિલાઓમાં પ્રથમ ક્રમે આવ્યા છે.
તસ્લીમબેનના ફાર્મમાંથી દરરોજ આશરે 2200થી 2300 લીટર દૂધનું ઉત્પાદન થાય છે. દૂધમાંથી રોજની આવક અંદાજે ₹1.40 લાખથી ₹1.45 લાખ સુધી પહોંચે છે. હવે તેઓ 500 ભેંસ સુધી પશુપાલનનો વ્યાપ વધારી અને વાર્ષિક દૂધ વેચાણને ₹5થી ₹6 કરોડ સુધી લઈ જવાનું લક્ષ્ય ધરાવે છે.
4-5 પશુથી શરૂ થયેલો વ્યવસાય આજે 350થી વધુ ભેંસ સુધી પહોંચ્યો
તસ્લીમબેનના પરિવારમાં પશુપાલનનો વ્યવસાય વર્ષોથી ચાલે છે. તેમના સસરાએ આશરે 1990ના સમયગાળામાં માત્ર ચારથી પાંચ પશુઓ સાથે પશુપાલનની શરૂઆત કરી હતી.
તસ્લીમબેન લગ્ન બાદ પરિવારમાં આવ્યા ત્યારે આશરે 15થી 20 ભેંસ હતી. વર્ષ 2010 પછી તેમણે પશુપાલનને વ્યવસ્થિત રીતે મોટા પાયે વધારવાનો નિર્ણય કર્યો. સમય જતાં ભેંસોની સંખ્યા સતત વધારવામાં આવી અને આજે તેમના ફાર્મમાં 350થી વધુ ભેંસ છે.
17થી 18 લોકોની ટીમ સંભાળે છે પશુઓ
આટલી મોટી સંખ્યામાં પશુઓની સંભાળ માટે અલગ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ફાર્મમાં 17થી 18 લોકોનો સ્ટાફ કામ કરે છે, જે પશુઓના ચારા, દૂધ દોહવાની પ્રક્રિયા, સફાઈ અને આરોગ્યની દેખરેખ કરે છે.
ફાર્મની દૈનિક કામગીરી માટે બે ટ્રેક્ટર, પાંચ પિકઅપ વાહનો તથા અન્ય વાહનો પણ ઉપયોગમાં લેવામાં આવે છે. પરિવારના સભ્યો પણ પશુઓની દેખરેખ અને વ્યવસ્થાપનમાં સતત જોડાયેલા રહે છે.
રોજ 2200થી 2300 લીટર દૂધનું ઉત્પાદન
તસ્લીમબેનના ફાર્મમાં સવાર અને સાંજ મળીને દરરોજ અંદાજે 2200થી 2300 લીટર દૂધનું ઉત્પાદન થાય છે. આ સમગ્ર દૂધ બનાસ ડેરીમાં ભરાવવામાં આવે છે.
પરિવારના જણાવ્યા મુજબ આ દૂધની કિંમત દરરોજ અંદાજે ₹1.40 લાખથી ₹1.45 લાખ સુધી થાય છે. આ રીતે પશુપાલન હવે તેમના માટે માત્ર પરંપરાગત રોજગાર નહીં પરંતુ મોટા પાયાનો વ્યવસાય બની ગયો છે.
આવકના 70 ટકા ખર્ચ ચારા અને મજૂરીમાં
મોટી આવક સાથે પશુપાલનમાં ખર્ચ પણ ઘણો થાય છે. પરિવાર પાસે અંદાજે 18થી 20 વીઘા જમીન હોવા છતાં મોટી સંખ્યામાં પશુઓ માટે જરૂરી સુકો ચારો બહારથી ખરીદવો પડે છે.
દૂધમાંથી થતી કુલ આવકના આશરે 70 ટકા નાણાં ચારો, પશુઓની દવા, મજૂરી અને અન્ય વ્યવસ્થાપન ખર્ચ પાછળ જાય છે. પરિવારના દાવા મુજબ તમામ ખર્ચ બાદ વર્ષે આશરે ₹82થી ₹83 લાખ સુધીનો ચોખ્ખો નફો રહે છે.
બનાસ ડેરીમાં પ્રથમ આવવાનું સપનું થયું સાકાર
તસ્લીમબેન છેલ્લા ત્રણથી ચાર વર્ષથી બનાસ ડેરીની સાધારણ સભામાં વધુ દૂધ ભરાવનાર સભ્યોમાં દ્વિતીય અથવા તૃતીય સ્થાને આવતા હતા.
પરંતુ છેલ્લા એક વર્ષથી તેમણે પ્રથમ ક્રમ મેળવવાનો ટાર્ગેટ નક્કી કર્યો હતો. સતત મહેનત, પશુ સંખ્યા વધારવા અને દૂધ ઉત્પાદનમાં સુધારા બાદ વર્ષ 2025-26 દરમિયાન તેઓ પ્રથમ ક્રમે પહોંચ્યા હોવાનું પરિવાર જણાવે છે.
હવે 500 ભેંસ અને ₹6 કરોડના દૂધનું લક્ષ્ય
હાલ પરિવાર પાસે 350થી 400 વચ્ચે ભેંસ છે. હવે આગામી સમયમાં ભેંસોની સંખ્યા વધારીને 500 સુધી પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે.
સાથે જ બનાસ ડેરીમાં વર્ષે ભરાવવામાં આવતા દૂધની કુલ કિંમત પણ હાલના સ્તરથી વધારી ₹5થી ₹6 કરોડ સુધી લઈ જવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
તસ્લીમબેનનું માનવું છે કે પારકી નોકરી કરતાં આયોજનબદ્ધ રીતે પશુપાલનનો વ્યવસાય કરવામાં આવે તો વધુ સારી આવક અને સ્વરોજગાર બંને મેળવી શકાય છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
જાફરાબાદી, કાઠિયાવાડી અને મુર્રાહ ભેંસોનું પાલન
તસ્લીમબેનના ફાર્મમાં જાફરાબાદી, કાઠિયાવાડી અને મુર્રાહ સહિતની વિવિધ જાતની ભેંસો રાખવામાં આવે છે. અલગ જાતની ભેંસોના દૂધ ઉત્પાદન, આરોગ્ય અને ખોરાકનું અલગ રીતે ધ્યાન રાખવામાં આવે છે.
તેમના મતે પશુપાલન માત્ર પશુ રાખવાનું કામ નથી. યોગ્ય આયોજન, સમયસર ચારો, પશુ આરોગ્યની નિયમિત તપાસ અને સતત મહેનતથી જ મોટા પાયે સફળતા મેળવી શકાય છે.
વડગામના એક નાના ગામથી શરૂ થયેલો આ પશુપાલન વ્યવસાય આજે કરોડોના વાર્ષિક ટર્નઓવર સુધી પહોંચ્યો છે. તસ્લીમબેનની સફળતા ગ્રામ્ય મહિલાઓ અને પશુપાલન સાથે જોડાયેલા પરિવારો માટે સ્વરોજગારનું પ્રેરણાદાયી ઉદાહરણ બની રહી છે.
આ પણ વાંચો: લખનઉ યુનિવર્સિટી સામેના રોડમાં મોટો ભૂવો પડ્યો, બાઈક સાથે યુવક અંદર ખાબક્યો












