બનાસકાંઠામાં ભીષણ માર્ગ અકસ્માત: રીક્ષા-બસ વચ્ચે ટક્કર, 3ના કરુણ મોત

બનાસકાંઠા: જિલ્લાના પાલનપુર નજીક આવેલા ખરોડીયા પાસે એક અત્યંત દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો છે. વડગામ તરફથી આવી રહેલી એક રીક્ષા અને બસ વચ્ચે ખરોડિયા નજીક સામસામે જોરદાર ટક્કર થઈ હતી. આ ભીષણ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે, જ્યારે ત્રણથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ સાંપડ્યા છે.
અકસ્માતમાં રીક્ષાનો કચ્ચરઘાણ
અકસ્માત એટલો ભયાનક હતો કે બસ સાથે અથડાયા બાદ રીક્ષાનો સંપૂર્ણપણે કચ્ચરઘાણ વળી ગયો હતો. બનાવની જાણ થતાં જ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક 108 મારફતે વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં કેટલાકની હાલત નાજુક હોવાનું કહેવાય છે.
પોલીસ તપાસ શરૂ
અકસ્માતની જાણ થતાં જ પાલનપુર પોલીસનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ માર્ગ પર અકસ્માતના કારણે સર્જાયેલા ટ્રાફિક જામને ખુલ્લો કરાવી પોલીસે ગુનો નોંધી અકસ્માતના સાચા કારણો અને જવાબદારો અંગે વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: વટવામાં હિટ એન્ડ રન: સ્કોર્પિયો કારે વૃદ્ધને ટક્કર મારી, રોડ પરથી પસાર થતાં કરુણ મોત












