બેફામ ડમ્પર અટકાવો અને હેલ્મેટના કાયદાનું પાલન કરાવો, ગુજરાત હાઈકોર્ટે સરકારને ટકોર કરી
Gujarat High Court Flags Reckless Dumpers: અમદાવાદ શહેરમાં વધતા અકસ્માતો, બેફામ દોડતા ડમ્પરો અને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનને લઈને ગુજરાત હાઈકોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. શહેરના રોડ-રસ્તાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા અને ટ્રાફિક વ્યવસ્થાને લઈને દાખલ કરવામાં આવેલી સુઓમોટો જાહેરહિતની રિટ અરજીની સુનાવણી દરમિયાન એક્ટિંગ ચીફ જસ્ટિસ માનસ રંજન પાઠકે રાજ્ય સરકારને નાગરિકોની સુરક્ષા માટે નિયમોનો અસરકારક અને પરિણામલક્ષી અમલ કરાવવા ટકોર કરી હતી.
દિવસ દરમિયાન પણ બેફામ દોડે છે ડમ્પરો
સુનાવણી દરમિયાન હાઈકોર્ટે અમદાવાદના રસ્તાઓ પર દિવસ દરમિયાન પણ બેફામ દોડતા ડમ્પરો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે સરકારને સ્પષ્ટપણે કહ્યું કે અકસ્માતોમાં લોકોના જીવ જઈ રહ્યા છે ત્યારે દિવસ દરમિયાન ડમ્પરોના પ્રવેશ પરના પ્રતિબંધનો અસરકારક અમલ થવો જોઈએ.
બેફામ ડમ્પરોને કારણે થતા ગમખ્વાર અકસ્માતો અટકાવવા માટે માત્ર નિયમો બનાવવા પૂરતું નથી, પરંતુ તેનો જમીન પર કડક અમલ જરૂરી હોવાનું હાઈકોર્ટની ટકોરમાંથી સ્પષ્ટ થયું હતું.
‘હેલમેટનો કાયદો છે કે નહીં?’
હેલમેટના નિયમ અંગે પણ હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું હતું. એક્ટિંગ ચીફ જસ્ટિસે નોંધ્યું કે અમદાવાદ જેવા શહેરોમાં લોકો હેલમેટ પહેરતા નથી. તેમણે કહ્યું કે અન્ય રાજ્યોમાંથી ગુજરાત આવતા જજિસ પણ પ્રશ્ન કરે છે કે “શું અહીં હેલમેટનો કાયદો નથી?”
હાઈકોર્ટે ટકોર કરી કે હેલમેટ માત્ર ટૂ-વ્હીલર ચલાવનાર માટે જ નહીં, પરંતુ પાછળ બેસનાર વ્યક્તિ માટે પણ ફરજિયાત છે. તેમ છતાં સ્થિતિ એવી છે કે પાછળ બેસનાર માટે હેલમેટ પહેરવાની વાત તો દૂર રહી, ઘણા વાહનચાલકો પોતે પણ હેલમેટ પહેરતા નથી.
ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ પણ ચિંતાજનક
હાઈકોર્ટે વાહનચાલકો દ્વારા ડ્રાઇવિંગ દરમિયાન મોબાઈલ ફોનના ઉપયોગ અંગે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. લોકો વાહન ચલાવતી વખતે ફોન પર વાતો કરે છે, વીડિયો કોલ કરે છે અને વીડિયો જોતા હોવાનું કોર્ટના ધ્યાન પર આવ્યું હતું.
કોર્ટે સવાલ કર્યો કે આવી સ્થિતિમાં વાહનચાલકનું ધ્યાન ડ્રાઇવિંગ પર કેવી રીતે રહી શકે? આવા બેદરકારીભર્યા વર્તનને કારણે અકસ્માતો સર્જાતા હોવાનું પણ હાઈકોર્ટે નોંધ્યું હતું.
‘નિર્દોષ નાગરિકોના જીવ બચાવવા કડક અમલ કરો’
બેફામ ડમ્પરો, ગમખ્વાર અકસ્માતો અને હેલમેટના નિયમોના પાલનના અભાવને કારણે નિર્દોષ નાગરિકોના જીવ જઈ રહ્યા હોવા અંગે હાઈકોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.
કોર્ટે રાજ્ય સરકારને માત્ર કાગળ પરની કાર્યવાહી નહીં, પરંતુ નાગરિકોના જીવનની સુરક્ષા માટે નિયમોની અસરકારક અને પરિણામલક્ષી અમલવારી કરવા મૌખિક ટકોર કરી હતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ટ્રાફિક પોલીસમાં TRB જવાનો વધારવાની કાર્યવાહી
કેસની અગાઉની સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર તરફથી પોલીસ ભરતી અને ટ્રાફિક વ્યવસ્થાને લગતી કાર્યવાહી અંગેની વિગતો કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. તેમાં ખાસ કરીને ટ્રાફિક પોલીસમાં TRB જવાનોની સંખ્યા વધારવા સહિતની માહિતી રજૂ કરવામાં આવી હતી.
હવે શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન, ડમ્પરોના નિયંત્રણ, હેલમેટનો કડક અમલ અને અકસ્માતો ઘટાડવા માટે તંત્ર દ્વારા શું નક્કર પગલાં લેવામાં આવે છે તેના પર હાઈકોર્ટની નજર રહેશે.
આ પણ વાંચો: દિલ્હીની માફક અમદાવાદમાં પણ આજે લોકશાહી બચાવવા માટે વિરોધ પ્રદર્શન યોજાશે












