દિલ્હીની માફક અમદાવાદમાં પણ આજે લોકશાહી બચાવવા માટે વિરોધ પ્રદર્શન યોજાશે
Ahmedabad Gen Z Protest: ચૂંટણી માટેની SIR પ્રક્રિયા દરમિયાન મતદારોના નામ ડિલીટ કરવાના મુદ્દે ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકાર સામે શરૂ થયેલો વિરોધ હવે દેશના અન્ય શહેરોમાં પણ જોવા મળી રહ્યો છે. દિલ્હીમાં જંતર-મંતર ખાતે યોજાનારા વિરોધની અસર હવે અમદાવાદમાં પણ જોવા મળશે. લોકશાહી અને મતાધિકારના મુદ્દે આજે, 10 ઓક્ટોબરે, અમદાવાદના આશ્રમ રોડ પર યુવાનો અને વિવિધ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
આશ્રમ રોડ પર સાંજે 6:30 વાગ્યે એકઠા થશે યુવાનો
મળતી માહિતી મુજબ, આજે સાંજે 6:30 વાગ્યે આશ્રમ રોડ પર આવેલી એમ.જે. લાઈબ્રેરી પાસે મોટી સંખ્યામાં યુવાનો અને વિવિધ સંગઠનોના કાર્યકરો એકઠા થશે. ‘ડેમોક્રેસી અગેઇન્સ્ટ ડિલિટેશન’ના નારા સાથે યોજાનારા આ વિરોધમાં મતદારોના નામ ડિલીટ કરવાની પ્રક્રિયા સામે અવાજ ઉઠાવવામાં આવશે.
આ કાર્યક્રમમાં NSUI અને યુથ કોંગ્રેસ ઉપરાંત વિવિધ લેફ્ટ વિંગ સંગઠનો તથા Gen-Z યુવાનો પણ જોડાવાની શક્યતા છે.
400થી 500 લોકો જોડાય તેવી શક્યતા
આ વિરોધ પ્રદર્શનમાં NSUI અને યુથ કોંગ્રેસના કાર્યકરો ઉપરાંત SFI, SYCA, RDAM, NAPM, AIMSS, DYF અને MSD સહિતના સંગઠનોના કાર્યકરો જોડાય તેવી શક્યતા છે.
આયોજકોના જણાવ્યા મુજબ, Gen-Z યુવાનો સાથે વિવિધ સંગઠનોના કાર્યકરોને મળીને આશરે 400થી 500 લોકો વિરોધ પ્રદર્શનમાં એકઠા થઈ શકે છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
દિલ્હીના આંદોલનની અસર અમદાવાદમાં
દિલ્હીમાં આજે જંતર-મંતર ખાતે યોજાનારા મોટા વિરોધ પ્રદર્શનની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. લોકશાહી અને મતાધિકારના મુદ્દે વિવિધ સંગઠનો દ્વારા દેશભરમાં વિરોધનો માહોલ ઊભો કરવામાં આવી રહ્યો છે. હવે અમદાવાદમાં પણ યુવાનો રસ્તા પર ઉતરીને પોતાની માગણીઓ રજૂ કરશે.
પોલીસ પણ એલર્ટ મોડમાં
અમદાવાદમાં યોજાનારા વિરોધને લઈને પોલીસ અને તંત્ર પણ એલર્ટ મોડમાં હોવાનું સામે આવ્યું છે. દિલ્હીમાં યોજાનારા આંદોલનમાં અમદાવાદથી યુથ કોંગ્રેસ અને NSUIના નેતાઓ તથા કાર્યકરો ભાગ ન લે અને દિલ્હી ન જાય તે માટે પોલીસ દ્વારા વહેલી સવારથી જ કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાના અહેવાલ છે.
કેટલાક નેતાઓ અને કાર્યકરોને હાઉસ કોર્ડન કરવામાં આવ્યા હોવાનું, જ્યારે કેટલાકની અટકાયત પણ કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
આજે સાંજે અમદાવાદમાં શું થશે?
એક તરફ સંગઠનો મોટી સંખ્યામાં યુવાનોને એકઠા કરવાની તૈયારીમાં છે, તો બીજી તરફ પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. પરિણામે આજે સાંજે આશ્રમ રોડ વિસ્તાર પર રાજકીય વિરોધ અને પોલીસ બંદોબસ્ત વચ્ચે ગરમાવો જોવા મળે તેવી શક્યતા છે.
આ પણ વાંચો: અમદાવાદમાં દારૂના ‘લાઈવ કટિંગ’નો પર્દાફાશ! અસલાલીમાં 18 લાખના દારુ સાથે 4ની ધરપકડ












