ગુજરાત

પાટણ પોલીસની દાદાગીરી સામે હાઈકોર્ટ લાલઘૂમ: 18 આરોપીઓની જાહેર પરેડ મામલે SP અને DySP સહિતના અધિકારીઓને નોટિસ

Chanasma Farmhouse Attack Controversy: પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઝીલિયા ગામે બનેલી ફાર્મહાઉસ હુમલાની ઘટના બાદ પોલીસ દ્વારા આરોપીઓની જાહેરમાં પરેડ કરાવીને માર મારવાના ચર્ચાસસ્પદ મામલે ગુજરાત હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. પાટણના તત્કાલીન SP, ચાણસ્માના DySP, PI, PSI તેમજ LCB અને SOG ના કર્મચારીઓ સહિતના અધિકારીઓને કોર્ટે નોટિસ ફટકારી છે. આરોપીઓને દોરડાથી બાંધીને 1 કિ.મી. સુધી જાહેરમાં ફેરવી માર મારવાના કૃત્ય સામે ભોગ બનનારે હાઈકોર્ટમાં કન્ટેમ્પ્ટ અરજી દાખલ કરી હતી, જેના પર 31 ઓગસ્ટના રોજ સુનાવણી હાથ ધરાઈ હતી.

સુપ્રીમ કોર્ટના આદેશોનો સરેઆમ ભંગ

ભોગ બનનાર યુવકે પોતાની અરજીમાં ગંભીર આરોપો લગાવતા જણાવ્યું હતું કે, 18 માર્ચના રોજ પોલીસે LCB ઓફિસથી લઈને ST સ્ટેન્ડ સુધીના 1 કિ.મી.થી વધુ અંતરમાં એક ચોક્કસ સમાજના 18 આરોપીઓને દોરડાથી બાંધીને પરેડ કરાવી હતી. આ દરમિયાન 30 થી 40 જેટલા પોલીસ કર્મચારીઓએ જાહેરમાં લાકડીઓ અને પટ્ટાથી આરોપીઓને ઢોર માર માર્યો હતો. ગુનો સાબિત થયો ન હોવા છતાં જાહેરમાં માફી મંગાવવા બળપ્રયોગ કરાયો હતો. આ કૃત્ય સુપ્રીમ કોર્ટના ‘ડી.કે. બાસુ’ ચુકાદા અને DGP ની માર્ગદર્શિકાનો ખુલ્લેઆમ ભંગ હોવાનો દાવો કરાયો છે.

SP-DySP ને સસ્પેન્ડ કરી જેલમાં ધકેલવાની અપીલ

અરજીમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે પોલીસ સ્ટેશનમાં આરોપીઓને નગ્ન કરીને માર મારવામાં આવ્યો હતો અને તેના વીડિયો પણ મીડિયામાં વાયરલ થયા હતા. અરજદારે હાઈકોર્ટ સમક્ષ માંગ કરી છે કે કન્ટેમ્પ્ટની સમરી પ્રોસિડિંગ્સ હાથ ધરીને પાટણ SP, DySP સહિત જવાબદાર તમામ અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે. ઉપરાંત, કાયદાનું ઉલ્લંઘન કરનાર પોલીસ કર્મચારીઓને નોકરીમાંથી બરતરફ કરી સુપ્રીમ કોર્ટના નિયમો હેઠળ ત્વરિત 6 મહિનાની જેલની સજા ફટકારવામાં આવે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

પોલીસ ભાગી છૂટી તો આબરૂ બચાવવા કાઢ્યું સરઘસ

સમગ્ર ઘટનાની પૃષ્ઠભૂમિ અંગે વાત કરીએ તો, ચાણસ્માના ઝીલિયા ગામે ગૌચર જમીન પર બનેલા એક અનાધિકૃત ફાર્મહાઉસ પર હુમલો થયો હતો. હુમલાની આગોતરી જાણ હોવા છતાં ઘટનાસ્થળે હાજર પોલીસકર્મીઓ ભાગી છૂટ્યા હતા, જેમને પાછળથી સસ્પેન્ડ કરાયા હતા. તંત્રે બાદમાં ગેરકાયદે ફાર્મહાઉસ તોડી પાડ્યું હતું. પરંતુ ખાખી વર્દીની આબરૂ ખરડાતાં, પોતાની નિષ્ફળતા છુપાવવા માટે પાટણ પોલીસે આરોપીઓને પકડીને ઓગસ્ટ 2026 માં કોર્ટ કાર્યવાહી ચાલે ત્યાં સુધીમાં જાહેરમાં સરઘસ કાઢી કાયદો હાથમાં લીધો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ભાયલી દુષ્કર્મ કેસમાં ઐતિહાસિક ચુકાદો: પાંચેય દોષિતોને અંતિમ શ્વાસ સુધીની કેદ

Back to top button