ગુજરાતટોપ ન્યૂઝ

ભાડા વિધેયક સામે વકીલોની 6 દિવસીય હડતાલનો સુખદ અંત: સરકારે બનાવી 5 સભ્યોની કમિટી

Gujarat lawyers strike Rent Act Ended: નવા ભાડા વિધેયકને લઈને છેલ્લા 6 દિવસથી સમગ્ર રાજ્યમાં ચાલતી વકીલોની હડતાલ અને વિરોધ પ્રદર્શનનો આખરે સુખદ અંત આવ્યો છે. રાજ્ય સરકાર અને વકીલ મંડળો વચ્ચે યોજાયેલી ઉચ્ચ સ્તરીય સફળ બેઠક બાદ ભાડા વિધેયકમાં જરૂરી સુધારા-વધારા કરવા માટે 5 સભ્યોની વિશેષ કમિટી રચવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. આ સાથે જ સરકારે વકીલોને સ્પષ્ટ ખાતરી આપી છે કે ભાડૂઆત અને મિલકત સંબંધિત વિવાદોની સુનાવણી અને ન્યાયિક સત્તા જ્યુડિશિયલ ઓથોરિટી પાસે જ જળવાઈ રહેશે, જેને પગલે વકીલોએ પોતાનો વિરોધ પાછો ખેંચવાની સત્તાવાર જાહેરાત કરી છે.

નાયબ મુખ્યમંત્રી સાથેની બેઠકમાં ઉકેલાયો ગૂંચવાડો

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન પી.ડી. પટેલના જણાવ્યા અનુસાર, નવા ભાડા વિધેયકની કેટલીક વિવાદિત જોગવાઈઓને કારણે રાજ્યભરના વકીલોમાં ભારે નારાજગી હતી અને તેઓ અદાલતી કામકાજથી અળગા રહ્યા હતા. આ મામલે નાયબ મુખ્યમંત્રી તેમજ બાર કાઉન્સિલના પ્રતિનિધિઓ વચ્ચે વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. સરકારે ખાતરી આપી છે કે નવા કાયદાની પુનઃ સમીક્ષા કરવા માટે પાંચ સભ્યોની કમિટીની રચના કરાશે. આ કમિટી જે પણ સુધારા સૂચવશે તેના આધારે કાયદામાં જરૂરી સુધારા કરવાનો આખરી નિર્ણય લેવામાં આવશે.

કલેક્ટરને સત્તા આપવાનો વિવાદિત મુદ્દો રદ

સ્મોલ કોઝ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ જયશંકર પ્રજાપતિએ જણાવ્યું હતું કે, વકીલોની મુખ્ય રજૂઆતોને સરકારે ગંભીરતાથી ધ્યાને લીધી છે. વર્તમાન કાયદા અને પ્રસ્તાવિત નવા કાયદાની જોગવાઈઓની સરખામણી કરીને જરૂરી ફેરફારો કરવામાં આવશે. ખાસ કરીને ભાડૂઆત અને મિલકત માલિક વચ્ચેના વિવાદો ઉકેલવાની સત્તા સિવિલ અને સ્મોલ કોઝ કોર્ટ પાસે જ રહેશે, જ્યારે કલેક્ટર કે કોર્પોરેશનના અધિકારીઓને આ ન્યાયિક સત્તાઓ સોંપવાનો મુદ્દો રદ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે કેન્દ્ર સરકાર તરફથી આવેલો મોડેલ એક્ટ સીધો લાગુ કરવાનો પ્રયાસ થયો હતો, પરંતુ વકીલોના વાંધા-સૂચનો બાદ હવે સરકારે સાનુકૂળ વલણ અપનાવ્યું છે.

7 ઓક્ટોબરથી અદાલતો ધમધમશે

અમદાવાદ ક્રિમિનલ કોર્ટના અગ્રણી વકીલ જગતભાઈ ચોક્સીએ જાહેરાત કરી હતી કે સરકાર સાથેની વાટાઘાટો સફળ રહી હોવાથી વકીલોએ પોતાનો વિરોધ સમેટી લીધો છે. આગામી 7 ઓક્ટોબરથી રાજ્યની તમામ અદાલતોમાં કામગીરી રાબેતા મુજબ પૂર્વવત શરૂ થઈ જશે. હડતાલ પૂરી થતાં છેલ્લા 6 દિવસથી પોતાના કેસોની સુનાવણી માટે અટવાયેલા હજારો પક્ષકારો અને નાગરિકોને મોટોકારો રાહતનો શ્વાસ મળશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

શા માટે વકીલો ભાડા વિધેયકના વિરોધમાં ઉતર્યા હતા?

જૂના કાયદા હેઠળ મિલકત માલિક અને ભાડૂઆત વચ્ચેના તમામ વિવાદોની સુનાવણી સ્મોલ કોઝીઝ કોર્ટમાં તાલીમબદ્ધ ન્યાયાધીશો દ્વારા હાથ ધરવામાં આવતી હતી. પરંતુ નવા ડ્રાફ્ટ બિલમાં આ સત્તાઓ આંચકીને નાયબ કલેક્ટર અથવા મદદનીશ મ્યુનિસિપલ કમિશનર કક્ષાના વહીવટી અધિકારીઓને આપવાની જોગવાઈ હતી. વકીલોનો મુખ્ય વાંધો એ હતો કે વહીવટી અધિકારીઓ પાસે કાયદાકીય પ્રક્રિયા અને ન્યાયિક તાલીમ હોતી નથી. આ ઉપરાંત, વકીલો અને પક્ષકારો માટે કોર્ટ સંકુલ છોડીને અલગ-અલગ ઝોન કે કલેક્ટર કચેરીઓએ ધક્કા ખાવા અત્યંત મુશ્કેલ બને તેમ હતું. રાજ્યપાલની મંજૂરી માટે પેન્ડિંગ આ વિધેયકમાં હવે કમિટીના સૂચનો બાદ યોગ્ય સુધારા કરવામાં આવશે.

આ પણ વાંચો: અમદાવાદ: ગેસ્ટ્રો હોસ્પિટલમાં તપાસના બહાને IIM ની વિદ્યાર્થિનીની છેડતી, ડોક્ટરની ધરપકડ

Back to top button