ગુજરાતટોપ ન્યૂઝ

સાણંદના કલાણા ગામે જૂથ અથડામણ, પોલીસનાં ધાડેધાડાં ઊતર્યાં

સાણંદમાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે પથ્થરમારાની ઘટના બની છે. સોમવારે રાત્રિના પથ્થરમારો થયા બાદ મંગળવારે સવારે ફરી સ્થિતિ બગડતા ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે.

સાણંદના કલાણા ગામમાં રહેતા બે જૂથના યુવાનો વચ્ચે છેલ્લા કેટલાય સમયથી સોશિયલ મીડિયામાં મૂકાતી પોસ્ટને લઈ વિવાદ ચાલી રહ્યો છે. સોમવારે એક જૂથના યુવકને અન્ય જૂથના યુવકોએ ‘સામે કેમ જુવે છે’ કહી માથાકૂટ કરી હતી. ત્યારબાદ બંને જૂથના લોકો એકઠા થઈ ગયા હતા અને મારામારી કરી હતી. પોલીસે બંને જૂથના લોકો સામે સામસામી ફરિયાદ નોંધી હતી. આજે સવારે ફરી બંને જૂથના લોકો વચ્ચે સ્થિતિ બગડી હતી અને પથ્થરમારો શરૂ થતા અલગ અલગ પોલીસની ટીમો કલાણા ગામ પહોંચી છે અને સ્થિતિને કાબૂમાં લીધી છે.

સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કલાણા ગામ છે. બે જૂથના યુવકો વચ્ચે સામે જોવાની બાબતને લઈ ઝઘડો થયો હતો. બંને જૂથના લોકોએ સામસામે પથ્થરમારો કરતા સામસામી ફરિયાદ નોંધાઈ છે. ગામમાં કોમ્બીંગ ચાલુ છે. ગામમાં બંદોબસ્ત છે અને હાલ શાંતિ છે. જે લોકો શંકાસ્પદ છે તેઓની પૂછપરછ ચાલુ છે.

Back to top button