ગરીબ કેદીઓની 1 લાખ સુધીની જામીન રકમ સરકાર ભરશે, સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો નિર્ણય
નવી દિલ્હી: 19 ઓક્ટોબર, 2025: Supreme Court: સુપ્રીમ કોર્ટે એક અનોખી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર (SOP) તૈયાર કરી છે, જે અંતર્ગત જો કોઈ ગરીબ વ્યક્તિ જામીન માટે આર્થિક ગેરંટી આપવામાં અસમર્થ હોય, તો સરકારે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ (DLSA) મારફતે તે રકમ પૂરી પાડવી પડશે. આ રીતે તેમની જેલમાંથી મુક્તિ સુનિશ્ચિત કરવામાં આવશે.
અદાલતે આ SOP વરિષ્ઠ વકીલ સિદ્ધાર્થ લૂથરા અને વધારાના સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીના સૂચનો પછી તૈયાર કરી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે સ્વયં સંજ્ઞાન (Suo Motu) લીધો હતો, જ્યારે તેને જાણ થઈ કે હજારો વિચારાધીન કેદીઓ જામીન મળ્યા છતાં માત્ર એટલા માટે જેલમાં બંધ છે, કારણ કે તેઓ જામીન બોન્ડ અથવા ગેરન્ટર પ્રદાન કરી શકતા નથી.
DLSA ભરશે 1 લાખ સુધીની જામીન રકમ:
જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને જસ્ટિસ એસ.સી. શર્માની બેન્ચે કહ્યું કે, DLSA 1 લાખ સુધીની જામીન રકમ ભરી શકે છે. જો ટ્રાયલ કોર્ટે તેનાથી વધુ રકમ નક્કી કરી હોય, તો DLSA તેને ઘટાડવા માટે અરજી દાખલ કરશે.
બેન્ચે નિર્દેશ આપ્યો કે જો જામીન મળ્યાના 7 દિવસની અંદર વિચારાધીન કેદીને મુક્ત કરવામાં ન આવે, તો જેલ પ્રશાસન DLSA સચિવને જાણ કરશે. સચિવ તરત જ એક વ્યક્તિને નિયુક્ત કરશે કે કેદીના બચત ખાતામાં પૈસા છે કે કેમ, તે તપાસે. જો આરોપી પાસે પૈસા ન હોય, તો જિલ્લા સ્તરની સશક્ત સમિતિ DLSAની ભલામણ પર 5 દિવસની અંદર જામીન માટેની રકમ જારી કરવાનો નિર્દેશ આપશે.
કોર્ટના નિર્ણયના મુખ્ય અંશો:
સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે, “એવા મામલાઓમાં જ્યાં સશક્ત સમિતિ એ ભલામણ કરે છે કે, વિચારાધીન કેદીને ગરીબ કેદીઓ માટેની સહાય યોજના હેઠળ નાણાંકીય સહાય આપવામાં આવે, તો પ્રતિ કેદી માટે 50 હજાર સુધીની આવશ્યક રકમને સંબંધિત કોર્ટને ફિક્સ્ડ ડિપોઝિટ (Fixed Deposit) તરીકે પાંચ દિવસની અંદર ઉપલબ્ધ કરાવવી પડશે.”
અદાલતના આ પગલાથી ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગના કેદીઓને, જેઓ માત્ર પૈસાના અભાવે જેલમાં સબડી રહ્યા છે, તેમને રાહત મળશે અને ન્યાય પ્રણાલીમાં સમાનતા સુનિશ્ચિત થશે.
આ પણ વાંચોઃ અમદાવાદના આ વિસ્તારમાં બનશે આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે 7૦૦થી વધુ આવાસ












