
Gota Ward Water Contamination: અમદાવાદના ગોતા વોર્ડ વિસ્તારમાં દૂષિત પાણીના કારણે ફેલાયેલા રોગચાળા મામલે નવો ખુલાસો સામે આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવેલા પાણીના સેમ્પલમાંથી 3 જૂનના રોજ લેવામાં આવેલા નમૂનાઓ અનફિટ જાહેર થયા છે, જ્યારે 4 અને 5 જૂનના રોજ લેવામાં આવેલા 22 જેટલા સેમ્પલ પીવા લાયક હોવાનું સામે આવ્યું છે.
આ ઘટનાથી સ્પષ્ટ થયું છે કે ખાસ કરીને 3 જૂનના દિવસે આકાંક્ષા ફ્લેટ, નવરત્ન એવન્યુ અને વર્ધમાન ફ્લેટ વિસ્તારમાં પાણી પ્રદૂષિત હતું, જેના કારણે ત્યાં રહેતા લોકોમાં રોગચાળો ફેલાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આરોગ્ય વિભાગના અહેવાલ મુજબ તે દિવસે લીધેલા ત્રણ સોસાયટીઓના પાણીના નમૂનાઓમાં ગુણવત્તા માપદંડો પૂર્ણ થયા ન હતા.
મળતી માહિતી મુજબ 4 અને 5 જૂનના રોજ ફરીથી લેવામાં આવેલા 17થી વધુ સેમ્પલમાં ક્લોરિનનું પ્રમાણ યોગ્ય મળ્યું હતું અને તમામ નમૂનાઓ ફિટ જાહેર કરવામાં આવ્યા હતા. આથી હાલની સ્થિતિમાં પાણી પીવા લાયક હોવાનું મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જણાવવામાં આવ્યું છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના વડા ડો. ભાવિન સોલંકીના જણાવ્યા મુજબ, ગોતા વોર્ડમાં પાણી પ્રદૂષિત હોવાની ફરિયાદ મળ્યા બાદ તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી હતી. વિવિધ સોસાયટીઓમાંથી પાણીના નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જેમાં શરૂઆતમાં કેટલીક જગ્યાએ ખામી જોવા મળી હતી, પરંતુ બાદમાં લેવાયેલા સેમ્પલ સ્વચ્છ હોવાનું સાબિત થયું છે.
આ સમગ્ર ઘટનામાં ગોતા વિસ્તારની આકાંક્ષા ફ્લેટ સહિત પાંચ જેટલી સોસાયટીઓમાં દૂષિત પાણીના કારણે લગભગ 300 જેટલા લોકો બીમાર પડ્યા હોવાનું સામે આવ્યું છે. દર્દીઓમાં ઉલટી, પેટદર્દ, ડાયેરિયા જેવા લક્ષણો જોવા મળ્યા હતા, જેના કારણે આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. જોકે હવે પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, પરંતુ શરૂઆતના દિવસોમાં ફેલાયેલા રોગચાળાના કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે પાણી પુરવઠા વ્યવસ્થામાં ગંભીર બેદરકારી થઈ છે.
આ તરફ, મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર વિભાગની જવાબદારી અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ કાર્યવાહી ન થતા પ્રશ્નો ઊભા થયા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે પણ આ મામલે તપાસ કરીને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે, છતાં અત્યાર સુધી કોઈ અધિકારી સામે સીધી જવાબદારી નક્કી કરવામાં આવી નથી. સ્થાનિક સ્તરે લોકો હવે પાણીની ગુણવત્તા અને નિયમિત ચકાસણીને લઈને વધુ કડક વ્યવસ્થા કરવાની માંગ કરી રહ્યા છે, જેથી ભવિષ્યમાં આવી સ્થિતિ ફરી ન સર્જાય.
આ પણ વાંચો: કરજણ પાસે ભયાનક અકસ્માત, ઉભેલી કારને આઈસર ટ્રકે ટક્કર મારતા 3 લોકોના મોત












