ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગવિશેષ

ગુજરાતમાં ઇબોલાનો પહેલો શંકાસ્પદ કેસ નોંધાયો, ગુજરાત આરોગ્ય વિભાગ સતર્ક

Ebola virus Gujarat: આફ્રિકાના યુગાન્ડા, કોંગો અને સાઉથ સુદાનમાં ઇબોલા વાઇરસના કેસ વધતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના આરોગ્ય વિભાગે તકેદારીના પગલાં શરૂ કર્યા છે. વડોદરાની એક વ્યક્તિને શંકાસ્પદ લક્ષણોને કારણે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેના સેમ્પલ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

હોમ આઇસોલેશન અને ક્વોરેન્ટાઇન વ્યવસ્થા

છેલ્લા કેટલાક દિવસોમાં યુગાન્ડાથી અમદાવાદ આવેલા 11 વ્યક્તિઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. આમાંથી 10 થલતેજ અને 1 જોધપુર વિસ્તારના છે. અધિકારીઓએ જણાવ્યું કે આ તમામ વ્યક્તિઓમાં કોઈ લક્ષણો નથી અને તેઓ પોઝિટિવ કેસના સંપર્કમાં પણ નથી આવ્યા. આ ત્રણેય દેશોમાંથી આવતા મુસાફરોને ફરજિયાત હોમ આઇસોલેશનમાં રાખવામાં આવશે.

SVP હોસ્પિટલમાં શંકાસ્પદ દર્દીઓ માટે 60 બેડનો અલગ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ આઇસોલેશન વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે.

એરપોર્ટ પર સઘન સ્ક્રીનિંગ

અમદાવાદ એરપોર્ટ પર આ ત્રણ દેશોમાંથી આવતા મુસાફરોનું વિશેષ સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ (SDF) ભરવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. ફ્લાઇટમાં આરોગ્ય સંબંધિત જાહેરાતો પણ કરવામાં આવે છે.

AMC આરોગ્ય અધિકારી ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર, સિવિલ હોસ્પિટલ અને એરપોર્ટ સાથે સંકલનમાં કામ કરવામાં આવી રહ્યું છે. અત્યારે ગુજરાતમાં કોઈ પોઝિટિવ કેસ નોંધાયો નથી.

1976માં પહેલી વાર જોવા મળ્યો હતો આ વાઇરસ

ઇબોલા વાઇરસ 1976માં પ્રથમ વખત આફ્રિકામાં જોવા મળ્યો હતો. તે લોહી, ઉલટી અને શરીરના અન્ય પ્રવાહી દ્વારા ફેલાય છે. મૃત્યુદર 25%થી 90% સુધી હોઈ શકે છે. હાલમાં કોંગોના ઇટુરી પ્રાંતમાં આ વાઇરસના સેંકડો શંકાસ્પદ કેસ અને 80થી વધુ મૃત્યુના અહેવાલ છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ તેને આંતરરાષ્ટ્રીય જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી છે. આ વખતે બુંડીબુગ્યો સ્ટ્રેન જોવા મળ્યો છે, જે અગાઉના સ્ટ્રેન કરતાં અલગ છે.

આ પણ વાંચો: LRD ઉમેદવારોની પ્રતીક્ષાનો અંત: લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા 14 જૂને

Back to top button