ટ્રેન્ડિંગનેશનલ

બિહારની મોડેલ સદર હોસ્પિટલ પોતે જ બીમાર, વીજળી ગુલ થતા મોબાઈલ ટોર્ચના અજવાળે દર્દીઓની સારવાર

ગોપાલગંજ: બિહારના ગોપાલગંજમાં આવેલી મોડેલ સદર હોસ્પિટલ પોતે જ બીમાર છે અને તેને ઈલાજની જરૂર છે. હોસ્પિટલમાં એક વિશાળ અને વૈભવી ભવન બની ગયું છે, દર્દીઓની સુવિધા માટે મોંઘી અને અત્યાધુનિક મશીનરી પણ લગાવવામાં આવી છે. પરંતુ, અહીં હજુ પણ પુરતી વીજળીની સુવિધા નથી. આ જ કારણ છે કે આ મોડેલ હોસ્પિટલમાં વારંવાર વીજળી જતી રહે છે, જેના કારણે ડોકટરો અંધારામાં દર્દીઓની સારવાર કરવા મજબુર બન્યા છે. બિહારની આ મોડેલ હોસ્પિટલનો એક વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

હોસ્પિટલના એક વીડિયોમાં, તમે જોઈ શકો છો કે બહુમાળી ઇમારતમાં વીજળી ગુલ થઈ ગઈ છે, જેના કારણે ડોકટરોથી લઈને દર્દીઓ સુધી બધાને અંધારામાં રહેવાની ફરજ પડી રહી છે. ફરજ પરના સ્વાસ્થ્ય કર્મચારીઓ મોબાઇલ ફ્લેશલાઇટનો ઉપયોગ કરીને અંધારામાં દર્દીઓની સારવાર કરી રહ્યા છે, જ્યારે દર્દીઓ પણ અંધારાથી ખૂબ જ પરેશાન દેખાય છે.

વીજળી ગુલ થવાથી દર્દીઓ પરેશાન

જે વીડિયો સામે આવ્યો છે તે સદર હોસ્પિટલની આલીશાન ઇમારતનો છે, જ્યાં છેલ્લા કેટલાક દિવસોમાં ઘણા કલાકો સુધી વીજળી ગુલ થઈ ગઈ હતી. આ અઠવાડિયામાં આ બીજી વખત છે જ્યારે વીજળી ગુલ થવાને કારણે હોસ્પિટલનું કામ ઠપ્પ થઈ ગયું છે અને દર્દીના પરિવારના સભ્યો લાંબા સમય સુધી અટવાઈ ગયા છે.

હોસ્પિટલમાં જ્યારે વીજળી ગુલ થઈ, ત્યારે ઘણા દર્દીઓ ઇમરજન્સી વોર્ડ, મહિલા વોર્ડ અને બાળકોના વોર્ડમાં દાખલ હતા. જોકે, જનરેટર કનેક્શનના અભાવ અને વીજળીની વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાના કારણે, આ વિસ્તારમાં લાંબા સમય સુધી અંધારું રહ્યું.

મોબાઇલ ટોર્ચલાઇટથી સારવાર

એક દર્દીના સગા ઇરફાન અલી ગુડ્ડુએ કહ્યું- જ્યારે હું મારા પરિવારના સભ્યને લઈને અહીં આવ્યો, ત્યારે જોયુ કે અહીં તો લાઈટ જ નથી. અંધારાના કારણે અન્ય દર્દીઓ પણ પરેશાન હતા. ફરજ પરના કર્મચારીઓ મોબાઇલ ટોર્ચલાઇટથી દર્દીઓની સારવાર કરી રહ્યાં હતા. મોડેલ હોસ્પિટલમાં કરોડોના ખર્ચે આલીશાન ઇમારત બનાવવામાં આવી છે, પરંતુ ઘણા કલાકોથી અહીં લાઈટ જ નથી. દર્દીઓના સગા મોબાઈલ ટોર્ચ ચાલુ કરે છે અને તેના આધારે ડૉક્ટર પ્રિસ્ક્રિપ્શન લખી રહ્યા છે. મોબાઈલ ટોર્ચના અજવાળે દર્દીઓને ઇન્જેક્શન આપવામાં આવી રહ્યા છે. આ કારણે દર્દીઓ અને તેમના પરિવારોને દરરોજ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

બીજા એક દર્દીના સંબંધી બસંત સિંહે કહ્યું- હું થોડા સમય પહેલા જ અહીં આવ્યો, જ્યારે હું પહોંચ્યો ત્યારે અહીં વીજળી ગુલ થઈ ગઈ હતી. ટેકનિશિયન વીજળી લાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ વારંવાર વીજળી ગુલ થઈ જતી હતી, જેના કારણે ડૉક્ટરને મોબાઇલ ફોનની ફ્લેશલાઇટથી દર્દીઓની સારવાર કરવી પડી.

ગોપાલગંજ મોડેલ હોસ્પિટલ પોતે જ બીમાર

આશ્ચર્યની વાત એ છે કે, આ ગોપાલગંજ મોડેલ હોસ્પિટલ બિહારના મુખ્ય સચિવ પ્રત્યય અમૃતના ગૃહ જિલ્લામાં આવેલુ છે. પરિણામે, ગોપાલગંજની મોડેલ હોસ્પિટલની આ વાસ્તવિકતા ચોંકાવનારી છે. જો કે, આ મોડેલ હોસ્પિટલ, જે અન્ય લોકોનો ઈલાજ કરે છે, તેને પોતાને હવે ઈલાજની જરૂર હોય તેમ લાગી રહ્યું છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્ર: સાંગલીમાં ફટાકડા બનાવતી ફેક્ટરીમાં બ્લાસ્ટ, 2 કિલોમીટર દૂર સુધી અનુભવાઈ અસર

Back to top button