
ગાંધીનગર, 2 જૂન, 2025: ભારતના નાણાં બજારોએ એક નવું સીમાચિહ્ન સ્થાપિત કર્યુ છે. જેમાં ગાંધીનગર સ્થિત GIFT સિટીમાં સ્થિત NSE ઇન્ટરનેશનલ એક્સચેંજ (NSE IX) પર ટ્રેડ થતા ડેરિવેટિવ કોન્ટ્રેક્ટ GIFT NIFTYએ મે 2025મા 102.35 અબજ ડોલર (આશરે 8.75 લાખ કરોડ રૂપિયા)નું માસિક ટર્નઓવર હાંસલ કર્યુ હતું, જે અત્યાર સુધીનૌ સૌથી મોટો આંકડો છે. આ પહેલા એપ્રિલ 2025માં 100.93 અબજ ડોલરનો રેકોર્ડ બન્યો હતો, જેના સ્થાને હવે નવો રેકોર્ડ બન્યો છે.
GIFT NIFTYની શાનદાર સફર
3 જુલાઇ 2023ના રોજ સંપૂર્ણ રીતે કામગીરી શરૂ કર્યા બાદ GIFT NIFTYનું કુલ ટર્નઓવર 1.93 ટ્રિલીયન ડોલર સુધી ગયુ છે. મે 2025 સુધી 43.28 મિલીયનથી વધુના કોન્ટ્રેક્ટ્સ પર ટ્રેડિંગ થયુ છે. NSE IXએ એક નિવેદનમાં કહ્યુ હતુ કે અમે GIFT NIFTYની આ સફળતાથી ખુશ છીએ અને જેમણે આને એક સફળ પ્રોડક્ટ બનાવી છે તેવા દરેક પાર્ટિસિપન્ટસનો આભાર કરીએ છીએ.
ભારતીય રિટેલ રોકાણકારોની શું છે સ્થિતિ?
GIFT નિફ્ટીએ વૈશ્વિક સ્તરે ધૂમ મચાવી હોવા છતાં ભારતીય રિટેલ રોકાણકારો હજુ પણ આ પ્લેટફોર્મનો સીધો લાભ મેળવી શકતા નથી. RBIની લિબરલાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ (LRS) હેઠળ, ભારતીય રોકાણકારો ફ્યુચર્સ અને ઓપ્શન્સ (F&O) જેવા લિવરેજ્ડ ટ્રેડિંગમાં 250,000 ડોલર (રૂ. 2 કરોડથી વધુ)ની તેમની વાર્ષિક મર્યાદાનો ઉપયોગ કરી શકતા નથી.
જોકે, ભારતીય બ્રોકરેજ કંપનીઓ અને તેમની પેટાકંપનીઓ આ પ્લેટફોર્મ પર NRI ક્લાયન્ટ્સ અને હાઇ નેટ વર્થ ભારતીય પરિવારની ઓફિસોને ઓનબોર્ડ કરી શકે છે અને તેમના વતી વેપાર કરી શકે છે.
NSE IX એ GIFT સિટીનું વૈશ્વિક નાણાકીય કેન્દ્ર
NSE IXની સ્થાપના 5 જૂન 2017ના રોજ કરવામાં આવી હતી અને તે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટર્સ ઓથોરિટી (IFSCA)ના નિયમન હેઠળ કાર્ય કરે છે. GIFT IFSCમાં તેનો 99 ટકાથી વધુ બજાર હિસ્સો છે. ભારતીય સિંગલ સ્ટોક અને ઇન્ડેક્સ ડેરિવેટિવ્ઝ, કરન્સી ડેરિવેટિવ્ઝ, ડિપોઝિટરી રિસિપ્ટ્સ અને વૈશ્વિક ઇક્વિટી જેવા ઘણી પ્રોડક્ટ્સ અહીં ઉપલબ્ધ છે. આ ઉપરાંત, ESG-લિંક્ડ ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, SPACs, REITs અને InvITsનું લિસ્ટિંગ પણ કરી શકાય છે.
અમેરિકન રોકાણકારોને પણ પરવાનગી મળી
GIFT નિફ્ટીને યુએસ નાણાકીય નિયમનકારો CFTC અને SEC તરફથી પણ મંજૂરી મળી છે, જેથી યુએસ સ્થિત રોકાણકારો પણ આ પ્લેટફોર્મ પર ડેરિવેટિવ પ્રોડક્ટ્સમાં વેપાર કરી શકે.
GIFT નિફ્ટીની આ સિદ્ધિ ભારતને વૈશ્વિક નાણાકીય કેન્દ્ર તરીકે સ્થાપિત કરવા તરફ એક મોટું પગલું છે. જેમ જેમ વધુ આંતરરાષ્ટ્રીય રોકાણકારો જોડાશે, તેમ તેમ ભારતીય બજારો વધુ વૃદ્ધિ પામશે તેવી અપેક્ષા છે.
(નોંધઃ અહીં દર્શાવેલ મંતવ્યો જે તે નિષ્ણાતોના પોતાના છે. જેની HD News કોઇ જવાબદારી લેતુ નથી. રોકાણકારોએ પોતાના નાણાંકીય સલાહકારો પૂછીને પોતાના નિર્ણયો લેવાના રહેશે.)
આ પણ વાંચોઃ અમરેલી : સાળી-બનેવીના સંબંધોને કલંક લગાવતો કિસ્સો, 11 વર્ષની સગીરા પર દુષ્કર્મ












