બનાસકાંઠામાં જુના ડીસા ગામે ગેસ લાઈનમાં અને મંડોરામાં મકાનમાં આગ લાગી

- આગ લાગતાં એક ઈલેક્ટ્રોનિક સ્કુટર સહિત બે બાઈક બળીને ખાક
- ફાયર ફાયટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી
પાલનપુર, 05 જૂન 2024, ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે અનેક જગ્યાએ આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ડીસા શહેરમાં આવેલ મંડોરા સોસાયટીમાં એક રહેણાંક મકાનમાં મોડીરાત્રે આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી. આગ લાગતાં લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતાં અને ફાયર ફાયટરને જાણ કરાતાં ફાયર ફાયટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરાયા હતા.આગ કાબુમાં આવે તે પહેલાં મકાનમાં રહેલ એક ઈલેક્ટ્રોનિક સ્કુટર અને બે બાઈકો બળીને ખાક થઈ ગયાં હતાં. જોકે મોડીરાત્રે દરમિયાન લાગેલ આગને ફાયર ફાયટરની ટીમ દ્વારા કાબુમાં લેવાતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
આગની ઘટનામાં જાનહાનિ ટળી જતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો
આ ઉપરાંત આગના બીજા બનાવમાં જુના ડીસા ગામે મદીના પાર્ક સોસાયટી પાસે કચરાના ઢગલામાં પણ આગ લાગી હતી. જ્યારે કચરાના ઢગલાની બાજુમાં આઈ આર એમ કંપનીની ગેસ લાઈન પ્રસાર થતાં આગ પાઇપલાઇન પર પ્રસરી હતી. આગ વધી જતાં આસપાસના લોકો મોટીસંખ્યામાં એકત્રિત થયાં હતાં અને ફાયર સેફ્ટીની બોટલો અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. સદનસીબે બે આગની ઘટનામાં કોઈ જાનહાનિ ટળી જતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ગેસની પાઇપલાઇનમાં આગ ભભૂકી
ડીસા પાટણ હાઈવે રોડ ઉપર જુના ડીસા ગામે આવેલ મદીના પાર્ક સોસાયટી ઝમ ઝમ પાર્કની પાસે કચરાના ઢગલામાં આગ લાગતાં નવીન ગેસની પાઇપલાઇનમાં આગ ભભૂકી ઉઠી હતી. જોકે યોગ્ય સમયે સ્થાનિક રહીશોએ ગેસ કંપની વાળાઓને જાણ કરતા આગ વધુ ફેલાતી અટકાવી તાત્કાલિક આગ ઉપર કાબુ મેળવાયો હતો જોકે લોકમુખે ચર્ચા મુજબ અત્યારથી આ પરિસ્થિતિ છે તો શું આગળ જઈને આ પરિસ્થિતિ વધુ વિકરાળ બનશે ? શું ગેસની પાઇપલાઇન ફીટીંગ કરવામાં શું યોગ્ય પ્રકારે ગેસની પાઇપલાઇન ફીટીંગ કરવામાં આવી રહેલ નથી તેવા અનેક પ્રશ્નો ગામ લોકોના મુખે ચર્ચાઇ રહ્યા હતા.
આ પણ વાંચોઃબનાસકાંઠાઃ પાલનપુરના વોર્ડ નંબર 6ના વિસ્તારને “કોલેરાગ્રસ્ત” જાહેર કરાયો












