ગુજરાત

ગીર સોમનાથમાં ફૂડ વિભાગ અને SOG ત્રાટક્યા: વેરાવળના તેલના વેપારીઓને ત્યાં દરોડાથી વ્યાપારી આલમમાં ફફડાટ

Gir Somanth News: ગીર સોમનાથ જિલ્લામાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ભેળસેળિયા તત્વો સામે તંત્રએ લાલ આંખ કરી છે. વેરાવળ શહેરમાં ખાદ્ય તેલના વેપારીઓ દ્વારા મોટા પાયે ભેળસેળ કરવામાં આવતી હોવાની આશંકા સાથે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની સંયુક્ત ટીમે ઓચિંતા દરોડા પાડ્યા છે. આ કાર્યવાહીને પગલે સમગ્ર જિલ્લાના વેપારી વર્તુળમાં ભારે ચકચાર મચી ગઈ છે.

વખરીયા બજારમાં તપાસનો ધમધમાટ

મળતી માહિતી મુજબ, વેરાવળના મુખ્ય વ્યાપારી મથક ગણાતા વખરીયા બજારમાં આવેલી સદગુરુ ટ્રેડિંગ કંપની નામની પેઢી પર તંત્ર દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. ફૂડ વિભાગ અને SOG ની ટીમે સંયુક્ત રીતે આ દુકાન અને તેના ગોડાઉનમાં તપાસ હાથ ધરી હતી. લાંબા સમયથી ખાદ્ય તેલમાં ભેળસેળ થતી હોવાની ફરિયાદો અને ગુપ્ત બાતમીના આધારે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

શંકાસ્પદ જથ્થાના નમૂના લેવાયા

દરોડા દરમિયાન તપાસનીશ અધિકારીઓએ વેપારીના સ્ટોક રજિસ્ટર અને ખરેખર હાજર જથ્થાની ચકાસણી કરી હતી. સ્થળ પરથી વિવિધ બ્રાન્ડના ખાદ્ય તેલના ડબ્બા અને ખુલ્લા તેલના જથ્થામાંથી શંકાસ્પદ નમૂનાઓ લેવામાં આવ્યા હતા. આ નમૂનાઓને સરકારી લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે. ફૂડ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, “અમે નિયમિત તપાસના ભાગરૂપે અને મળેલી ફરિયાદોના આધારે આ કાર્યવાહી કરી છે. રિપોર્ટ આવ્યા બાદ જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે.”

કડક કાર્યવાહીની તૈયારી

તંત્ર દ્વારા લેવામાં આવેલા નમૂનાઓમાં જો ભેળસેળ સાબિત થશે અથવા ગુણવત્તાના ધોરણો જળવાયા નહીં હોય, તો સંબંધિત વેપારી સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આમાં ભારે દંડથી લઈને લાયસન્સ રદ કરવા સુધીનાં પગલાંનો સમાવેશ થઈ શકે છે.

ગ્રાહકોના સ્વાસ્થ્યની સુરક્ષા સર્વોપરી

ખાદ્ય તેલ એ રસોઈની પાયાની જરૂરિયાત છે અને તેમાં થતી ભેળસેળ સીધી રીતે લોકોના હૃદય અને પાચનતંત્ર પર વિપરીત અસર કરે છે. વેરાવળમાં થયેલી આ કાર્યવાહી બાદ અન્ય તેલના ડેપો અને પેકેજિંગ યુનિટોમાં પણ તપાસનો ગાળિયો કસાય તેવી પૂરેપૂરી શક્યતા છે. તંત્રની આ સક્રિયતાને જાગૃત નાગરિકોએ આવકારી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

આ પણ વાંચો: હિટ એન્ડ રન કેસમાં વન વિભાગની મોટી સફળતા: દીપડાના મોત મામલે વડોદરાનો કાર ચાલક ઝડપાયો

Back to top button